એક મહાત્મા પ્રાર્થના કરવા જતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે આજે હું પ્રાર્થનામાં શી વાત લઈશ, શાનો વિચાર કરીશ, કર્યં ભજન ગાઈશ ? આમ પ્રાર્થનાની તૈયારી કરતા કરતા એકદમ ખ્યાલ આવ્યો કે પ્રાર્થના એ કરવાની વાત નથી, બીજાને કરવા દેવાની છે. બુધ્ધિ ચલાવવાની નહિ, પણ બુધ્ધિને શાંત પાડવાની વાત છે, બોલવાની નહિ, પણ સાંભળવાની વાત છે.
હું પ્રાર્થનામાં આવ્યો તે મારે પગલે તો નથી આવ્યો, બોલાવ્યો જ આવ્યો છું, ભગવાનનો બોલાવ્યો આવ્યો છું, રાજાની આજ્ઞા વિના રાજાની સમક્ષ કોઈ આવી શકે ખરૂ ? હું તો એ રાજા ધિરાજની આજ્ઞા માથે ચઢાવીને એમનું આમંત્રણ વધાવીનેજ એમની સમક્ષ આવ્યો છું. પહેલું પગલુ એમનું હતુ મારૂ નહિ, હા, એ આમંત્રણ કાયમનું છે. એટલે હું ભૂલી જાઉ છું, અને જાણે મારી મેળે જ આવતો હોઉ એમ માનીને પ્રાર્થનામાં આવી ચડું છું આજે ખરી વાતનું ભાન થઈ આવ્યું કે હું ભગવાનની આજ્ઞાને આમંત્રણને વશ થઈને જ આવું છું. અને જયારે રાજા બોલાવે, ભગવાન બોલાવે ત્યારે કોઈ વાત કરવા માટે જ બોલાવે ને ! આમ, પ્રાર્થનામાં મારૂ કામ સાંભળવાનું છે કાન માંડવાનું છે, ધ્યાન આપવાનું છે-એક ધ્યાન.