અમેરિકાની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા ૬ ભારતીય મુળનાં ઉધોગપતિઓ સલાહ આપશે

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાનાં કારણે જે રીતે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે તેનાથી તેઓ ઘણાખરા અંશે ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે જ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે, કોરોનાને લઈ વિશ્ર્વની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં અત્યંત કફોડી નિવડશે ત્યારે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકાય તે જાણવું પણ એટલું જ જરૂરી છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉધોગપતિઓની સુચી જાહેર કરવામાં આવી છે તેમાં ભારતીય મુળનાં ૬ ઉધોગપતિઓનો પણ સમાવેશ થયો છે જેમાં ગુગલનાં સુંદર પીચાઈ, માઈક્રોસોફટનાં સત્ય નંડેલાનો સમાવેશ થયો હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ ઉધોગપતિઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને કેવી રીતે મજબુત બનાવી શકાય તે દિશામાં સુચનો અને સુઝાવો આપશે. અમેરિકાની અર્થવ્યવસ્થા વિશ્ર્વનાં દેશો કરતા સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનું માનવામાં આવે છે ત્યારે કોરોનાનાં કારણે અમેરિકાનાં ૯૫ ટકા લોકો એટલે કે આશરે ૩૩૦ મિલીયન લોકો ઘરની અંદર લોકડાઉન થઈ ગયા છે.

કોરોનાનાં કારણે જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેનાથી આશરે ૧૬ મિલીયન લોકોએ તેમની નોકરી પણ ગુમાવી છે. આ સ્થિતિને ધ્યાને લઈ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ ક્ષેત્રનાં ૨૦૦ જેટલા ઉધોગપતિઓની સુચિ જાહેર કરી છે અને તેઓને ગ્રેટ અમેરિકન ઈકોનોમિક રીવાઈવલ ઈન્ડસ્ટ્રી ગ્રુપનાં સભ્યો પણ ઘોષિત કર્યા છે. આ તમામ ઉધોગપતિઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અને કોરોનાનાં કહેરથી આર્થિક રીતે બહાર કાઢવા માટેનાં સુચનો અને સુજાવો પણ આપશે.

ટ્રમ્પ દ્વારા વ્હાઈસ હાઉસ ખાતે સંબોધવામાં આવેલી પત્રકાર પરીષદમાં એ વાતની સ્પષ્ટતા કરી હતી કે જે ઉધોગપતિઓની સુચી બહાર પાડવામાં આવી છે તે તમામ સ્માર્ટ અને ખમીરવંતા છે. સુંદર પીચાઈ અને સત્ય નંડેલાની સાથોસાથ આઈબીએમનાં અરવિંદ ક્રિષ્ના, માઈક્રોન્સનાં સંજય મેહરોત્રા, માસ્ટર કાર્ડનાં અજય બાંગા, પેરનોડ રિચાર્ડનાં અન મુખર્જીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૦ ઉધોગપતિઓ કે જેઓ એગ્રીકલ્ચર, બેન્કિંગ, ક્ધટ્રકશન, લેબર વર્ક ફોર્સ, ડિફેન્સ, એનર્જી, ફાયનાન્સીયલ સર્વિસ, ફુડ એન્ડ બેવરેજીસ, હેલ્થ કેર, હોસ્પિટાલીટી, રીયલ એસ્ટેટ, રીટેલ, ટેલીકોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટ સહિતનાં અનેકવિધ ક્ષેત્રોમાંથી નામ લેવામાં આવ્યા છે. આ તમામ ઉધોગપતિઓ વાઈટ હાઉસની સાથે મળી આગામી અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટેનાં કાર્યો હાથ ધરશે અમેરિકાનો મુખ્ય હેતુ તો દેશની અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત કરી દેશને વધુ સમૃદ્ધ બનાવવાની છે ત્યારે આ તમામ નામાંકિત ૨૦૦ ઉધોગપતિઓ તેમનાં સુજાવ અને તેમનું માર્ગદર્શન પુરુ પાડશે.

આ તકે અમેરિકાનાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જે નિર્ણયો લેવામાં આવશે તે અત્યંત કપરા બની રહેશે અને તેઓએ વધુમાં માહિતી આપતા પણ જણાવ્યું હતું કે, તેઓ ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે કે તેમના દ્વારા જે નિર્ણય લેવામાં આવે તે દેશની અર્થવ્યવસ્થાને મજબુતી આપે અને દેશને ફરીથી વધુ સમૃદ્ધ બનાવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.