રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસને મદદરૂપ બનતાં ટ્રાફિક બ્રિગેડની લાંબા સમય બાદ ફરજના ભાગરૂપે કરાયેલી સામૂહિક બદલીથી કેટલાક પેધી ગયેલા ટ્રાફિક બ્રિગેડે બિન જરૂરી ગોકીરો કર્યો છે. પોતાના રહેણાંકથી ફરજનો પોઇન્ટ દૂર હોવાનું બહાનું આગળ ધરી પોતાને મનપસંદ પોઇન્ટ પર પુન: નિયુક્તિ માટે માંગ કરી શિસ્ત ફોર્સ ગણાતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સંગઠનની હિલચાલ કરી છે. બીજી બાજુ ટ્રાફિક બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓએ પણ ટ્રાફિક બ્રિગેડની માંગણી સામે મચક આપી નથી.
પહેલાં બે-બે મહિને પોઇન્ટ ચેઇન્જ થતા: છ માસ બાદ ફરજના ભાગરૂપે બદલી કરાતા પેધી ગયેલા ગણ્યા ગાઠ્યા વોર્ડને હંગામો મચાવ્યો
ટ્રાફિક નિયમન માટે શહેરમાં હાલ 650 જેટલા ટ્રાફિક બ્રિગેડ શહેરના ચાર સેક્ટરના જુદા-જુદા પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યાં છે. તેઓની દર બે માસે પોઇન્ટ ચેન્જ કરી બદલી કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લાં છ માસથી ટ્રાફિક બ્રિગેડની બદલી થઇ ન હતી. બીજી તરફ કેટલાક ટ્રાફિક બ્રિગેડો વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. કેટલાક ટ્રાફિક બ્રિગેડ મનપસંદ અધિકારી સાથે જ કામ કરવા માંગતા હોવાથી તાજેતરમાં જ થયેલી સામુહિક બદલીથી ટ્રાફિક બ્રિગેડ દ્વારા ડીસીપી પુજા યાદવ સમક્ષ રજૂઆત કરી છે.
650 ટ્રાફિક બ્રિગેડની બદલી થઇ છે. તે પૈકી માત્ર 50-60 ટ્રાફિક બ્રિગેડને આ બદલી સામે નારાજગી વ્યક્ત કરી પોતાના રહેણાંકથી ફરજનો પોઇન્ટ દૂર હોવાનું બહાનું આગળ ધર્યું છે. પરંતુ બદલી ફરજના ભાગરૂપે કરવામાં આવી છે અને શહેરના ચારેય સેક્ટરના 650 ટ્રાફિક બ્રિગેડને બદલવામાં આવ્યા છે. આમ છતાં કોઇ વ્યાજબી કારણ જણાશે તેઓની રજૂઆત ધ્યાન પર લેવામાં આવશે. તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. પરંતુ ટ્રાફિક બ્રિગેડની શિસ્ત જરૂરી હોવાથી આ પ્રકારે સંગઠન કરી સામૂહિક રજૂઆતના કારણે પોલીસ અધિકારીઓમાં ખોટો મેસેજ ઉપસ્થિત થયો છે.