પુરાતત્વ ખાતાને શિવલિંગની ઉંમર નક્કી કરવા અલ્હાબાદ હાઇકોર્ટની લીલીઝંડી
હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે. જલ્દી જ સર્વેનું કામ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપતા એએસઆઈ સર્વે પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વે પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતા કોર્ટે કહ્યું છે કે ન્યાય માટે આ સર્વે જરૂરી છે.
ભારતીય હિન્દૂ સંસ્કૃતિ 15000 વર્ષ જૂની અને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. છેલ્લા 1 હજાર વર્ષથી હિન્દૂ સંસ્કૃતિ પર અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે. હિન્દૂ સંસ્કૃતિને નષ્ટ કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે જેનો પુરાવો ઇતિહાસ અને ગ્રંથોમાં હાજર છે. હિન્દૂ સંસ્કૃતિ પર હુમલાના અને અતિક્રમણની અનેક ઘટનાઓ જેમકે, અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ, મથુરા જમીન વિવાદ, સોમનાથ મંદિરને મોહમ્મદ ઘોરી દ્વારા 12 વાર લૂંટવા જેવી અનેક ઘટનાઓ ગ્રંથોમાં લખાયેલી છે. હિન્દૂ સા સંસ્કૃતિ પર થયેલા અતિક્રમણો અંગે હવે એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
અયોધ્યા રામ મંદિર મામલે જે રીતે નિર્ણય લેવાયો તેમાં ઇતિહાસની બાબતને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. તેવી જ રીતે હવે જ્ઞાનવાપીમાં પણ ઇતિહાસને કેન્દ્રમાં રાખવામાં આવશે અને જયારે ઇતિહાસ જાણવો હોય ત્યારે તેના મૂળ સુધી પહોંચવું અતિ જરૂરી છે. તેના માટે જ એએસઆઈને સર્વે કરવા દેવા લીલીઝંડી આપવામાં આવી છે. સર્વે પરથી શિવલિંગ સહીતની સામગ્રીઓની ઉંમર નક્કી થઇ જતાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ફગાવીને કેમ્પસના એએસઆઈ સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે એએસઆઈ સર્વે તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ચુકાદો આપતાં કોર્ટના ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની સિંગલ બેન્ચે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે સર્વેક્ષણથી માળખાને નુકસાન થશે, ત્યારબાદ એએસઆઈ દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે સર્વેથી કોઈ નુકસાન થશે નહીં, ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ જ્ઞાનવાપી કેમ્પસનો એએસઆઈ સર્વે ગમે ત્યારે શરૂ કરી શકાશે. હિંદુ પક્ષના વકીલ અનુસાર, કોર્ટે સ્વીકાર્યું છે કે સર્વે કોઈપણ તબક્કે શરૂ કરી શકાય છે.
કોર્ટમાં આવેલા એએસઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ સ્પષ્ટ કર્યું હતું કે સર્વે કરવાથી બાંધકામને કોઈ નુકસાન નહીં થાય. વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એડિશનલ સોલિસિટર જનરલ શશિ પ્રકાશ સિંહે ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટને ટાંકી હતી. અરજીના વરિષ્ઠ વકીલો, એસએફએ નકવી અને પુનીત ગુપ્તાએ, એએસઆઈ અધિકારીઓના ફોટાને કોદાળી અને પાવડો સાથે બતાવીને, સર્વેક્ષણને કારણે બિલ્ડિંગ તોડી પડવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સર્વેનો આદેશ સમય પહેલા આપવામાં આવ્યો છે. પુરાવા પૂરા થયા બાદ સર્વે કરાવવો જોઈતો હતો. હવે સિવિલ સુટની સ્વીકાર્યતા અંગેના વાંધાઓનો પણ નિર્ણય લેવાનો છે.
જેના જવાબમાં, એડિશનલ ડાયરેક્ટર જનરલે કહ્યું હતું કે તેઓ ભોંયરામાં ઘણી જગ્યાએ એકઠા થયેલા કાટમાળને સાફ કરવા માટે કોદાળીના પાવડા લાવ્યા હતા. પરિસરમાં ખોદકામ કરવામાં આવશે નહીં. જ્યારે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે એડવોકેટ જનરલ અજય કુમાર મિશ્રાએ કહ્યું હતું કે રાજ્ય સરકારને આ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. સરકારે જરૂર પડે ત્યારે જ કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોય છે. જેના માટે પોલીસ પીએસી, સીઆઈએસએફ તૈનાત છે.
આ કેસમાં હિન્દુ પક્ષના એડવોકેટ શંકર જૈને કહ્યું હતું કે ન્યાયના હિતમાં ગમે ત્યારે સ્થળ પર તપાસ કરવા કમિશનરને મોકલવાની અદાલત પાસે કાયદાકીય સત્તા છે. એડવોકેટ કમિશ્નરના રિપોર્ટ બાદ અરજદારોએ સાયન્ટિફિક સર્વે માટે અરજી કરી હતી. કારણ કે કમિશનરના રિપોર્ટમાં ત્રણેય ગુંબજની નીચે હિન્દુ મંદિરનું શિખર જોવા મળ્યું હતું. દિવાલ પર સંસ્કૃત શ્લોકો મળી આવ્યા છે, સ્વસ્તિક સહિત હિન્દુ ધર્મના તમામ પ્રતીકો મળી આવ્યા છે. સિવિલ વિવાદનો નિર્ણય લેવા માટે ન્યાયના હિતમાં સાયન્ટિફિક સર્વે કરાવવો જરૂરી છે, જેને સ્વીકારીને કોર્ટે એએસઆઈ પાસેથી શિવલિંગ વિસ્તાર સિવાયની બાકીની બિલ્ડિંગનો સર્વે રિપોર્ટ માંગ્યો છે. અરજીમાં માત્ર આશંકાના આધારે આને પડકારવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો’તો
નોંધનીય છે કે 21 જુલાઈના રોજ વારાણસીના જિલ્લા ન્યાયાધીશની કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર જ્ઞાનવાપીના એએસઆઈ સર્વેને નિર્દેશ આપ્યો હતો. જેની સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 24 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે સર્વેક્ષણ પર 26 જુલાઈ સુધી રોક લગાવતા મુસ્લિમ પક્ષને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.ત્યારબાદ બુધવારે સવારે સાડા નવ વાગ્યાથી સાડા ચાર કલાક સુધી સુનાવણી બાદ ગુરુવારની તારીખ નક્કી કરવામાં આવી હતી. ગુરૂવારે બપોરે લગભગ 3.15 વાગ્યે કેસની સુનાવણી ફરી શરૂ થઈ. સૌ પ્રથમ, મુસ્લિમ પક્ષે એએસઆઈની એફિડેવિટ પર પોતાનું કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું. આ પછી હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કોર્ટને કહ્યું કે જો પરવાનગી આપવામાં આવે તો તેઓ કેટલાક ફોટોગ્રાફ્સ રજૂ કરવા માંગે છે.
એએસઆઈએ પરિસરમાં ખોદકામ ન કરવાનું કહ્યું હતું
કોર્ટે પૂછ્યું કે એએસઆઈની કાનૂની ઓળખ શું છે? એએસઆઈ અધિકારી આલોક ત્રિપાઠીએ એએસઆઈની રચના અને કાર્ય વિશે માહિતી આપી હતી. એએસઆઈની રચના 1871માં પુરાતત્વીય ઈમારતો અથવા અવશેષોની સુરક્ષા માટે કરવામાં આવી હતી. 1951 માં, એએસઆઈને પુરાતત્વીય અવશેષોના જૈવિક સંરક્ષણ માટે યુનેસ્કોની ભલામણ મળી. આ સાથે, તે પુરાતત્વીય ઇમારતો અને અવશેષો પર પણ નજર રાખે છે. કોર્ટે પૂછ્યું હતું કે શું તેઓ પણ ખોદશે? તેના પર ત્રિપાઠીએ કહ્યું હતું કે અમે ખોદવાના નથી.
મુસ્લિમ પક્ષની દલીલ શું હતી?
મુસ્લિમ પક્ષના વકીલ નકવીએ તેમની દલીલમાં કહ્યું હતું કે આ ફોટો એફિડેવિટમાં મૂકવામાં આવ્યો છે. અધિકારીઓ ઓજારો સાથે પરિસરમાં યુનિફોર્મમાં હાજર છે. પાંચ ટકા કામ થઈ ગયું હોવાનું એએસઆઈ અધિકારીઓ જણાવી રહ્યા છે. એવી સંભાવના છે કે કંઈક એવું થઈ શકે છે, જેનાથી ઈમારતને નુકસાન થઈ શકે છે. નકવીએ એમ પણ કહ્યું હતું કે, પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, 1991 હેઠળ સિવિલ લિટીગેશન જાળવવા યોગ્ય નથી. 15 ઓગસ્ટ 1947ના રોજ ધાર્મિક સ્થળોની સ્થિતિ બદલવા પર પ્રતિબંધ છે. 1947થી બિલ્ડીંગની આ હાલત હતી. અમે કહીએ છીએ કે તે 600 વર્ષ જૂનું છે અને તેઓ કહે છે કે તે હજાર વર્ષ જૂનું છે. એટલે કે આ બિલ્ડીંગ બદલી શકાશે નહી. એએસઆઈ તપાસ એ પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ છે.
હિન્દુ પક્ષે કોર્ટમાં શું કહ્યું?
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે મુહમ્મદ ગઝનવીના ઘણા આક્રમણકારોએ ઘણી વખત મંદિરો તોડ્યા હતા. આઝાદી પછી દરેકને પૂજા કરવાનો અધિકાર મળ્યો. આ ઇમારત એક જૂનું હિન્દુ મંદિર છે. સર્વે માટેના આદેશમાં કોર્ટે કહ્યું છે કે ASI પાસે સાધન છે, તપાસ કરી શકે છે. તેમની પાસે નિષ્ણાત એન્જિનિયરો છે. રામ મંદિર કેસમાં આવું કરવામાં આવ્યું છે. જ્ઞાનવાપી સંકુલની અંદર સંસ્કૃત શ્લોકો લખેલા છે, જૂના શિવલિંગ છે. આ સંદર્ભમાં, અમારી અરજી સાથે, તે કેમ્પસની પશ્ચિમી દિવાલનો ફોટો પણ જોડવામાં આવ્યો છે. અમે બેરિકેડિંગ વિસ્તારનો સર્વે ઈચ્છીએ છીએ.