રૂપિયો નબળો પડતો જાય છે એવું કહેવું ત્યારે સત્ય હશે કે જો ડોલરની સામે એકમાત્ર રૂપિયાનું જ અવમૂલ્યન થઈ રહ્યું હોય, પણ હકીકતમાં ડોલરની સામે મોટાભાગની કરન્સીનું અવમૂલ્યન થઈ રહ્યું હોય તો એનો મતલબ રૂપિયો તેનો તે જ છે. પણ ડોલર મજબૂતાઈ પકડી રહ્યો છે. હા, ભારતની અર્થવ્યવસ્થા અત્યારે થોડી ખરાબ સ્થિતિમાં આવી છે પણ વિશ્વના બીજા દેશો કરતા ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના એક ટોચના અધિકારીએ મંગળવારે કહ્યું કે જ્યારે આખું વિશ્વ આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં પાછળ છે, ત્યારે ભારત તેનાથી પ્રભાવિત નથી થયું, પરંતુ તે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.
આઈએમએફના એશિયા અને પેસિફિક વિભાગના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને કહ્યું કે જો આપણે અત્યારે વૈશ્વિક સ્થિતિ પર નજર કરીએ તો ખબર પડે છે કે વિશ્વના ઘણા દેશોમાં વૃદ્ધિ ધીમી પડી છે, તેની સાથે ફુગાવો પણ વધ્યો છે. શ્રીનિવાસને કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવતા દેશો આ વર્ષે કે પછી મંદીમાં ફસાઈ જશે. ફુગાવો ઘણો ઊંચો છે અને તે વ્યાપક છે.
શ્રીનિવાસને કહ્યું છે કે જ્યારે લગભગ દરેક દેશનો વિકાસ દર ધીમો પડી રહ્યો છે, ત્યારે ભારત તુલનાત્મક રીતે સારું કરી રહ્યું છે અને આ ક્ષેત્રના અન્ય દેશોની તુલનામાં પ્રમાણમાં તેજસ્વી સ્થાને છે.
જણાવી દઈએ કે આઈએમએફએ મંગળવારે જાહેર કરેલા તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં ચાલુ નાણાકીય વર્ષમાં ભારત માટે વૃદ્ધિનું અનુમાન 8.7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કર્યું છે. વર્ષ 2023 માટે વૈશ્વિક વિકાસ દર 6.1 ટકા રહેવાનો અંદાજ છે. 2023 માં, વૈશ્વિક અર્થવ્યવસ્થાના ત્રીજા કરતા વધુ ભાગમાં મંદી જોવા મળી શકે છે. આની અસર વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ – યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને ચીન પર પણ પડશે.