આવતીકાલે વસંત પંચમી છે. વસંત પંચમી હિંદુ ધર્મમાં ખૂબ મહિમા ધરાવતો દિવસ છે. વસંત પંચમીને જ્ઞાનપંચમી પણ કહેવામાં આવે છે.આ દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે.મા સરસ્વતીને પીળા વસ્ત્રો,પીળા ફૂલ અને પીળી વસ્તુઓ ધરવામાં આવે છે.આ જગત ત્રણ વસ્તુથી ચાલે છે.બળ,બુદ્ધિ અને પૈસાથી.અર્થાત મસલ્સ પાવર,માઈન્ડ પાવર અને મની પાવર.આ ત્રણે વસ્તુના અધિષ્ઠાત્રી દેવી અનુક્રમે મા જગદંબા, મા સરસ્વતી અને મહાલક્ષ્મી છે.નવરાત્રી(આસો સુદ એકથી નોમ)દરમિયાન નવ દિવસ આપણે સૌ મા જગદંબાનું અનુષ્ઠાન અને વ્રત કરીને પૂજા અર્ચના કરીએ છીએ.તેવી જ ધનતેરસ (આસો વદ તેરસ)ના દિવસે અને દિવાળી(આસો વદ અમાસ)ના દિવસે આપણે મા લક્ષ્મીની પૂજા કરીએ છીએ.એ જ રીતે આવતીકાલે વસંત પંચમી(મહા સુદ પાંચમ)ના દિવસે આપણે એ મા શારદાની પૂજા કરીને જ્ઞાનની પૂજા કરીશું.મા શારદા જ્ઞાન પ્રદાન કરનારા દેવી છે.વસંત પંચમીના દિવસે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી.આથી શિક્ષાપત્રી જયંતી પણ કહેવામાં આવે છે.આ શિક્ષાપત્રી હિંદુ ધર્મના સર્વે ગ્રંથોના સારભૂત તત્વ (કોર એલિમેન્ટ)સમાન છે. કોડ ઑફ કંડકટ (આચાર સંહિતા) સમાન છે.212 શ્લોકમાં રચાયેલી આ શિક્ષાપત્રીમાં ગૃહસ્થએ પાળવાના નિયમો,ત્યાગીએ પાળવાના નિયમો,મહિલાએ પાળવાના નિયમો,વિધવા સ્ત્રીએ પાળવાના નિયમો,આહાર-વિહારના સિદ્ધાંતો જેવા વિવિધ વિભાગોમાં આ લોક સમાજને બોધ આપવામાં આવ્યો છે.લોકો જો આ માત્ર 212 શ્લોકમાં આપવામાં આવેલ બોધ મુજબ જીવન જીવે તો જિંદગી જીવવામાં કોઈ સમસ્યા કે મુશ્કેલી જ ન રહે,એવી અદભુત શિક્ષાપત્રીની રચના ભગવાન સ્વામિનારાયણે કરી છે.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર – નિબંધ લેખક મણિલાલ દ્વિવેદી સન 1898 માં સ્વધામ સિધાવ્યા એ પહેલા તેઓએ લખેલા એક નિબંધ ‘વાચન’ માં આવી કંઇક મનોવ્યથા ઠાલવી છે : ‘આજકાલ સમાજમાં લોકો વાંચતા નથી. વાંચે છે તો ઉપર છલ્લું, બસમાં, રેલવેમાં સમય પસાર કરવાના હેતુથી છાપા કે ચોપાનિયા જેવું સાહિત્ય વાંચે છે. કયારેક સંક્ષિપ્ત પ્રકારનું સાહિત્ય વાંચી સંતોષ માને છે. ગ્રંથો – મહાગ્રંથો તો વાંચવાની વાત જ દૂર રહી. આમ, આજનો સમાજ પલ્લવગ્રાહી પાંડિત્યથી વિશેષ કશું મેળવતો નથી.’
સવા શતાબ્દી પૂર્વે કહેલી આ વાતના સર્જક આજે હયાત હોત અને આજની વાચન દારિદ્રયતા જોઇને કેવા દુ:ખી થાત !
ભાઇ, ગ્રંથનો પંથ તો ખૂબ ગૌરવવંતો છે. તક્ષશિલા અને નાલંદાના વિશ્વ વિખ્યાત વિદ્યાલયોમાં એવાં વિશાળ અને સમૃધ્ધ ગ્રંથાલયો હતાં કે એમાંના મૂલ્યવાન ગ્રંથોની ખ્યાતિ સમગ્ર એશિયામાં ફેલાઇ હતી. દૂર-દૂરના દેશોમાંથી વિદ્યાર્થીઓ અને જ્ઞાન પિપાસુઓ ત્યાં અભ્યાસ માટે જતાં.
મુદ્રણ યુગની શરૂઆત પહેલાં પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાંથી અમૂલ્ય પુસ્તકોની નકલ ઉતારવા માટે કેટલાક ચીની વિદ્વાનો ભારતમાં આવેલા. આ બૌધ્ધ સાધુઓએ વર્ષો સુધી મહેનત કરીને કેટલાંક ઉતમ ગ્રંથોની નકલ કરી હતી. તેઓ જયારે પાછા ફરતા હતા ત્યારે દરિયો પાર કરતી વખતે તોફાન ઉપડે છે. ગ્રંથ ભંડારના ભારને લીધે વહાણ ડૂબી જવાનો ભય ઉભો થાય છે. બે જ વિકલ્પો બચે છે : ગ્રંથોનો ભંડાર ફેંકવો કે પ્રવાસીઓનો બોજ ઓછો કરવો ? કહેવાય છે કે જ્ઞાનનાં ભંડાર સમા ગ્રંથો ફેંકવાના બદલે પ્રવાસીઓએ જળ સમાધિ લેવાનું પસંદ કર્યુ હતું. આવા અદભૂત પુસ્તક પ્રેમની ઇતિહાસે સુવર્ણ અક્ષરે નોંધ લીધી.
સદ્દગ્રંથ વાચન એ જીવન ઘડતરની પારાશીશી છે. સાચન માણસને શિક્ષિત અને દીક્ષિત બનાવે છે. ગાંધીજી આફ્રિકામાં હતા ત્યારે તેમણે રસ્કીનનું પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ વાંચીને તેમાંથી સર્વોદયની પ્રેરણા મેળવેલી. તો વળી ગાંધીજીનો આધ્યાત્મિક અભિગમ ટોલ્સટોય રચિત ‘કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન ઘાય સેલ્ફ’ અર્થાત ‘વૈકુંઠ તારા હ્રદયમાં છે’ વાંચીને કેળવાયો હતો. ભગવદ્ ગીતા વાંચીને ગાંધીજીએ કહેલું કે, ‘આ અમૂલ્ય ગ્રંથ છે, મારા નિરાશાના સમયે આ તત્વજ્ઞાનના ગ્રંથે ખૂબ મદદ કરી છે.’
કહેવાય છે કે નેપોલિયનનો પુસ્તક પ્રેમ અદ્ભૂત હતો. તે જયારે યુધ્ધમાં જતો ત્યારે પુસ્તકોને પણ સાથે રાખતો. યુધ્ધ વિરામ વખતે પુસ્તકો વાંચીને વિરામ મેળવતો. નેપોલિયન કહેતો, ‘યુધ્ધની વચ્ચે અડગ રહેવાનું મનોબળ અને અશકય શબ્દ જ ન હોવાની સમઝણ પુસ્તકોમાંથી મળી છે.’
એસિગિલિયોને જયારે મુસોલીની દ્વારા જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે એસિગિલિયોએ કેદમાં પણ થોડાં પુસ્તકો વાંચવા મળે તેવી વિનંતી કરેલી. તેમણે પાતંજલ યોગ સૂત્રોનું પુસ્તક વાંચી હર્ષ પામી નોંધ લખેલી કે, ‘આ અતિ ઉમદા ગ્રંથ છે. જેનું નામ લેતાં મરણ સુધરે એવા મહર્ષિ પતંજલિ છે, જીવનને પ્રતિપળ જીવંત બનાવે તેવું આ પુસ્તક છે.’
ભારતીય જીવન પ્રણાલિમાં ગ્રંથોનો મહિમા અનેરો છે. હેમચંદ્રાચાર્યએ સિધ્ધહૈમ વ્યાકરણ તૈયાર કરી, તેની પોથીને હાથી ઉપર સોનાની અંબાડીમાં મૂકીને પાટણમાં ફેરવી. જ્ઞાનપંચમીના દિવસે પોથીનું પૂજન કરેલું માનવ સમાજ પર પ્રભાવ પાડવાની પુસ્તકોની શકિત પ્રબળ છે. કાર્લ માર્કસના પુસ્તક ‘દાસ કેપીટલ’ ને કારણે જગતભરમાં સામ્યવાદની વિચારણા ફેલાઇ સરસ્વતીચંદ્રમાં પંડિત યુગના ગુજરાત – ભારતનું જીવન ચરિત્ર છે. તેના દ્વારા લેખકનો આશય ભારતની પ્રજાને ઉત્થાન માર્ગે લઇ જવાનો છે.
પુસ્તક દ્વારા રજૂ થતા વિચારોને પગ આવી જાય છે. ગમે ત્યાં ગતિ કરતા હોય છે ગ્રંથો દ્વારા માહિતી, ઉપદેશ, રસ, મનોરંજન, જ્ઞાન અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
સરદાર વલ્લભભાઇ પટેલ બેરિસ્ટર થવા માટે સન 1910 માં વિલાયત ગયેલા. ત્યાં તેઓ પોતાના રહેણાંકથી 1ર માઇલ દૂર ચાલીને પુસ્તકાલય જતા. પુસ્તકાલયમાં તેઓ 8 થી 10 કલાક સુધી વાંચતા, પુસ્તકાલય બંધ થવાના સમયની જાણ ત્યાંનો પટાવાળો કરતો ત્યારે ઘેર જતા.
અરબસ્તાનનો લોરેન્સ નામનો માણસ ઓકસફર્ડ વિશ્વ વિદ્યાલયના પુસ્તકાલયના 50 હજાર પુસ્તકો છ વર્ષમાં વાંચી ગયેલો !
પ્રા. ઓર્નોલ્ડ બેનોટ (ઓર્ટોલેન્ડ) દર 24 મિનિટે એક નવલકથા વાંચી શકતા. રજાના દિવસે છ નવલકથા વાંચી જતા.
મેકોલે જમવાના સમય સિવાય ભાગ્યે જ કોઇ સાથે વાત કરતા. 1836માં ભારત આવ્યા એ પહેલાં તેઓએ ગ્રીક, ઇટાલીયન, સ્પેનીશ, લેટીન, ફ્રેંચ, અંગ્રેજી જેવી ભાષાના તમામ પુસ્તકો વાંચી લીધા હતા.
ડો. બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય ખુલે એ પહેલાં ત્યાં પહોંચી જતા.
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જે પુસ્તકાલયમાં વાંચવા જતા, ત્યાંના ગ્રંથપાલને કોઇ પુસ્તક ન મળે, ત્યારે પાંડુરંગની મદદ લેતા.
ઇલેકટ્રીક મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર જેવા ઉપકરણોનો શોધક વૈજ્ઞાનિક માઇકલ ફેરેડ એક ગરીબ કુટુંબમાં જન્મેલો, તેમ છતાં બાઇન્ડરને ત્યાં પૂંઠા ચડાવવાની કામગીરી કરતાં-કરતાં વાંચન પ્રેમે તેમનો મહાન વૈજ્ઞાનિક સર હમ્ફી ડેવીડનો ભેટો કરાવ્યો. તેમના માર્ગદર્શન વડે જ જબરો વૈજ્ઞાનિક બન્યો.
સર થોમસ ફિલિપના એક લાખ પુસ્તક સંગ્રહને ખસેડવા 1863 માં 103 વેગનની જરૂર પડેલી.
આમ, વાચન સંસ્કારનું સિંચન કરે છે. આત્માને અજવાળે છે. ચિંતનની ક્ષિતિજો અસીમ બનાવે છે. નરને નારાયણ બનાવી શકે છે. જ્ઞાનના દ્વાર ખોલી આપવાની ગુરૂ ચાવી વાચન છે. સદ્ગ્રંથ વાચન એ જ્ઞાન પ્રાપ્તિ અને સમસ્યા ઉકેલ માટેનું ઉતમ સાધન છે. શબ્દોનો મહાસાગર છે. વાચનથી દ્રષ્ટિકોણ વિશાળ બને છે. તર્ક સતેજ બને છે. પુસ્તક વાંચતા જ બીજી દુનિયામાં પ્રવેશ મળે છે. પુસ્તકની પાંખે, સેકસપિયરની આંખે એલિઝાબેથના સમયનું બ્રિટન જોઇ શકાય છે.
રશિયાને ટોલ્સ્ટોયની આંખે જોઇ શકાય છે. પ્રાચીન ભારતને કાલીદાસની આંખે નિહાળી શકાય છે. હજારો વર્ષના પૂર્વસુરિઓ જેવા કે સોક્રેટીસ, પ્લુટો, એરિસ્ટોટલ ને માનસિક રીતે મળી શકાય છે.
ઉપયોગિતાની બોલબાલામાં અટવાયેલો યંત્રયુગનો આજનો માનવી સમયના અભાવની ફરિયાદ કરે છે. ટી.વી. અને ફિલ્મ દર્શન પાછળ કલાકો વેડફી નાખતો આ માનવી પુસ્તક ખરીદીમાં કંજુસાઇ કરે છે. ભોજનના મેનુ પાછળ સહેજે 500-1000 રૂપિયા ખર્ચવા તેના માટે સામાન્ય છે. અરે નોકરિયાત વર્ગ પોતાના ઇજાફાની રકમ જેટલા પુસ્તકો પણ ખરીદતો નથી !
વાચનનો જીવનમાં કેટલો અમૂલ્ય ફાળો છે એ પૂરવાર કરતા બે પ્રસંગો મારા જીવનમાં બની ગયા છે. જયારે હું માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો, ત્યારે મારા જ એક સહાધ્યાયી મિત્ર વાંચવાના ખૂબજ શોખીન. બુક ભાડે આપનારને ત્યાંથી આ મિત્ર દરરોજ ફેન્ટમ અને ટારઝન જેવા પાત્રોની સાહસ કથાઓના પુસ્તક ભાડે લઇને વાંચે. અમારા ગામથી નજીકના શહેરમાં ભણવા જવાનું થતું હોવાથી, ત્રણ ચાર કિલોમીટર ચાલીને જવું પડતું. આ મિત્ર પુસ્તક વાંચતા વાંચતા ચાલે. એ જમાનામાં રોડ પર ટ્રાફિકની કોઇ સમસ્યા જ નહોતી, એટલે કોઇ સાથે ભટકાઇ જવાનો બિલકુલ ડર જ નહોતો. હું મારા આ મિત્રને ઘણી વખત કહ્યું કે, ‘આવી સાહસ કથાઓ વાંચીને તારે શું સાબિત કરવું છે ? તે કહેતો, ‘કે મારે ટારઝનની જેમ જંગલમાં એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારવી છે !’
ભવિષ્યમાં આ મિત્ર બોટની વિષય સાથે સ્નાતક થયો. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા આપીને જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે પસંદ થયો !
બીજો કિસ્સો. મારા નોકરી કાળ દરમિયાન એક પુસ્તકાલયના સંચાલકે મને કહયું કે, ‘સાહેબ તમારો કોઇ વિદ્યાર્થી ભણતા ભણતા થોડું ઘણું કમાવાની ઇચ્છા રાખતો હોય તો અમારી લાઇબ્રેરીમાં તેમને મોકલી દેજો. અમે તેમને તેમના ખર્ચા જોગી રકમ આપશું. લાઇબ્રેરીમાં એમને બે ત્રણ કલાક બેસવાનું રહેશે. પુસ્તકની આપ-લે કરવાની અને કોઇ પુસ્તક ફાટેલું હોય તો પૂંઠા વગેરે ચડાવીને પુસ્તકો વ્યવસ્થિત રાખવા. બસ, એટલું કામ કરવાનું રહેશે.
મારો એક વિદ્યાર્થી કોલેજના અભ્યાસ માટે બીજા શહેરમાં જતો. તેમની આર્થિક સ્થિતિ થોડી નબળી. એટલે મને તે યાદ આવ્યો. તેમની કોલેજ અડધો દિવસ ચાલતી અને અડધો દિવસ તે ફ્રી રહેતો. મેં એમને આ વાત કરી. ‘તને બસમાં આવવા જવાના પાસની રકમ જેટલું મહેનતાણું આ પુસ્તકાલયના સંચાલકો આપશે.’ ને વળી વિવિધ પુસ્તકો વાંચવા મળશે એ વિશેષ ફાયદામાં !
મારો આ વિચાર તે વિદ્યાર્થીને ગળે ઉતરી ગયો. તે આ પુસ્તકાલયમાં જોડાઇ ગયો. આમ કરતાં કરતાં, તેણે સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કરી લીધો. પુસ્તકાલય સાથે નાતો બંધાઇ ગયો. આગળ જતાં લાઇબ્રેરીયનનો ડિપ્લોમા અભ્યાસક્રમ કર્યો. કાળ ક્રમે સરકાર દ્વારા ગ્રંથપાલની ભરતી કરવામાં આવી. તે ગ્રંથપાલ તરીકે પસંદગી પામ્યો. જિલ્લા સરકારી પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે જોડાઇ ગયો.
આ બંને પ્રસંગો ઉપરથી ફલિત થાય છે કે, વાંચન જીવનમાં ચમત્કાર તો સર્જે જ છે !