26 એપ્રીલથી જારી ફૂટબોલ ટુર્નામેન્ટમાં છેલ્લી ઘડી સુધી રોમાંચક મુકાબલામાં ફૂટબોલ પ્રેમીઓએ લીધી મજા
આજે સાંજે ટ્રાન્સસ્ટેડિયા પર હીરો આઈ.ડબલ્યુ.એલ.ની ફાઇનલ મેચ કિકસ્ટાર્ટ ફૂટબોલ ક્લબ, કર્ણાટક અને ગોકુલમ્ કેરળ ફૂટબોલ ક્લબ વચ્ચે ઉત્તેજનાપૂર્ણ વાતાવરણમાં રમાઈ. જો કે આ નિર્ણાયક મેચમાં કિકસ્ટાર્ટ ફૂટબોલ ક્લબ કર્ણાટકની ટીમે બહુ જહેમત ઊઠાવી છતાં અંત સુધી કોઇ ગોલ ન કરી શકી. જ્યારે ગોકુલમ્ કેરળની ટીમે શરૂઆતથી જ ઝમકદાર રમત બતાવીને પ્રથમ હાફમાં ત્રણ ગોલ કરી દીધા હતા. બીજા હાફમાં પણ તેણે બે ગોલ કર્યા અને આમ પાંચ ગોલથી મેચ જીતી લીધી.
ગોકુલમ્ કેરળ ફૂટબોલ ક્લબની ફોરવર્ડ પ્લેયર નેપાળી ખેલાડી સબિત્રા ભંડારી (જર્સી નં. 9)ને હીરો ઑફ ધ મેચ જાહેર કરવામાં આવી. મેચ બાદ તરત જ આયોજિત એવોર્ડ સેરીમનીમાં ઈન્ડિયન ઑલમ્પિક એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અજય પટેલ, એ.આઈ.એફ.એફ.ના પ્રેસિડેન્ટ શ્રી કલ્યાણ ચૌબે, અર્જુન એવોર્ડ વિજેતા પદ્મશ્રી બેમ બેમ દેવી, કર્ણાટક સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના સેક્રેટરી શ્રી સત્યનારાયણ તેમજ જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હનીફ જીનવાલા, સેક્રેટરી શ્રી મૂળરાજ સિંહ ચુડાસમા, ટ્રેઝરર શ્રી મયંક બૂચ, કારોબારીના સભ્ય શ્રી શપથ શાહ સહિતના મહાનુભાવોના હસ્તે ચેમ્પિયન અને રનર્સ ટીમો તથા ખેલાડીઓને ટ્રોફી તેમજ ઇનામો, મેડલ વગેરે એનાયત કરવામાં આવ્યાં.
આ સાથે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની યજમાનીમાં સંચાલિત એ.આઇ.એફ.એફ.ની 26 એપ્રિલથી શરુ થયેલી ઇન્ડિયન વિમેન્સ લીગ(આઇ.ડબલ્યુ.એલ.) ટુર્નામેન્ટનું આ સાથે દબદબાભેર સમાપન થયું.