- પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું: વડાપ્રધાને તત્કાલીન સરકાર પર ખોટા કેસોમાં ફસાવવાનો આરોપ લગાવ્યો, ન્યાયતંત્રના વિશ્લેષણ અને આરોપીઓને સજાની વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેની વાતચીતમાં 2002ના ગુજરાત રમખાણો પર વિસ્તૃત ટિપ્પણી કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગોધરા ટ્રેનની ઘટનાને એક અકલ્પનીય અને ભયાનક દુર્ઘટના ગણાવી હતી, જેને તેમણે 2002ના ગુજરાત રમખાણો માટેનું મુખ્ય કારણ જણાવ્યું હતું. પીએમ મોદીએ તે સમયની કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, તે સમયે કેન્દ્રમાં વિપક્ષની સરકાર હતી અને તેમણે ગુજરાત રમખાણો દરમિયાન અમારી સામેના ખોટા કેસોમાં અમને સજા કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.” જો કે, તેમણે ઉમેર્યું કે તેમના તમામ પ્રયત્નો છતાં, ભારતના ન્યાયતંત્રએ સમગ્ર ઘટનાનું ખૂબ જ વિગતવાર વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ આરોપીઓને કાયદેસરની સજા થઈ છે.
2002ના રમખાણો પહેલાની પરિસ્થિતિ વર્ણવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “તમે 2002ના રમખાણો વિશે વાત કરો તે પહેલાં, હું તમને એ સમયની પરિસ્થિતિનો યોગ્ય ખ્યાલ આપવા માટે પાછલા વર્ષોની કેટલીક ઘટનાઓ યાદ કરાવવા માંગુ છું. 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી જતું વિમાન હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો અને ઓક્ટોબર 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકવાદી હુમલો થયો હતો. પીએમ મોદીએ આ ઘટનાઓને વૈશ્વિક સ્તરના આતંકવાદી હુમલા ગણાવ્યા હતા, જેનાથી વૈશ્વિક અસ્થિરતાની શરૂઆત થઈ હતી. તેમણે જણાવ્યું કે આ બધાની વચ્ચે 7 ઓક્ટોબર 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને 24 ફેબ્રુઆરી 2002ના રોજ તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેમની સરકાર 27 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની તૈયારીમાં હતી, ત્યારે જ તેમને ગોધરા ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી હતી. તેમણે આ ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી હતી, જેમાં ઘણા નિર્દોષ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે અગાઉની તમામ ઘટનાઓ પછી રાજ્યની પરિસ્થિતિ કેટલી સંવેદનશીલ હશે તેની કલ્પના કરી શકાય છે. તેમણે માહિતી આપી કે 2002 પહેલા ગુજરાતમાં 250 થી વધુ મોટા રમખાણો થયા હતા, જેમાં 1969ના રમખાણો તો 6 મહિના સુધી ચાલ્યા હતા, ત્યારે પણ વિપક્ષ સત્તામાં હતો અને તેમણે તેમની સામે ખોટા કેસોમાં સજા કરાવવાનો પ્રયાસ કર્યો હતો.અંતમાં પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 2002 પહેલા ગુજરાતમાં સતત રમખાણો થતા હતા, પરંતુ 2002 પછી રાજ્યમાં કોઈ મોટી રમખાણની ઘટના બની નથી.
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રખ્યાત પોડકાસ્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધક લેક્સ ફ્રિડમેનને આપેલા એક વિસ્તૃત ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે ખાસ કરીને પાકિસ્તાન સાથેના ભારત ના સંબંધો, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતા અને ચીન સાથેના વર્તમાન સંબંધો પર ભાર મૂક્યો હતો. ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદની ઘટનાઓ જ્યાં પણ બને છે, તેની કડીઓ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથે જોડાયેલી હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન
આ બાબતને ગંભીરતાથી લેશે અને સુધરશે. વડાપ્રધાને ભારતના શાંતિ પ્રત્યેના સમર્પણને પણ દોહરાવ્યું હતું. તેમણે ભૂતકાળની ઘટનાઓને યાદ કરતાં જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં આશરો લઈને બેઠો હતો, જે દર્શાવે છે કે આતંકવાદ પાકિસ્તાનના મૂળમાં ઘર કરી ગયો છે. તેમણે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાને વારંવાર ભારત સાથે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે.પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની ગાઢ મિત્રતા વિશે પણ વાત કરી હતી. તેમણે વર્ષ 2019 માં પોતાના યુએસ પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો, ખાસ કરીને હ્યુસ્ટનમાં આયોજિત “હાઉડી મોદી” કાર્યક્રમનો. વડાપ્રધાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ધ્યાનથી તેમને સાંભળી રહ્યા હતા. ભાષણ સમાપ્ત થયા પછી, જ્યારે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને સ્ટેડિયમની આસપાસ સાથે ફરવા માટે કહ્યું, તો ટ્રમ્પે તુરંત જ સંમતિ આપી હતી અને તેમની સાથે ચાલ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે આ નિર્ણય લેવો ટ્રમ્પ માટે સરળ નહોતો, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ઘણા પ્રોટોકોલ હોય છે, પરંતુ ટ્રમ્પે પોતાની રીતે નિર્ણય લેવાની ક્ષમતા દર્શાવી હતી.