પરમેશ્વર ફુંકવાલે રાજકોટ ડિવિઝનના નવા ડિવિઝનલ રેલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ભારતીય રેલવે એન્જિનિયરિંગ સેવાનાં ૧૯૮૮ બેચના વરિષ્ઠ અધિકારી તરીકે ફુંકવાલે ઈન્દોરથી સિવિલ એન્જિનિયરીંગ (ગોલ્ડ મેડલ) તથા આઈઆઈટી કાનપુરથી માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે પશ્ચિમ રેલવેમાં વિભિન્ન મહત્વપૂર્ણ પદો પર કાર્ય કરેલ છે. જેમાં કાર્યપાલક એન્જિનિયર, વરિષ્ઠ મંડલ એન્જિનિયર, ઉપપ્રમુખ એન્જિનિયર તથા અપર મંડલ રેલ પ્રબંધક અમદાવાદ સામેલ છે. આરડીએસઓ લખનૌમાં નિર્દેશક અને કાર્યકારી નિર્દેશકના પદ પર કાર્ય સંભાળતા તેમણે રેલ પથ અને પુલો પર સંશોધનમાં વિશેષ યોગદાન આપ્યું. ડિવિઝનલ રેલ મેનેજર રાજકોટમાં પદભાર ગ્રહણ કરતા પહેલા તેઓ અગાઉ રેલ ભરતી બોર્ડે અમદાવાદના અધ્યક્ષ હતા.
રેલ વેલ્ડીંગ તથા રેલોના અલ્ટ્રાસોનિક પરિક્ષણની ટેકનિકમાં મહત્વપૂર્ણ સુધારાઓમાં તેમનો ફાળો રહ્યો છે. ભારતીય રેલમાં ઉચ્ચ એકસેલ લોડનો આરંભ કરવામાં તેમજ રેલ પથ તથા પુલો પર તેની અસર પર અભ્યાસ કરવામાં પણ તેમણે વિશેષ ફાળો આપેલ છે. તેમને રેલવેમાં માનવશકિત નિયોજનનો મહત્વપૂર્ણ અનુભવ છે અને ભરતી માટે ઓનલાઈન પરીક્ષાઓના આયોજનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમના દ્વારા સુચિત કરેલ પ્રક્રિયા ફેરફારોથી રેલવે ભરતી બોર્ડમાં સો કરોડથી વધુ રાજસ્વની બચત થઈ છે.
તેમને પર્યાવરણ, રેલ પથ અને પુલ પર તેમના ઘણા ટેકનિકલ રિસર્ચ પેપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત છે. તેઓ તેમના રિસર્ચ પેપર ચીન, કેનેડા તથા દિલ્હીની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રસ્તુત કરી ચુકયા છે. ઈન્ટરનેશનલ હેવી હોલ એસોસીએશન, અમેરિકા દ્વારા તેમને ટેકનિકલી પેપર્સ મૂલ્યાંકનની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નામિત કરવામાં આવેલ છે. તેમને મહાપ્રબંધક પુરસ્કાર, સર્વશ્રેષ્ઠ પેપર માટે કે સીસૂદ સ્મૃતિ સ્વર્ણ પદક તથા ઈન્ટરનેશનલ હેવી હોલ એસોસીએશન, અમેરિકાના સર્વશ્રેષ્ઠ પેપર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.
તેઓ વિવિધ અધ્યયનો તથા પ્રશિક્ષણ હેતુથી સ્વીડન, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ચીન, કેનેડા, મલેશિયા તથા સિંગાપુરનો પ્રવાસ કરી ચુકયા છે. ફુંકવાલ સાહિત્યમાં ઉંડી રૂચિ ધરાવે છે અને તેમની કવિતાઓ હિંદીની પ્રતિષ્ઠિત સાહિત્યિક પત્રિકાઓમાં નિયમિત રીતે પ્રકાશિત થતી રહે છે.