પર્વાધિરાજ પર્વના અંતિમ ક્ષમાપના દિવસે
550 તપસ્વીના કાલે કરશે પારણા
અન્યની ભૂલોના સ્ટોકને સંઘરી-સંઘરીને અંતરને કોલસાઘર જેવું બનાવનારા જીવોને ભૂલોને ભૂલી સ્વયંને શુદ્ધ-વિશુદ્ધ બનાવી દેવાનો પરમ હિતકારી સંદેશ પ્રસરાવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાયેલો પર્વાધિરાજ પર્વનો અંતિમ દિવસ હજારો નયનમાં ક્ષમાના પાવન-પવિત્ર આંસુ વહાવી ગયો હતો.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 42 સંત-સતીજીઓના દેશ-વિદેશમાં ગાજી રહેલાં કચ્છ કલ્યાણકારી ચાતુર્માસનો સમગ્ર લાભ જ્યારે પુનડીના વતની એસપીએમ પરિવારની ભાવભીની ભક્તિના સહયોગે લેવામાં આવી રહ્યો છે, ત્યારે આઠ-આઠ દિવસથી તપ-ત્યાગ, સાધના-આરાધના, જ્ઞાન, ધ્યાન અને સેંકડો ભાવિકોની ઉગ્રતાતિઉગ્ર તપ સાધના સાથે ઉજવાઈ રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ક્ષમાપના ઉત્સવના આજના અંતિમ દિવસે સમગ્ર ભારતના ખૂણે-ખૂણેથી તેમજ વિદેશના 156થી વધુ દેશના મળીને લાખો ભાવિકો પરમ ગુરુદેવના શ્રીમુખેથી જૈન દર્શનના સારભૂત તત્ત્વ સ્વરૂપ ક્ષમધર્મનો પાવન બોધ પામી ધન્ય-ધન્ય બન્યાં હતાં.
આ અવસરે હજારો ભાવિકોએ લાખો કબૂતરોના ચણા માટે બહોળું અનુદાન અર્પણ કરતા સર્વત્ર હર્ષ-હર્ષ છવાયો હતો. નાની જગ્યામાં આવડતભર્યુ જીવન જીવી રહેલા ગરીબ પરિવારો માટે કબાટ વિતરણ યોજનામાં ઉદારહૃદયા ભાવિકોએ બહોળો પ્રતિસાદ આપ્યો હતો.
આત્માનું અનંત હિત સર્જી દેનારા આઠ-આઠ દિવસના આવા તો અનેક પ્રકારના કાર્યક્રમોની સાથે સમગ્ર વિશ્ર્વને પ્રભુના ક્ષમા,નમ્રતા અને ત્યાગના સંદેશને પ્રસરાવી વિરામ પામેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ક્ષમાપના ઉત્સવમાં વિશેષરૂપે પુનડી ગામના ક્ષત્રિય, પટેલ, ગોસ્વામી આદિ જૈનેત્તર જ્ઞાતિના સેંકડો ભાવિકોએ કરેલી માસક્ષમણ તપ, 25 ઉપવાસ, 21 ઉપવાસ, 16, 11, 9 ઉપવાસ અને અઠ્ઠાઈ તપની ઉગ્ર આરાધના સાથે દેશ-વિદેશના 5 વર્ષના બાળકથી 80 વર્ષના વયોવૃદ્ધ સુધીના 550 ભાવિકોએ કરેલી ઉગ્રાતિઉગ્ર તપશ્ચર્યા પ્રભુના ત્યાગ ધર્મને અનેરૂં ગૌરવ બક્ષી ગઈ હતી.
ખમાવું છું આય એમ સોરીના એક શબ્દ સાથે ભીંજાયેલા હૃદય અને આંખો ક્ષમાપન કરી દે: નમ્રમુનિ મહારાજ
વર્ષો વર્ષના વેરભાવને વિસારી દેનારી અમૃત વાણી વહાવતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, પ્રભુને પ્રિય એવી ક્ષમા જેને પ્રિય છે તે સ્વયં દેવોના પ્રિય અને પ્રભુના પ્રિય બની જતાં હોય છે. આજના દિવસે મોટા હોવા છતાં, નાનાની સામે ઝૂકી જઈએ, અણગમતાંને પણ ગમતાં કરીને ક્ષમાપના કરી લઈએ અને અન્યની ભૂલને ભૂલી પોતાની ભૂલ ન હોવા છતાં પણ ક્ષમાપના કરીને હૈયાને હળવું બનાવી લઈએ. કેમ કે પોતાની ભૂલ હોય તો સહજતાથી ઝૂકતાં આવડી જાય પરંતુ સામેવાળાની ભૂલ હોવા છતાં જે સ્વયં ઝૂકી જાય છે એના પર્યુષણ સાર્થક બની જતાં હોય છે.
બીજાની ભૂલને જે ભૂલતા નથી તેનું સ્વયંનું અંતર કોલસાઘર જેવું કાળું બની જતું હોય છે. જે બીજાની ભૂલને ભૂલતા નથી એને જગત ભુલાવી દે છે પરંતુ ચંડકૌશિકના ઝેરીલા ડંખની ભૂલને પણ ભૂલી જનારા ભગવાન મહાવીરને અઢી હજાર વર્ષ પછી પણ આ જગત યાદ કરી રહ્યું છે. આ ભવમાં વિરોધીઓ સાથે ચાલી રહેલા કોર્ટ કેસ આવતા ભવમાં પણ હાર્ટની કોર્ટમાં પહોંચે એની પહેલા દરેક કેસને ભહજ્ઞતય કરી દઈએ. “ખમાવું છું, આય એમ સોરી “ના એક શબ્દ સાથે ભીંજાયેલા હૃદય અને ભીંજાયેલી આંખે ક્ષમાપના કરી લઈએ. કેમ કે, ક્ષમા કરે તે અરિહંત બની શકે, અક્કડ રહે તે કદી અરિહંત ન બની શકે.