રૂ.૩૦ હજારના રૂ.૧.૨૬ લાખ ચૂકવ્યા છતાં વધુ વ્યાજની માંગણી કરી ઢીકાપાટુ માર્યા

શહેરના રૈયા રોડ પર જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા બાવાજી યુવાનને રૂ.૩૦ હજારના ૧.૨૬ લાખ ચૂકવ્યા તેમ છતાં રાજસ્થાની બે શખ્સોએ વધુ વ્યાજની માંગણી કરી ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.આ અંગેની પોલીસમાં પ્રાપ્ત વિગતો મુજબ જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા ઉશાંત દલસુખભાઈ ગોસાઈ નામના બાવાજી યુવાને મુળ રાજસ્થાનના અને આમ્રપાલી સીનેમા પાસે અનુજ ફાયનાન્સના નામે વ્યાજ વટાવનો ધંધો કરતા લોકેશ રામકુમાર મિશ્રા અને અનુજ રામ કુમાર મિશ્રા નામના શખ્સો સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ઢીકાપાટુનો માર માર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઉશાંત ગોસાઈ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હોવાથી તેને કોમ્પ્યુટર સીસ્ટમ લેવા માટે પાંચેક વર્ષ પહેલા અનુજ ફાયનાન્સમાંથી રૂ.૩૦ હજાર માસીક ૧૦ ટકાના વ્યાજના દરે લીધા હતા. રૂ.૩૦ હજારનું અત્યાર સુધીમાં રૂ.૧.૨૬ લાખ ચુકવી દીધા હોવા છતાં બન્ને શખ્સોએ વધુ વ્યાજની માંગણી કરી ઢીકાપાટુ મારી જીવ ખોવાનો વારો આવશે તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગાંધીગ્રામના એએસઆઈ રવજીભાઈ પટેલે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.