ગોધરા સમાચાર
ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે ખેતરમાં ઉગાડેલા લીલાં ગાંજાના છોડ સાથે એક ઈસમને પંચમહાલ ગોધરા એસ ઓ જી પોલીસ દ્વારા ઝડપી પડાયો છે . પંચમહાલ જિલ્લામાંથી નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા અને ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા ગોધરા રેન્જ આઇજી દ્વારા અને જિલ્લા એસ.પી.હિમાંશુ સોલંકી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા છે.
જે અનુસંધાને ગોધરા એસ ઓ જી એ કાર્યવાહી હાથ ધરી ખેતરમાં ઉગાડેલા લીલાં ગાંજાના છોડ સાથે એક ઈસમને પકડી પાડયો હતો. ગોધરા એસ ઓ જી ને મળેલ બાતમીના આધારે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે રહેતો ભોદુભાઈ ચંદ્રાભાઈ બારિયાએ પોતાના કબજા ભોગવતા ખેતરમાં લીલાં ગાંજાના છોડની ખેતી કરેલ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ દરમિયાન ખેતરમાંથી ૨ લાખ ૮૯ હજારની કિંમતના ૨૮.૯૦ કિલો ગ્રામ લીલાં ગાંજાના ૪૭ છોડ પોલીસને મળી આવ્યા હતા.
ગોધરા એસ ઓ જી પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે લઇ આરોપી ભોદુભાઈ ચંદ્રાભાઇ બારીયા વિરૂદ્ધ એન ડી પી એસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.