• સ્નેહસ્પર્શ કાર્યક્રમમાં ભજન, સ્તૃતિ, લોકગીતો અને બોલીવુડનાં ગીતો પર  દિવ્યાંગ બાળકોએ  રજુ કરી મનમોહક કૃતિ

અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગ બાળકોની સંવેદનાઓને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્નેહ સ્પર્શ’ ને  સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા,  મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્યો સર્વે   ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહીતના મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

મંત્રી  જગદીશ વિશ્વકર્માએ આ તકે દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારજનોને પ્રોત્સાહિત કરતા રાજ્ય સરકારની સંવેદના તેમની સાથે હોવાનું જણાવી કહ્યું હતું કે, ઈશ્વરીય બાળ સ્વરૂપ આ બાળકો એ સમાજનો એક અભિન્ન હિસ્સો છે, અને તેઓને આત્મ સન્માન પૂરું પાડી મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાકીય સહાય પુરી પાડવામાં આવી રહી છે.

” સ્પર્શ” કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો માટે કાર્યરત વિવિધ સંસ્થાના મુકબધિર અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોએ ભજન, સ્તુતિ, લોકગીતો અને બોલીવુડ ગીતો પર અવનવી 19 જેટલી કૃતિઓ રજુ કરી દર્શકોના મન મોહી લીધા હતાં.

જેમાં વિરાણી બહેરા મૂંગા શાળા દ્વારા ગણેશ સ્તુતિ, “મેરે ઘર રામ આયે હૈ”, વી. ડી. પારેખ અંધ મહિલાના બાળકો દ્વારા હસતા રમતા, “નગાડા સંગ ઢોલ બાજે”, ત્યાર બાદ એક રંગ સંસ્થાના બાળકો દ્વારા “ઇતની સી હસી” અને “ઘુમર ઘુમર”, સ્નેહ નિર્ઝર સંસ્થાના બાળકો દ્વારા “છોટા બચ્ચા” અને “મે નીકલા ગડ્ડી લેકે”, નવ શક્તિ વિદ્યાલય સંસ્થાના બાળકો દ્વારા “છુક છુક કરતી જાય” અને “કર મેદાન ફતેહ”, જીનીયસ સુપર કિડઝ સંસ્થાના બાળકો દ્વારા “ઓહ માય ફ્રેન્ડ ગણેશા” અને “ગજાનન ગજાનન”, સેતુ ફાઉન્ડેશન દ્વારા “તેરી બાતો મે એસા” અને “નાચો નાચો”, પ્રયાસ પેરેન્ટ્સ દ્વારા મલ્હારી ડાન્સ અને થીમ ડાન્સ, પરમાર્થ એજ્યુકેશન દ્વારા “મોજમાં રહેવું”, મંત્ર ફાઉન્ડેશન દ્વારા “ઇતની સી હસી ફયુઝન” જેવી વિવિધ કૃતિઓ આ દિવ્યાંગ બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ દિવ્યાંગો માટે જીવન સમર્પિત કરનાર અને પપ્પાજીના નામથી જાણીતા થયેલા સ્વ.પી.વી.દોશીની સામાજિક ઉત્કર્ષ માટેની સેવાકીય પ્રવૃત્તિની રૂપરેખા પુરી પાડી હતી. તેમજ જનકલ્યાણ ટ્રસ્ટ જેમના નામ પરથી રાખવામાં આવેલ છે તેવા સ્વ. અરવિંદભાઈ મણિયારની સામાજિક અને સહકારી ક્ષેત્રે અનન્ય પ્રદાનની ગાથા વર્ણવી હતી.  જયારે આ તકે  ઉપસ્થિત  ડો. જયંતિભાઈ ભાડેશીયાએ સફળતા અને સાર્થક જીવનનો મહિમા સમજાવી અન્યના જીવનમાં મદદરૂપ બનવાની ભાવના સાથે જીવન સાર્થક બનાવવા પ્રેરણા પુરી પાડી હતી.

આ તકે દિવ્યાંગ બાળકોના ઉતકર્ષ માટે કાર્યરત સંસ્થાઓને મોમેન્ટો તેમજ ભેટ સ્વરૂપે પ્રોત્સાહક પુરસ્કાર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતાં. જયારે કાર્યક્રમમાં ભાગ લેનાર 200 થી વધુ કલાકારોને આકર્ષક ગિફ્ટ   જયંતિભાઈ પટેલ અને નાસ્તો   હસુભાઈ સોનછત્રા તરફથી આપવામાં આવ્યો હતો.

આ તકે “સ્નેહ સ્પર્શ ” કાર્યક્રમના પ્રણેતા   શરદભાઈ વોરા, ટ્રસ્ટી ઓ જયોતીન્દ્રભાઈ મહેતા, હંસિકાબેન મણીઆર, શિવબાઈ દવે, મહાસુખભાઈ શાહ, કલ્પકભાઈ મણીઆર, ડી.વી. મહેતા,   જીતુભાઈ બેલાણી સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોના પરિવારજનોએ ઉપસ્થિત રહી કૃતિઓનો સ્નેહ સભર સ્પર્શનો આસ્વાદ માણ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.