ભારત સહિત વિશ્વભરમાં જીવ બચાવો, ખર્ચ ઘટાડો, રોજગારી ટકાવો અને મુડીરોકાણ લાવોના અભિયાન શરૂ થઇ ગયા છે. વૈશ્વિક સ્તરે મંદીના મંડાણ થયા છે. મુડીઝનું ભારતનું ઘટેલું રેટિંગ, દેશમાં બંધ પડેલા ૩૫ ટકા જેટલા MSME યુનિટો અને બેરોજગારીનાં આંકડા જો ભારતની મંદીનું ટ્રેલર માનીએ તો IMF નો છેલ્લો રિપોર્ટ, અમેરિકાને H1B રદ્દ કરવાની પડેલી ફરજ તથા વૈશ્વિક બેરોજગારીનો દર વૈશ્વિક મંદીની છડી પોકારે છે. કોવિડ-૧૯ ના હાહાકારથી સૌ પરેશાન છે. હવે કાંપતા કાળજે કામે ચડવા સિવાયનો કોઇ વિકલ્પ નથી.
મોદીજીએ મંદીને ધ્યાનમાં રાખીને આત્મનિર્ભર થવાની હાકલ કરી છે. જો ભારત કૄષિક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો લોકોને રોજગાર પણ મળી રહે તથા આયાતમાં ઘટાડો કરી શકાય. વળી કૄષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારીને કૄષિ નિકાસમા પણ વધારો કરી શકાય તેમ છે. તેના માટે આપણે આયાતી કાચામાલની પણ જરૂર નથી. ભારત આ રીતે આત્મનિર્ભર થવાની કોશિષ કરે છે તો અમેરિકાએ H-1Bવિઝા ફ્રીઝ કરવાની જાહેરાત કરીને સ્થાનિક લોકોને રોજગાર આપી આત્મનિર્ભર થવાના પ્રયાસ આરંભ્યા છે. હવે આગામી થોડા સમય માટે વૈશ્વિક મંચ ઉપર નિકાસ તથા આંતરરાષ્ટ્રિય વ્યવસાયમાં ઓટ આવી શકે છે. દર વર્ષે અમેરિકામાં નોકરી મેળવવા માટે H-1B વિઝાની ૨૨૫૦૦૦ અરજીઓ થતી હોય છે જેમાંથી આશરે ૮૫૦૦૦ લોકોને નોકરી મળતી હોય છે. આ લોકોના ભવિષ્ય હવે જોખમાશે. ખાસ કરીને TCS, વિપ્રો, ઇન્ફોસિસ જેવી IT કંપનીઓને આ નિર્ણયથી અસર થવાની છે. હાલમાં આ કંપનીઓના ત્રણ થી ચાર લાખ જેટલા કર્મચારીઓ H-1Bવિઝા ઉપર અમેરિકામા છે. અમેરિકામાં દર ચાર H-1Bધારકોમાંથી ત્રણ ભારતીય હોય છે. આ પ્રવાહ હવે ધીમો પડી શકે છે. અમેરિકાનાં આ નિર્ણયથી આશરે ૫૨૫૦૦૦ અમેરિકનોને નવી નોકરી મળશે એવો અંદાજ છે. આ નિર્ણયથી અમેરિકાને ઓછા પગારે વધારે કુશળ કર્મચારી મળતા હતા તે બંધ થશે એ વાત પણ નક્કી છે.
સૌ આજે કોવિડ-૧૯ નો અંત ક્યારે આવશે એ વિચારે છે. સાથે જ મંદીનું સાચું ચિત્ર હવે દેખાય છે. ભારતમાં માઇક્રો, સ્મોલ, તથા મિડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) સેક્ટરનાં આશરે ૩૫ ટકા જેટલા ઉદ્યોગો હાલમાં બંધ છે. ૩૭ ટકા જેટલા સેલ્ફ એમ્પ્લોય કારખાના બંધ છે. મુડીઝે ભારતનું ફોરેન કરન્સી તથા લોકલ કરન્સી લોંગ ટર્મ રેટિંગ Baa૨ માંથી ઘટાડીને Baa૩ કર્યું છે. જ્યારે શોર્ટ ટર્મ રેટિંગ પણ P૨ થી ઘટાડીને P૩ કર્યું છૈ. વૈશ્વિક સ્તરે IMF એ પણ કહ્યું છે કે ૨૦૨૦ માં વૈશ્વિક ઇકોનોમી જે અગાઉ ત્રણ ટકા ઘટવાનું અનુમાન હતું તે હવે ૪.૯ ટકા સુધી ઘટવાની ધારણા છે. જે વૈશ્વિક ઇકોનોમીને ૧૨ ટ્રિલિયન ડોલરની ખાધ આપશે. મતલબ હાલત માત્ર ભારતની જ ખરાબ નથી, વિશ્વની તમામ ઇકોનોમીની આ સ્થિતી છે.
ભારત સરકારનું MSME સેક્ટર માટેનું ત્રણ લાખ કરોડનું પેકેજ ઉદ્યોગો સુધી પહોંચ્યુ નથી. સરકારે કારખાના ખોલવાની તો જાહેરાત કરી પણ સુરક્ષાનાં નિયમો એટલા આકરાં કર્યા છે કે નાના કારખાનેદારોને ઉત્પાદન બાદ પણ કોઇ નફો થાય તેમ નથી. આવા સંજોગોમાં તેમણે ફેકટરીને તાળાં મારવા પડ્યા છે. ભારતમાં ૬.૫ કરોડ MSME છૈ જે ૧૫ કરોડ નોકરી અને ૧૩ કરોડ લોકોને સપ્લાય દ્વારા ધંધો-રોજગાર આપે છે. હાલમાં જ થયેલા એક સર્વેનું તારણ કહે છે કે ૩૨ ટકા લોકો કહે છે કે સ્થીતિ સામાન્ય થતાં છ મહિના થશે. આમાં ઘણા ઉદ્યોગો એવા હશે જે ફરી શરૂ નહીં થઇ શકે. ૨૦૧૯ નો GDP ૪.૨ ટકા હતો. લોકડાઉનના કારણે ભારતનો ૨૦૨૦ નો GDP ૧.૫ જેટલો રહેવાની વાતો થતી હતી જે વર્ષાંતે કદાચ નેગેટિવ પણ થઇ શકે છે.
ભારત ઉપરાંત અમેરિકાની ઇકોનોમી આઠ ટકા જેટલી નબળી પડશે. યુરોઝોનની ઇકોનોમી ૧૦.૨ ટકા જેટલી સંકોચાશે એક માત્ર ચીનની ઇકોનોમી એક ટકા જેટલી સુધરવાની ધારણા છૈ. જ્યારે રોજગાર ઓછા હશે ત્યારે લોકો પોતાના જીવનધોરણને નીચે લાવશૈ. IMF ના ઇકોનોમિક કાઉન્સેલરના મતે ૨૦૨૦ માં મધ્યમ વર્ગ તથા ગરીબ લોકોના જીવન ધોરણમાં ૯૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. ભારતનાં ઇકોનોમિસ્ટો કહે છે કે કદાચ આ વખતની મંદી આઝાદી પછીની સૌથી વિકરાળ હોઇ શકે છૈ. તો શિકાગો ફેડરલનાં પ્રેસિડેન્ટ જેવા વૈશ્વિક ઇકોનોમિસ્ટોના મતે અમેરિકામાં પણ કદાચ છેલ્લા ૫૦ વર્ષની સૌથી વિકરાળ મંદી આવી શકે છે.
યાદ રાખજો કોઇપણ કપરો કાળ હંમેશા માટે હોતો નથી. હાલમાં મંદીની વાત કરનારા સૌ ૨૦૨૧ માં બજાર રિકવર થવાની આગાહી કરે છે. ૨૦૨૧ માં વર્લ્ડ આઉટપુટ ૫.૪ ટકા તથા એડવાન્સ ઇકોનોમીઓનો આઉટપુટ ૪.૮ ટકા વધવાની ધારણા મુકાઇ છૈ. જેમાં અમેરિકા (૪.૫), ફ્રાન્સ (૭.૩) જર્મની(૫.૪) ઇટાલી(૬.૩) અને સ્પેન(૬.૩) વિશેષ યોગદાન આપશે. જ્યારે ઇમર્જીંગ ઇકોનોમીઓનો આઉટપુટ ૫.૯ ટકા વધી શકે છે. જેમાં ચીનનું યોગદાન ૮.૨ તથા ભારતનું યોગદાન ૬.૦ જેટલું હશે.
મતલબ કે આજની મંદી આવતી કાલે તેજી આપવાની જ છે, એ સમજીને હાલમાં ધૈર્યથી કામ લેવાનો સમય છે. ખર્ચ ઘટાડવામાં અને લક્ઝુરીયસ વિદેશી આઇટેમો પાછળ નાણાનો દુર્વ્યય કરવાને બદલે ૨૦૨૦ નું વર્ષ કરકસરથી જીવવાનું છે એવું સમજીને આગળ વધવાનું રહેશે. માનવજાત સમયની સાથે પોતાના વિકાસની નવી દિશા શોધી જ લેશે.