અધિક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પતંગનાં વેપારીઓ સાથે બેઠક, વેપારીઓએ ચાઈનીઝ દોરી અને તુકકલનું વેચાણ ન કરવાની ખાતરી આપી
સમગ્ર રાજયમાં ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે તેમ છતાં વિવિધ ઓનલાઈન શોપીંગ સાઈટ ઉપર ચાઈનીઝ તુકકલ અને દોરીનું ધુમ વેચાણ થઈ રહ્યું હોય માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શોપીંગ સાઈટનાં ગોડાઉન સંચાલકોને આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુની ડિલવરી ન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજકોટનાં પતંગનાં વેપારીઓએ પણ તંત્રને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવાની ખાતરી આપી છે.
ચાઈનીઝ દોરીથી પક્ષીઓને નુકસાન થતું હોય તેમજ ચાઈનીઝ તુકકલથી અકસ્માત સર્જાવવાની શકયતા રહેતી હોય સમગ્ર રાજયમાં આ બંને વસ્તુઓ ઉપર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયાએ પણ તાજેતરમાં આ અંગેનું પ્રતિબંધિત જાહેરનામું પ્રસિઘ્ધ કર્યું હતું જેના ભાગરૂપે આજે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડયનાં અધ્યક્ષસ્થાને પતંગનાં વેપારીઓ સાથે કલેકટર કચેરીમાં એક બેઠક મળી હતી જેમાં તમામ વેપારીઓએ ચાઈનીઝ દોરી અને તુકકલ ન વાપરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત ઓનલાઈન શોપીંગ સાઈટ ઉપર પુરબહારમાં ચાઈનીઝ તુકકલોનું વેચાણ થતું હોવાનું કલેકટર તંત્રનાં ધ્યાનમાં આવ્યું હતું માટે તંત્ર દ્વારા જાણીતી ઓનલાઈન શોપીંગ સાઈટનાં રાજકોટ સ્થિત ગોડાઉનનાં સંચાલકોને ચાઈનીઝ તુકકલ કે દોરીનું કોઈ પાર્સલ આવે તો તેની ડિલીવરી ગ્રાહકને ન કરવાની તાકિદ કરી હતી.