નવેમ્બરની શરૂઆત પરંતુ હજુ પણ ગુજરાતમાં ગરમી યથાવત: 15 નવેમ્બર બાદ ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી
ગ્લોબલ વોર્મિંગએ 20મી સદીના મધ્યમાં અને તેના અંદાજિત સાતત્યથી પૃથ્વીની નજીકની હવા અને સમુદ્રના સરેરાશ તાપમાનમાં થયેલો વધારો છે. એટલે પૃથ્વીના તાપમાનમાં થઇ રહેલા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. બીજી બાજુ આપણે ચોક્કસથી કહિ શકીએ કે ગ્લોબલ વોર્મિંગે ઠંડી ઉડાડી દીધી છે. કેમ કે નવેમ્બર માસ શરૂ થયો દિવાળી પણ જતી રહી છતાં હજુ જોઇ એવો ઠંડીનો ચમકારો અનુભવ થતો નથી. સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતમાં સમગ્ર રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે અને વિવિધ શહેરના લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ પહોંચી જતા હોય છે ત્યારે આ વર્ષે હજુ ઠંડીની શરૂઆતની જગ્યાએ ગરમીનો માહોલ છવાયેલો રહેલો છે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સામાન્યથી 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી જેટલું વધુ નોંધાતા બપોરે લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીની આસપાસ રહેતા હજુ બપોરે ગરમી વરર્તાઇ રહી છે.
કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં પવનની દિશા બદલાઇ છે. રાજ્યમાં ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાવવાના શરૂ થઇ ચુક્યા છે જેને કારણે ઠંડી ધીરે-ધીરે વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, બે દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. મહત્તમની સાથેસાથે લઘુત્તમ તાપમાન પણ બે દિવસથી વધુ રહ્યું છે. જેના કારણે દિવસે તાપમાનનો પારો 35 ડિગ્રીની ઉપર રહેતા બપોરના સમયે સામાન્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન પણ 20 ડિગ્રીથી નીચે નોંધાતા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેન્ટ ચેન્જ થયું છે ત્યારે ચાલુ વર્ષે નવેમ્બરની શરૂઆત છતાં પણ ગરમી હજુ પણ યથાવત જોવા મળી છે. જો કે હવામાન વિભાગ મુજબ 15 નવેમ્બર બાદ ઠંડીનો પારો ગગડશે અને ઠંડી જોર પકડશે.