વરવાડાના સરપંચ વિરચંદ પટેલે કહ્યું, આપણે જે ડેલામાં બેઠા છીએ ત્યાં જ આપણા રાજ્યના મુખ્યમંત્રી (હાલના વડાપ્રધાન) જાન લઈને પરણવા આવ્યા હતા !
આજે ગોધરાકાંડ અન્વયેના તોફાનોના ચોથા દિવસનો પ્રારંભ થઈ રહ્યો હતો. પોલીસ વડાના આદેશ પ્રમાણે જયદેવને રાત્રી મુકામ વરવાડા ગામેજ કરવાનો હતો આજે ૩જી માર્ચ કલાક ૦૦/૦૦નો સમય ઘડીયાળ દર્શાવી રહી હતી. વરવાડાગામનો લઘુમતી લોકોનો મહોલ્લો ગામના પાદરમાં એક બાજુ અલાયદો જ આવેલો હતો, જયદેવે જીપ લઈને ત્યાં આંટો મારતા લોકો હજુ જાગતા જ હતા. જયદેવે તેમને કહ્યું હુ રાત્રી મુકામ અહિ ગામમાં જ છું તમે ચિંતા કરતા નહિ જયદેવે ગામની ફરતે ચકકર લગાવી ને ભૌગોલીક રીતનું સંપૂર્ણ નિરીક્ષણ કરી લીધું અને પાછો વિરચંદ પટેલના ડેલા તરફ આવેલો ત્યાં જોયું કે ડેલામાં ખાટલો ઢાળીને વિરચંદભાઈ બેઠા હતા અને બાજુમાં ખૂરશીઓ મૂકી રાખી હતી. જાણે કે તેઓ જયદેવના આવવાની રાહ જોઈને જ બેઠા હોય.
જયદેવને પણ થયું કે ચાલો શાંતિ છે તો થોડીવાર વિરચંદભાઈ સાથે વાતચીત કરી લઈએ વિરચંદભાઈએ ચા-પાણી મંગાવ્યા અને તેમણે વાત ચાલુ કરી જે સાંભળી ને જયદેવ આશ્ર્ચર્ય પામી ગયો વિરચંદભાઈએ કહ્યું સાહેબ આપણે જે ડેલામાં બેઠા છીએ ત્યાં જ એક વખત હાલના આપણા રાજયના મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન જાન લઈને પરણવા આવ્યા હતા બાદ દસ દિવસ પછી જ્ઞાતિના રિવાજ મુજબ ક્ધયા સાસરેથી વરવાડા પાછી આવી તે પછી તેણી કયારેય સાસરે ગઈ જ નહિ. પાછળથી એવી વાત જાણવા મળેલી કે મૂરતીયાએ મા-બાપના આગ્રહને કારણે લગ્ન તો કર્યા પણ તેણે ક્ધયા ને એવું કહેલું કે હું તો દેશ સેવા માટે એક સંસ્થા સાથે જોડાયેલો છું અને દેશ સેવા માટે આજીવન હું લગ્ન જ કરવા માંગતો ન હતો. પણ શું થાય? આથી ક્ધયાએ કહેલું કે તો હું તમને આવા દેશ સેવાના માર્ગેજતા હોય તો આડખીલી રૂપ થવા માગતી નથી તમે તમારા માર્ગે અને હું પણ આજીવન બીજા લગ્ન નહિ કરી મારાથી બનતી સમાજની સેવા કરીશ આમ પીયર આવ્યા બાદ તેણીએ પ્રાથમિક સ્કુલમાં શિક્ષીકા તરીકે નોકરી શોધી લીધી હાલમાં તેઓ આપણા બ્રાહ્મણ વાડા ગામમાંજ એક ઓરડાનાં મકાનમાં એકલા જ રહે છે. અને નજીકના બીજા ગામે શિક્ષીકા તરીકે સેવા આપવા માટે એસ.ટી.બસમાં આવજા કરે છે.
આ ગોધરા કાંડ અંગેના તોફાનો બાદ દેશ વિદેશના અનેક પ્રેસ રીપોર્ટરો અને મીડીયા વાળાઓએ બ્રાહ્મણવાડા ગામે આવી ને આ શિક્ષીકા બહેનનો ઈન્ટરવ્યુ લેવા પ્રયત્ન કરેલ હતો. પરંતુ આ શિક્ષીકા બહેને કયારેય કોઈને ઈન્ટરવ્યુ આપ્યો જ નહિ. જયદેવે તે પછી બ્રાહ્મણ વાડા આઉટ પોસ્ટના જમાદારને સૂચના કરેલી કે આ શિક્ષીકા બહેનને કોઈ બીન જરૂરી મુશ્કેલી ઉભી ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવી.
વિરચંદ પટેલની આ વાત સાંભળીને લઘુમતી મહોલ્લા તરફ જતા જતા જયદેવ વિચારતો હતો કે વ્યકિતને સમય સંજોગો, પુરૂષાર્થ, પ્રારબ્ધ અને ઈચ્છા શકિત કયાંથી કયાં લઈ જાય છે!આ દરમ્યાન કલાક ૦/૪૫ વાગ્યે કંટ્રોલે ઉંઝાને જાણ કરી કે કલેકટર કચેરીએથી વર્ધી આવેલ છે. કે ઉનાવા ખાતે લીમ્બચ માતાના મંદિરે લઘુમતી કોમના લોકો તોડફોડ કરવા ગયેલ છે જે વર્ધી ઉનાવા ખાતે બંદોબસ્તમાં રહેલ પીઆઈ ગામેતીએ એર ઉપર સીધી જ સાંભળતા તેની ઓપરેટરે નોંધ કરી.કલાક ૦/૫૦ વાગ્યે પીઆઈ ગામેતી એ ઉંઝાને જણાવ્યું કે પોતાની ફરજનું સ્થળ જ લીમ્બચ માતાનું મંદિર છે. અહીં કોઈ માણસો આવેલા નથી કે કોઈ બનાવ બનેલ નથી આથી ઉંઝાએ આ માહિતી મહેસાણા કંટ્રોલને આપી.
વરવાડા લઘુમતી મહોલ્લામાં હજુ લોકો જાગતા જ હતા. આથી જયદેવે કહ્યું કે એક ખાટલો મંગાવી લો ત્રણ રાત્રીનો ઉજાગરો છે. આથી આરામ કરીએ, આ સાંભળીને આ લોકોએ કહ્યું સાહેબ આ એક નવું બનેલુ મકાન ખાલીજ પડયું છે. તેમાં તમામ સુવિધાઓ છે તમતમારે તેમાં અરામ કરો જરૂર પડયે અમે તમને બોલાવી લઈશુ આમ આજે ચોથી રાત્રીનાં જયદેવને પલંગ ઉપર લાંબા થઈને સુવાનો યોગ પ્રાપ્ત થયો.
જયદેવે સવારના છ વાગ્યા સુધી ઘસઘસાટ નિંદ્રા કરી ઉઠીને સીધો ઉંઝા આવ્યો સ્નાનાદિ વિધી પતાવીને ફરી પોલીસ સ્ટેશને આવી ગયો. જયદેવે તમામ રીપોર્ટ જોતા દરેક જગ્યાએ શાંતી પ્રવર્તતી હોય તેમ લાગ્યું તેને થયું કે ઘણા લાંબા સમય પછીઆ કોમી તોફાનો રૂપી વાવાઝોડુ હવે શાંત થયું હોય તેમ લાગે છે. આથી હવે નિરાંત થશે પણ પોલીસ દળ અને ખાસ તો જયદેવ માટે તો બીજી પળોજણો અને માથાના દુ:ખાવા સમાન સમસ્યાઓતો હવે શરૂ થવાની હતી. એફ.આઈ.આર. લેવી, તપાસો કરવી, સંખ્યા બંધ આરોપીઓ પકડવા તેમની રીમાન્ડો, મુદામાલ કબ્જે કરવાની કાર્યવાહી અને સાથે જુદાજુદા બંદોબસ્ત તો ખરાજ ! વળી તે સમયના સ્થાયી હુકમો અને પરિપત્રો મુજબ કોમી ગુન્હાની તમામે તમામ તપાસો તો પીઆઈ એ જાતે જ કરવાની, બંદોબસ્તની વહેંચણી જનતાને સાંભળવાની અને સાથે ઓફીસ વહીવટી કામગીરીતો ખરીજ, આમ અગાઉ જણાવ્યા પ્રમાણે પોલીસ ખાતામાં કામની વહેંચણી અને તેની ગુણવત્તા કરતા જવાબદારી જ નકકી કરવા માટે તમામ કાર્યભાર એક જ થાણા અધિકારી પીઆઈ કે ફોજદાર જે હોય તેના પર ઢોળી દેવામાં આવતો પછી ભલે અડધો ડઝન ફોજદારો કાયદાના જાણકાર અને અનુભવી હોય તેમ છતાં તેઓ ફકત કોન્સ્ટેબલની માફક જ નાકા ડયુટી કરે, જોયા કરે અને બેસી ને મજા કરે ! અને વિભાગીય પોલીસ વડા ફકત સુપર વિઝન અને વિજીટેશન કરે અને આ નથી કર્યું; આમ ન કરાય, ફલાણુ ઢીકણું કરી જરૂરી કે બીનજરૂરી આવક કાઢીને થાણેદારને સળી જ કર્યે રાખવાની અને તે પણ આવા સંજોગોમાં ! આવી સ્થિતિ હતી તે સમયે !
સવારમાં જ જયદેવને વર્ધી મળી ગઈ કે આજે રાજયના રાહત કમિશ્નર ઉનાવા આવતા હોય જાતેથી તેમની જોડે રહેવું કલાક ૧૦.૩૦ વાગ્યે જયદેવ ઉનાવા આવી ગયો ગાંધીનગરથી આવેલા રાહત કમિશ્નરે ઉનાવા રાહત છાવણી ખાસ તો મીરા દાતાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓથી મીટીંગ કરી વિસ્થાપિતો ને આપવાની સરકારી સહાય અંગે ચર્ચા કરી. તેજ રીતે રાહત કમિશ્નરે ઉંઝા મામલતદાર કચેરીએ રેવન્યુ ખાતાના અધિકારીઓ સાથે મીટીંગ કરી અને તેઓ વિસનગર જવા રવાના થયા, તેઓને ઐઠોર ગામ સુધી એસ્કોર્ટ કરી મૂકીને જયદેવ પાછો ઉંઝા આવ્યો.
આ દરમ્યાન હજુ ઉનાવા ખાતે કફર્યું ચાલુ હતો. કલાક ૧૧/૧૫ વાગ્યે ઉનાવાથી પેન્થરસરની વર્ધી ઉંઝા ખાતે પસાર થતી હતી કે કલાક ૧૧/૦૦ વાગ્યે સંચારબંધી લાદવામાં આવેલ છે. દુકાનો બંધ કરાવેલ છે ખેરીયત છે વિગેરે. કલાક ૧૬/૦૦ વાગ્યે જયદેવ ઉનાવા આવ્યો અને મકતુપુર ગામના વિસ્થાપિતોના નિવેદનો લેવા તજવીજ કરી દરમ્યાન કલાક ૧૯/૩૦ વાગ્યે મીરાદાતાર ટ્રસ્ટના ચેરમેન સૈયદ છોટુ મીયા કાલુમીયાએ એક લેખીત ફરિયાદ આપી જે ગંભીર ગુન્હો મામુશાની દરગાહ અંગેનો હતો જેમાં બહુમતી વસ્તીના અમુક લોકોએ હુલ્લડ કરી દરગાહને વિસ્ફોટકની મદદથી નુકશાન પહોચાડવા તથા ધાર્મિક લાગણીઓ દુભાવવા અંગેની આરોપીઓના નામજોગની હતી. જે ઉંઝા પી.એસ.ઓને ગુન્હો દાખલ કરવા મોકલતા ગુન્હો નોંધાઈને આ તપાસ પણ જયદેવ પાસે જ આવી ! જોકે ઉનાવામાં કફર્યુંનો અમલ હજુ ચાલુ જ હતો.
આ પછી તો એવું બનવા માંડયું કે ‘દુધનો દાઝયો છાસ ફૂંકીને પીએ’ તે રીતે ફરીથી કલાક ૨૦/૧૦ વાગ્યે ઉનાવાથી ફોજદાર ટાંકે ઉંઝા ઓપરેટરને જણાવ્યું કે મામલતદાર સાહેબ જણાવે છે કે ઉંઝા રેલવે સ્ટેશન ખાતે તાત્કાલીક પોલીસ વાહનો મોકલી આપો જેથી પી.એસ.ઓ.એ. તાત્કાલીક આ સમચાર ઉંઝા વન મોબાઈલ જયદેવ અને રીકવીજીટ મોબાઈલને આપતા બંને મોબાઈલો તાત્કાલીક રેલવે સ્ટેશને આવી ગઈ. પરંતુ ત્યાં કાંઈ જણાયું નહિ આથી જયદેવે રેલવે સ્ટેશન સ્ટાફ તથા અન્ય લોકોને પુછપરછ કરતા એવું જાણવા મળેલુ કે તોફાનોના આ માહોલમાં કોઈ બીજી હેરાનગતી ન થાય તે માટે ટ્રેનમાંથી આવેલા મુસાફરો એ જ કદાચ ગભરાઈને આ ટેલીફોન કર્યો હશે. કલાક ૨૦/૪૦ વાગ્યે આજ બાબત અંગે કિંગ મોબાઈલે ઉંઝાને પૂછાવ્યું કે ઉંઝા રેલવે સ્ટેશનની શું બબાલ હતી ? જેથી જયદેવને પૂછાતા તેણે ઉપર મુજબની જાણવા મળેલી હકિકત મોકલી આપી.
કલાક ૨૦/૫૦ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝાને વર્ધી આપી કે લણવા ગામે બબાલ થયેલ છે. જેથી ખેરાલુ પીઆઈને જાણ કરો કે તાત્કાલીક લણવા ગામે પહોચી જાય આ વર્ધી ઉંઝાએ મહેસાણા કંટ્રોલ અને ખેરાલુ ને આપતા ખેરાલુ ઓપરેટરે પીઆઈની વળતી વરધી આપી કે સેક્ધડ મોબાઈલ સાથે જમાદાર શ્રીમાળી લણવા ગામે જ છે. ઉંઝાએ આ વર્ધી કિંગ મોબાઈલને આપી.
કલાક ૨૧-૧૫ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝા મારફત ખેરાલુ ને સુચના મોકલીકે લણવા ગામે પીઆઈ ખેરાલુને જાતે જ મોકલી આપો અને જેટલુ બળ વાપરવું પડે તે વાપરે જરૂર પડયે ફાયરીંગનો પણ ઉપયોગ કરે આ કડક સુચના સરદારપૂરા હત્યાકાંડના પ્રત્યાઘાત રૂપે હોય તેમ જયદેવ માનતો હતો. કલાક ૨૨/૦૫ વાગ્યે કિંગ મોબાઈલે ઉંઝા મારફતે વિજાપૂર પીઆઈને પુછાવ્યું કે ત્યાંથી એસઆરપીનું એક સેકશન (૧૦ જવાન) અને તેના ફોજદાર લાંધણજ પોલીસ સ્ટેશને રવાના કર્યા કે કેમ?
દરમ્યાન આજે પણ પોલીસ વડાએ જયદેવને જણાવ્યું કે મામલો હજુ ગરમ જ છે. જેથી તકેદારીના પગલા રૂપે તમે રાત્રી મુકામ વરવાડા ગામે જ કરજો આથી જયદેવ વરવાડા જવા રવાના થયો અને રાત્રી મુકામ વરવાડાના લઘુમતી મહોલ્લામાં ગતરાત્રી મુજબ જ કરી વહેલી સવારે ઉંઝા આવી ગયો.
આજે ચોથી માર્ચ; સવાર કલાક ૭ વાગ્યે જયદેવ ઉંઝાથી ઉનાવા આવ્યો, હજુ અહિ કફર્યુંનો અમલ ચાલુ જ હતો. છતા તેને ગઈકાલે રાત્રે મળેલી મામુશા દરગાહ વાળી તપાસ અન્વયે ગુન્હાનું અન્વેષણ શરૂ કર્યું, ગુન્હા વાળી જગ્યાનું પંચનામું હજુ ચાલુ હતુ ત્યાં કલાક ૮/૧૬ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝાને જાણ કરી કે કેન્દ્રીય રક્ષા મંત્રી જયોર્જ ફર્નાન્ડીઝ કલાક ૮/૩૦ વાગ્યે હેલીકોપ્ટર દ્વારા મહેસાણા આવી કલાક ૯/૪૫ વાગ્યાના અરસામાં ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવશે તો તમામ બંદોબસ્તના પોઈન્ટો ઉપર જવાનોને એલર્ટ રાખવા જે વર્ધી જયદેવને મળતા તેણે ઉનાવા ખાતે તમામને જાણકરી દીધી.
ઉનાવા ખાતે કેન્દ્રીય રક્ષામંત્રીએ ગામની મુલાકાત લીધી ખાસ તો મીરાદાતાર ટ્રસ્ટના સભ્યોને સાંભળ્યા, અને જોઈતી રાહત, મદદ અંગે તેમણે ત્યાં હાજર રેવન્યુ ખાતાના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી.
આ દરમ્યાન ઉનાવા ખાતે થયેલા તોફાનો અંગે લઘુમતી અને બહુમતી બંને કોમના લોકોએ ઉનાવા ખાતે જ રહેલા ઉંઝાના ફોજદાર ટાંકને ફરિયાદો આપતા તેણે બંને સમુદાયના લોકોની ફરિયાદો લખી લઈ ઉંઝા પીએસઓ.ને મોકલી આપી આથી પીએસઓએ બંને ગુન્હા દાખલ કરી જયદેવને ટેલીફોન કરી પૂછયું કે તપાસો કોને સોપીશું? આથી જયદેવે કહ્યુંં કે જે ગુન્હામાં લઘુમતી ફરિયાદી હોય તેની તપાસ લઘુમતી કોમના ફોજદાર ટાંકને આપો અને જે ગુન્હાના ફરિયાદી બહુમતીના હોય તેની તપાસ મને મોકલી આપો. આમ કરવાનું કારણ એ હતુ કે સામાન્ય રીતે લોકોનું માનસ એવું હોય છે કે પાછળથી પોલીસ ઉપર પક્ષાપક્ષીના આક્ષેપો કરતા હોય છે. અને તેમનું લક્ષ પોલીસ જ બને છે. જેથી મતલક્ષી રાજકીય આક્ષેપો ન થાય તે માટે જયદેવે આ હુકમ કરેલો જોકે પાછળથી ઉચ્ચ કચેરીના હુકમથી જયદેવે આ બે ગુન્હા ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ તોફાનોના તમામ ગુન્હાઓની તપાસ તેણે એકલા એજ સંભાળી લેવી પડી હતી.
આનું પરિણામ એ આવ્યું ખાસ તો બે ગુન્હાની એફઆઈઆર ઉનાવાથી લેવાઈ ને ગુન્હા દાખલ થતા લોકોમાં કર્ણોપકર્ણ કલ્પીત વાતો અફવાઓ એક આલા દરજજાના પદાધિકારી રાજકીય પાસે પહોચતા અને જોકે રજૂઆત પણ થઈ હશે તેથી તેમણે સત્તા અને પદના જોરમાં આક્રમક ભાષામાં જયદેવને ફોન કર્યો કે પોલીસે આ શું આદરી છે? ઉનાવાથી એક પક્ષિય રીતે જ મનસ્વી રીતે ફરિયાદો લઈને ગુન્હા નોંધવાનું શરૂ કર્યું છે. ? આ સાંભળી ને ચાર પાંચ દિવસનો થાકયો પાકયો અને ગળે આવી ગયેલા જયદેવનો મગજ પણ ફાટયો અને ઉગ્રતાથી જવાબ આપ્યો કે, જુઓ કાકા તમે અમને દાડીયે નથી રાખ્યા, આ અધિકારીઓની નિમણુંકો તો તમારી સરકાર કરે છે. અને મારી ઉપર રોફ છાંટો છો? જો હું આડો ચાલ્યો તો સમજજો પરિણામ ખરાબ આવશે અગાઉના દાખલો આરોપી નેકટર રામજી (પ્રકરણ ૧૯૧ જ્ઞાતિ ઓથે ગુન્હાખોરી)નો આપી પોતાની ચાલથી માહિતગાર કર્યા અને કહ્યું કે હવે કેસ કાગળો એવા તૈયાર થશે કે કોઈ આરોપીઓ નેકટર રામજી માફક ઉચ્ચ અદાલતો સુધી જામીન ઉપર નહિ છૂટે પરંતુ રાજકારણીઓ થોડામાં ઘણુ સમજી જતા હોય છે.
પરિણામનો ભય જાણીને તેમણે ફોન તેમના અંગત સચિવ કે જેઓ ઉંઝાના વિષ્ણુ ગુપ્ત ઉર્ફે ચાણકય ને આપી ને કહ્યું કે હવે મામલો તમે સંભાળો આ ઉંઝાના ચાણકય એ જયદેવે કહ્યું બાપુ શાંતિ શાંતિ હું સૌરાષ્ટ્રના બાપુના સ્વભાવને જાણું છું તમારી સાથે આમ વાત પણ ન કરાય આ વાત એમ છે કે લોકો એ કાકા પાસે રજૂઆત કરી તેથી આવેશમાં આવી હંમેશની ટેવ મુજબ ફોન કરી દીધો પરંતુ એ ભૂલી ગયા કે સામે કોણ છે કાકા ને મનમાં એવું કાંઈ નથી તમે જે કરો છો તે ન્યાયીક છે અને ભવિષ્યે ખોટી રીતે કોઈ નિદોર્ષ લોકો અંદર જેલમા ના જાય તે જ અમારી વિનંતી છે. અને આમ આ વાત અહી પૂરી થઈ. જયદેવે મોડી સાંજ સુધી ઉનાવા ખાતે રહી આ કોમી ગુન્હાઓની તપાસો ચાલુ રાખી.
દરમ્યાન કલાક ૨૨/૨૦ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે જયદેવને ઉંઝા ઉનાવા મારફતે વર્ધી આપી કે ગાંધીનગર ખાતેથી હોમસેક્રેટરી શ્રી મોઢ જણાવે છે કે ઉનાવા રામનગર સોસાયટી મુકામેથી કનુભાઈ પટેલ ટેલીફોનથી જણાવે છે કે મુસ્લીમ કોમના લોકો રામનગરમાં પટેલોના ઘરોમાં હથીયારો સાથે મારઝૂડ કરી રહેલ છે. અને હાલ પણ મારઝૂડ ચાલુ છે તો તાત્કાલીક પોલીસ મોકલી શું બાબત છે. તેની વળતી જાણ તાત્કાલીક કરવી. આ વર્ધી પણ જયદેવને જ એટેન્ડ કરવાની હતી.
આ છેલ્લા ત્રણ ચાર દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં જે રીતે હિંસકા અને ઘાતકી બનાવો બનેલા અને રાજકારણીઓ તેમજ મીડીઆએ પોત પોતાની રીતે જે રીતનું બનાવોનું વિશ્ર્લેષણ કરી તેનું પ્રસારણ કરેલુ અને એવો માહોલ ખડો કરાયેલો કે વહીવટી તંત્ર, સતાધારી રાજકારણનો હાથો બનીને તે રીતે કાર્યકરી રહેલ ના સાચા ખોટા આક્ષેપો થતા હતા અને તેની પ્રસિધ્ધિ પણ થતી હતી. તેથી કોઈ અધિકારીઓ સહેજે ય જવાબદારી રાખવા માંગતા ન હતા. આથી જ ગૃહસચિવ મોઢે તેમને આવેલ ટેલીફોનની સીધી મહેસાણા કંટ્રોલને જાણકરી કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. જોકે મીડીયાનું જોઈ ને આમ લોકોમાં પણ અનેક અફવા આસ્થાનિક કક્ષાએ પણ ચાલુ થઈ ગઈ હતી કે પોલીસે આમ કરવાનું હતુ અને આ કારણસર આમ કર્યું તેમ કર્યું, ન કર્યુ વિગેરે વિગેરે પરંતુ જયદેવ કોઈ અફવાઓને ધ્યાન આપતો નહતો અને બહુજનહિતાય બહુજન સુખાય પ્રકારની કાર્યવાહી કર્યે જતો હતો.
આ ગાંધીનગરની રામનગર ઉનાવાની વર્ધી મળતા તૂર્ત જ જયદેવ રામનગર સોસાયટીમાં આવ્યો. સોસાયટીમાં શાંતિ જ હતી કનુભાઈની તપાસ કરતા કોઈ કનુભાઈ હતા જ નહિ અને આવેલ વર્ધી મુજબ નો કોઈ બનાવ સોસાયટીમાં બન્યો જ ન હતો. કોઈકે પોલીસને દોડાવવા જ ખોટો ફોન કર્યો હશે તેમ જણાયું જયદેવે આ બાબતની જાણ મહેસાણા કંટ્રોલ રૂમને કરી દીધી.
(ક્રમશ:)