ગણેશ મહોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી બાદ કરાયું જળ વિસર્જન: ભાવિકોની આંખો છલકાય

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મંગળવારે ભારે ભકિતભાવ સાથે દુંદાળાદેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી બાદ ભાવિકોએ ભારે હૈયે વિસર્જન કર્યું હતું.

ઉના શહેર તથા તાલુકામાં ૧૧ દિવસ પહેલા સમસ્ત ગામમાં પોસ્ટ ઓફિસ ચોકમાં, ગોદરા ચોકમાં, બાંભણીયા પરિવાર, શ્રીજી કોમ્પ્લેક્ષ, ગની માર્કેટ, છત્રપતિ શિવાજી મહાઠા મંડળ, એમ.કે.નગર યુવા ગ્રુપ, મેઈન બજાર, લાઈબ્રેરી ચોક, લુહાર ચોક વિગેરે ૪૯થી વધુ વિવિધ ગ્રુપ, મંડળ દ્વારા ગણપતિજીની પ્રતિમાની ભાવભેર સ્થાપના કરી ૧૧ દિવસ સુધી પુજા-અર્ચના, અન્નકોટ, સત્યનારાયણ દેવની કથા કરી હતી. અનંત ચૌદસના દિવસે સવારે પુજા અર્ચના કરી વાહનોમાં બેસાડી ભવ્ય વિદાય શોભાયાત્રા સવારે ૧૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી ડી.જે.બેન્ડ વાઝાના તાલે રમતા, ધુનભજન અબિલ ગુલાલની છોળો ઉડાડતા નવાબંદર તથા એહમદપુર માંડવી દરીયા કિનારે જઈ દરીયામાં વિસર્જન કરી આવતા વરસે વહેલા આવજોની પ્રાર્થના કરી હતી.

બાલાચંડી દરીયાકાંઠે નજીકના ગામોમાંથી ગણેશજીની પૂજાવિધિ કર્યા બાદ વાજતે-ગાજતે ભકતજનો બાલાચંડી દરિયામાં વિસર્જન કરવા માટે ઉત્સાહપૂવૃક મોટી જનમેદની ઉમટી હતી. ગણેશજીની સ્થાપનાથી વિસર્જનના દસ દિવસ સુધી ગણેશજીના ભકતો રોજ બિરાજતા ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કર્યા બાદ છેલ્લા દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.