રાજકોટના આંગણે આગામી તા.7 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગ જગતને વૈશ્ર્વિક ફલક પર મુકવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પુરુ પાડવા માટે ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ જી.પી.બી.એસ. દેશ કા એક્સ્પોનું મહા આયોજન કરવામા આવેલ છે. જેનું રવિવારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જીપીબીએસના પ્રમુખ હંસરાજ ગજેરા અને ક્ધવીનર નીલેશ જેનપરીયાને પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે રાજકોટ ખાતે 25 એકરમાં વિશાળ આ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ-વેપારીઓ ભાગ લેશે.
ગુજરાત 3 ગ્લોબલ બિઝનેસ કરવા સર્વે સમાજના ઉદ્યોગપતિઓ સજ્જ: 25 એકરની વિશાળ જગ્યામાં 1000થી વધુ સ્ટોલ બુક
આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં કુલ 36 દેશમાં પ્રચાર-પ્રસાર: 7મી જાન્યુઆરીથી શરૂ થનાર એકસ્પોની દસ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવો અંદાજ
સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018 થી જીપીબીએસ એકસ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સર્વ સમાજના ઉદ્યોગપતિઓ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીપીબીએસ દેશ કા એકસ્પોમાં સ્ટોલ બૂક કરવામાં આવ્યા છે. દેશ કા એક્સ્પોના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જી.પી.બી.એસ. ‘દેશ કા એક્સ્પો’ રાજકોટના નવા રીંગરોડ ઉપર યોજાશે જેમાં એક લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ કેટેગરીના 13 અત્યાધુનિક પેવેલિયનમાં એર કન્ડિશન ડોમ ઉભા કરવામાં આવશે. અનેકવિધ ક્ષેત્રોની કંપનીઓના સ્ટોલ અત્યારથી બુક થઇ ચૂક્યા છે. દેશ-વિદેશની 1000 બ્રાન્ડના સ્ટોલનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે કુલ 36 દેશમાં માટે પ્રચાર-પ્રસાર કરવામા આવ્યો છે અને અન્ય વધારાના દેશોને જોડાવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ચાર દિવસ દરમિયાન એક્સ્પોની દસ લાખથી વધુ લોકો મુલાકાત લ્યે તેવા અંદાજ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ એક્સપોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આવી ઇવેન્ટ્સ માટે 5000 ચોરસ મીટરનો ખાસ એરકંડીશન હોલ પણ તૈયાર કરવામા આવનાર છે.
‘દેશ કા એક્સપો’માં અમેરિકાના તમામ સ્ટેટમાં રોડ-શો કરવામાં આવ્યા હતા. આથી અમેરિકાના તમામ સ્ટેટમાંથી વિઝિટર્સ દેશ કા એક્સ્પોની મુલાકાતે આવે તેવા કંન્ફોર્મેશન પણ મળી ચૂકયા છે. આ ઉપરાંત કેનેડા, યુ.એ.ઈ., થાઇલેન્ડ, વિયેતનામ, ઓમાન, યુ.કે, મેક્સિકો, સાઉથ આફ્રિકા, પોલેન્ડ, કતાર, સેનેગલ, કેન્યા, રોમાનિયા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, ફિલિપાઇન્સ, કોન્ગો, જર્મની, ઇજીપ્ત, બહેરીન, ઝમ્બીયા, બ્રાઝિલ, ઘાના, ઇન્ડોનેશિયા, યમન, તુર્કી, નેપાળ, બેલ્જીયમ, શ્રીલંકા, જોર્ડન, કુવૈત, નેધરલેન્ડ, બાંગ્લાદેશ સહિતના દેશોના ઉદ્યોગકારો મુલાકાતે આવનાર છે. જૂજ સ્ટોલ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે 85111 15017 પર સંપર્ક કરવો.
દેશના જ નહીં, વિદેશના ઉદ્યોગપતિઓ પણ જોડાશે
રાજકોટ ખાતે જાન્યુઆરીમાં યોજાનારા જીપીબીએસનાં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના પણ સર્વે સમાજના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ભાગ લેશે. સમાજના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન-2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2028થી એક્સ્પો યોજાય છે.