૧૯ બેડની અતિઆધુનિક સાધન સુવિધા ધરાવતી હોસ્પિટલ
હૃદયરોગ, કેન્સર, ઓર્થોપેડિક, જોઈન્ટ રીપ્લેસમેન્ટ, પેટનાં આંતરડા તથા લીવરનાં રોગો, ન્યુરો અને સ્પાઈન સર્જરી જેવા વિવિધ વિભાગો ધરાવતી ગોકુલ હોસ્પિટલનું લોકાર્પણ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોકુલ હોસ્પિટલનાં ચેરમેન ડો.પ્રકાશ મોઢા, મેનેજીંગ ડાયરેકટર જગજીવનભાઈ સખીયા તથા બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને વિશાળ સંખ્યામાં રાજકોટનાં નામાંકિત તબીબો, આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા.
ગોકુલ હોસ્પિટલનાં ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, ગોકુલ હોસ્પિટલનો ધ્યેય સૌરાષ્ટ્ર-કચ્છની સામાન્ય જનતાને સર્વશ્રેષ્ઠ તબીબી સેવાઓ સરળતાથી તેમજ નજીવાદરે સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નશીલ રહેશે. આ ઉપરાંત લક્ષ્ય છે કે, દરેક વ્યકિતની પહોંચમાં આંતરરાષ્ટ્રીય ધોરણની આરોગ્ય સંભાળ લાવવામાં આવે, માનવતાનાં ફાયદા માટે, તબીબી શિક્ષણ, સંશોધન અને આરોગ્યની સંભાળમાં શ્રેષ્ઠતાની સિદ્ધિઓ અને જાળવણી માટે પ્રતિબઘ્ધ રહેવું આજ હેતુથી ગોકુલ હોસ્પિટલની વધારાની શાખા કુવાડવા રોડ પાસે શરૂ કરવામાં આવી છે. ગોકુલ હોસ્પિટલમાં ૧૯ બેડની અતિઆધુનિક સાધન સુવિધા ધરાવતી આઈસીયુ, કલાસ-૧૦૦ પ્રકારનાં ઓપરેશન થિયેટર, પેથોલોજી અને રેડિયોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં ગોકુલ હોસ્પિટલમાં ઉચ્ચતર ડિગ્રી ધરાવતા અને તેમનાં કાર્યક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા ૩૦ થી વધુ ડોકટરોની ટીમ જોડાયેલી છે.
આરોગ્ય ક્ષેત્રે લોકોની સેવા કરવા ગોકુલ હોસ્પિટલ હરહંમેશ તત્પર: વિજયભાઈ રૂપાણી
ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગોકુલ હોસ્પિટલનાં લોકાર્પણ પ્રસંગે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજકોટમાં ઉપલાકાંઠા વિસ્તાર જેવા કે રણછોડનગર, કુવાડવા રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ, ભગવતીપરા જેવા વિસ્તારોમાં સારી અને ઉચ્ચ ગુણવતાવાળી કહી શકાય તેવી સેવાઓ ઉપલબ્ધ ન હતી ત્યારે ગોકુલ હોસ્પિટલનાં લોકાર્પણથી આ વિસ્તારનાં ૯ લાખથી વધુ વ્યકિતઓને તેમનાં ઘરની નજીક ખુબ જ સારી તબીબી સેવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે તેવી પણ મુખ્યમંત્રીએ આશા વ્યકત કરી હતી. આ તકે તેઓએ ગોકુલ હોસ્પિટલની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમનાં કાર્યને બિરદાવવામાં પણ આવ્યું હતું.