હિતેશ રાવલ, સાબરકાંઠા:
કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઠેર ઠેર ઉજવણી કરાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર હિતેષ કોયાએ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરતા જણાવ્યું હતું કે, આપ સૌ અભિનંદનને પાત્ર છો અને પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરતા હુ આનંદ અને ગૌરવ અનુભવું છું આ કોરોના મહામારી સહિયારી કુચ અને આજે સો કરોડનો વેક્સિનેશનનો આંકડો પાર કર્યો છે તે અભિનંદનને પાત્ર છે પણ આપણે હજી અટકવાનું નથી.
કાર્યક્રમને સંબોધતા કલેકટરે કહ્યું કે સો ટકા રસીકરણ કરીને જંપીશું તેવો સંકલ્પ કરી પ્રયત્નો સતત ચાલુ રાખી સંપુર્ણ રસીકરણ કરવાનું ધ્યેય સાથે આગળ વધીએ. આજે મારા હસ્તે સન્માન તથા કોરોના વોરિયર્સ બિરદાવવાની તકને અહોભાગ્ય ગણું છું. હિંમતનગર ખાતે મુખ્યમંત્રી દ્વારા કોરોના વોરિયર્સ તેમજ સમગ્ર રાજ્યના લોકોનું સન્માન અને સો ટકા રસીકરણના સરપંચોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ભગવાન કરે અને ત્રીજી લઝર હવે ન આવે, અને આવે તો પણ આપણે પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ આત્મનિર્ભર બન્યા છીએ અને ઠેર-ઠેર પી. એસ. એ. પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિલ્લા કલેકટરે વેક્સિનેશન સેન્ટર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી બનાવી કોરોના વેક્સિંનની થીમ રજૂ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મીઓ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીમાં સુંદર અને સરાહનીય કામગીરી કરી છે. તેમને બિરદાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ આજે આપણે દેશમાં સો કરોડ વેક્સિન સુધી પહોંચી શક્યા છીએ અને દેશમાં ઉત્પાદિત વેક્સિન ઉપલબ્ધ કરીને આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે કહ્યું કે પહેલા રસી શોધવામાં વર્ષો લાગી જતા હતા પણ નરેન્દ્રભાઇ મોદીએ પૂણે, હૈદરાબાદ, અમદાવાદ જેવા સ્થળોએ જાતે દવાનું ઉત્પાદન કરતી કંપની અને વૈજ્ઞાનિકોની મુલાકાત લઈને ઓછા સમયમાં ઝડપી પરિણામ મેળવીને રસીના ડોઝ દેશમાં ઉપલબ્ધ કરાવ્યા છે એટલું જ નહીં બીજા દેશોને પણ આપણી વેક્સિંગ પહોંચાડીને મદદ કરી છે. પી.પી.કિટ, વેન્ટિલેટર અને બીજા આરોગ્ય જરૂરિયાત ઉત્પાદિત કરીને લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં સહાયરૂપ બન્યા છીએ અને આપણા ગુજરાતને અડીખમ રાખ્યું છે પુન: ધબકતું કર્યું છે. લોકડાઉન અને ઓક્સિજન પ્લાન્ટ દવા ઉપલબ્ધ કરીને માનવતા મહેકાવી છે છતાં લોકો ભ્રમ ફેલાવીને લોકોને રસી ન લેવા ગેરમાર્ગે દોરતા પરંતુ લોકોએ તેને ધ્યાન પર નહીં લેતાં હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો રસી લેતા થયા છે આમ આજનો આ કાર્યક્રમ ગૌરવ અને અભિનંદનનો કાર્યક્રમ છે. સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું.