ગરમ વસ્ત્રોની નિકળી માંગ આગામી દિવસોમાં પારો વધુ ગગડે તેવી શકયતા
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનો દૌર રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે અને આજે તાપમાનમાં વધુ ઘટાડા સાથે મોટાભાગનાં સ્થળોએ તાપમાનનો પારો ૨૦ સેલ્શીયસ ડિગ્રીથી નીચે ઉતરી ગયો હતો. પારો ગગડતાની સાથે જ રાજયભરમાં ગરમ વસ્ત્રોની માંગ નિકળી છે. દક્ષિણ ગુજરાત પર અપરએર સાયકલોનીક સરકયુલેશનની સિસ્ટમની અસરતળે રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ થોડા-થોડા વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. હજુ આગામી બે-ત્રણ દિવસ વાદળો રહેશે ત્યારબાદ આકાશ સાફ થઈ જશે અને ઠંડીનું જોર પણ વધશે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિલોમીટર પ્રતિકલાક રહેવા પામી છે. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૧ ડિગ્રી રહેવા પામ્યું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૩૦.૨ ડિગ્રી નોંધાયું હતું અને આજની સરખામણીમાં લઘુતમ તાપમાનમાં ૧ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતા વહેલી સવારે લોકોને ઠંડીનો અહેસાસ થયો હોવાનો અનુભવ કર્યો હતો. વહેલી સવારે ગરમ કપડા પહેરવા પડે તેવી ઠંડી જોવા મળી હતી. આ ઉપરાંત કચ્છનાં નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૪.૪ ડિગ્રી નોંધાયું હતું અને મહતમ તાપમાન ૩૦.૬ ડિગ્રી જેટલું નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૩ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. જુનાગઢની વાત કરવામાં આવે તો જુનાગઢનું આજ સવારનું મહતમ તાપમાન ૧૯.૮ અને લઘુતમ તાપમાન ૧૫.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧.૮ કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
રાજયભરમાં નલીયા ૧૪.૪ ડિગ્રી સૌથી વધુ ઠંડુ શહેર નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી, ડિસાનું ૧૭, વડોદરાનું ૧૯, સુરતનું ૨૧.૪, રાજકોટનું ૧૭.૩, ભાવનગરનાં ૧૮.૯, પોરબંદર ૧૭, વેરાવળનું ૧૯.૮, દ્વારકાનું ૨૧.૬, ઓખાનું ૨૩.૩, ભુજનું ૧૭, સુરેન્દ્રનગરનું ૧૮.૫, ગાંધીનગરનું ૧૭.૨, મહુવાનું ૧૭.૫, દિવનું ૧૮.૪ અને વલસાડનું ૧૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ જેમ-જેમ ડિસેમ્બર નજીક આવશે તેમ-તેમ શિયાળાની ઠંડીનો અહેસાસ વધવા લાગશે. રાજયમાં લઘુતમ તાપમાનનો પારો ૫ ડિગ્રી જેટલો ઘટયો છે. શિયાળાની ઠંડીનો સાચો અહેસાસ ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ થતો હોય છે. જેમ-જેમ પવનની દિશા બદલાશે તેમ-તેમ ઠંડીનું જોર પણ વધશે.