સીજેઆઈ દિપક મિશ્રાની નિવૃતિ બાદ ૧૩ મહિનાનો કાર્યભાળ સંભાળશે જસ્ટીસ ગોગોઈ
ભારતના ૪૬માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રંજન ગોગોઈની નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણુકને મંજુરી આપી છે. ૪૬માં ચીફ જસ્ટીસ તરીકે રંજન ગોગોઈ ૩ ઓકટોબર ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો કાર્યભાર સંભાળશે અને તેઓ ૧૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ નિવૃત થશે. ગોગોઈનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૫૪ના રોજ થયો હતો. તેમણે ૧૯૭૮માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. તેમણે ગુવાહીટી હાઈકોર્ટમાં બંધારણીય, ટેકસેશન અને કંપની બાબતોના કેસ લડયા હતા.
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ ગોગોઈ ગુવહાટી હાઈકોર્ટમાં કાયમી જજ બન્યા હતા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ તેમની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મૂખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ ૨૩ એપ્રિલ ૨૦૧૨ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ જસ્ટિસ રંજન ગોગોઈને નવા સીજેઆઈ બનાવવાની ભલામણ કરી છે. જેના પગલે કેન્દ્ર સરકારને તેમણે ઔપચારીકપત્ર પણ લખ્યો હતો. ન્યાયમૂર્તિ ગોગોઈની નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે વરણીને લઈ અટકળો ત્યારે શરૂ થઈ જયારે જસ્ટીસ ગોગોઈ સહિત હાઈકોર્ટના ચાર વરિષ્ઠ જજ આ વર્ષે જાન્યુઆરીમાં એક સંમેલન કર્યું. આ સંમેલનમાં ન્યાયાધીશોએ વિવિધ મુદાઓને લઈ મુખ્ય ન્યાયાધિશ મિશ્રાની આલોચના કરી હતી. ચારે ન્યાયાધિશોએ ખાસ કરીને કેટલીક ખંડપીઠના મામલે આવઝનનો મુદો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, રાજકીયરૂપે સંવેદનશીલ કેસ જુનિયર જજને આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જસ્ટીસ ગોગોઈનો કાર્યકાળ ૧૩ મહિનાનો જ રહેશે અને ૩જી ઓકટોબર રંજન ગોગોઈ શપથગ્રહણ કરશે.