ત્રણ દિવસ દરમિયાન સાંજીના ગીત, સંગીત સંઘ્યા, છપ્પનભોગ, ફુલેકુ, ઘ્વજારોહણ અને ભગવાનનો લગ્નોત્સવ યોજાશે: સર્વેને ભગવાનના મંગલફેરામાં હાજરી આપવા આમંત્રણ
યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી રૂક્ષ્મણીજી સંગ દ્વારકાધીશના લગ્નની ઉજવણી દર વર્ષે પારંપરિક રીતે ધામધુમપૂર્વક થાય છે. પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતા ત્યારથી આ શુભ દિને દ્વારકાના રૂક્ષ્મણીજી મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશ તેમજ માતા રૂક્ષ્મણીના વિવાહ ઉત્સવ ઉજવવામાં આવે છે. ‚ક્ષ્મણી માતાજીના વારાદાર પુજારી અણભાઈ દવેની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.૧૪ થી ૧૬ એપ્રીલ સુધી દ્વારકાના રાજા એવા ભગવાન દ્વારકાધીશનો ભવ્યાતિ ભવ્ય વિવાહ ઉત્સવ ઉજવાશે. ગામ લોકોને ભગવાન-માતાજીના લગ્નોત્સવમાં સમ્મિલીત થવા તથા પ્રભુ પ્રસાદી લેવા અનુરોધ કરાયો છે.તા.૧૪/૪ રવિવારે સાંજે ૬:૩૦ કલાકથી દ્વારકાની બ્રહ્મપુરી ખાતે સાંજીના ગીત, રાત્રે ૧૦:૩૦ કલાકે સંગીત સંઘ્યા લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે યોજાશે. તા.૧૫મીએ સોમવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ સુધી ગ્રહશાંતિ બાદ ૧૨:૩૦ થી ૨ વાગ્યા સુધી માતાજીનો છપ્પનભોગ દર્શન, સાંજે ૭ કલાકે દ્વારકાધીશ મંદિરેથી ભદ્રકાલી ચોક સુધી ભગવાનનો વરઘોડો (ફુલેકું) શહેરના રાજમાર્ગો પર થઈ નીકળશે. તા.૧૬મીએ મંગળવારે સવારે ૯ વાગ્યે જગતમંદિર ઘ્વજાજીનું પૂજન શારદાપીઠ મંદિર ખાતે યોજાયા બાદ જગતમંદિરે નૂતન ઘ્વજારોહણ અને સાંજે ૭:૩૦ કલાકથી રૂક્ષ્મણીમંદિરના પટાંગણમાં ભગવાન દ્વારકાધીશના માતા રૂક્ષ્મણી સાથે લગ્ન થશે. જાનનું જમણ તથા મહાપ્રસાદ તથા બ્રહ્મભોજન રાત્રીના ૯ કલાકથી ગુગ્ગળી બ્રહ્મપુરી નં.૧, દ્વારકા ખાતે યોજાશે.