ગતિ ધીમી પડશે, પણ આગળ તો વધશે જ
ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 1.7 ટકા ઘટીને વાર્ષિક ધોરણે 7 ટકા રહેવાનો રાષ્ટ્રીય આંકડાકીય કચેરીનો અંદાજ
અબતક, નવી દિલ્હી : વૈશ્વિક પડકારોને કારણે ભારતીય અર્થતંત્રની આગળ વધવાની ગતિ ધીમી પડશે, પણ આગળ તો વધશે જ. રાષ્ટ્રીય આંકડાકીય કચેરીએ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 1.7 ટકા ઘટીને વાર્ષિક ધોરણે 7 ટકા રહેવાનો અંદાજ જાહેર કર્યો છે.
માંગમાં મંદી સાથે ઉત્પાદન અને ખાણકામ ક્ષેત્રના નબળા પ્રદર્શનને કારણે દેશનો આર્થિક વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 1.7 ટકાથી ઘટીને વાર્ષિક ધોરણે 7 ટકા થવાની સંભાવના છે. જો આવું થાય તો ભારત સૌથી ઝડપી આર્થિક વિકાસ દર ધરાવતા દેશનો દરજ્જો ગુમાવી શકે છે. સાઉદી અરેબિયા તેનાથી આગળ નીકળી શકે છે, જેનો વિકાસ દર 7.6 ટકા રહેવાનો અંદાજ છે.
નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે, આ આરબીઆઇના 6.8%ના અંદાજ કરતા વધારે છે.
2021-22માં જીડીપી વૃદ્ધિ દર 8.7% હતો. એનએસઓ મુજબ, નોમિનલ જીડીપી પણ 2022-23 દરમિયાન 4.1 ટકાથી 15.4 ટકા ઘટી શકે છે. 2021-22માં આ આંકડો 19.5 ટકા હતો. ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 1.6 ટકા ઘટવાની ધારણા છે. 2021-22માં 9.9 ટકાનો વધારો થયો હતો. એ જ રીતે, ખાણકામ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર અગાઉના નાણાકીય વર્ષમાં 11.5 ટકાથી ઘટીને 2.4 ટકા થવાની શક્યતા છે.
અર્થવ્યવસ્થાના કદમાં રૂ. 36.43 લાખ કરોડનો વધારો થઈ શકે છે. નોમિનલ જીડીપી ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 36.43 લાખ કરોડ વધીને રૂ. 273.08 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. 2021-22માં આ આંકડો 236.65 લાખ કરોડ હતો.
વાસ્તવિક જીડીપી અથવા સ્થિર ભાવ (2011-12) પર કદ 2022-23માં 157.60 લાખ કરોડ હોઈ શકે છે. અગાઉ 147.36 લાખ કરોડનો અંદાજ હતો.
જીડીપી 7.6 ટકાથી નિચે રહે તો સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો ગુમાવવો પડશે
ભારત અત્યારે સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 1.7 ટકા ઘટીને વાર્ષિક ધોરણે 7 ટકા રહેવાનો રાષ્ટ્રીય આંકડાકીય કચેરીનો અંદાજ છે. આવું થાય તો ભારત સૌથી ઝડપી આર્થિક વિકાસ દર ધરાવતા દેશનો દરજ્જો ગુમાવી શકે છે. સાઉદી અરેબિયા આપણાથી આગળ નીકળી શકે છે, જેનો વિકાસ દર 7.6 ટકા રહેવાનો અંદાજ છે.
ક્યાં ક્ષેત્રનો કેટલો વિકાસ દર રહેશે ?
- ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનનો દર 3 ટકાથી વધીને 3.5 ટકા થશે.
- પરિવહન, હોટેલ અને સંચાર ક્ષેત્રનો વિકાસ દર 11.1 ટકાથી વધીને 13.7 ટકા થવાની ધારણા
- નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો વિકાસ દર 4.2 ટકાથી વધીને 6.4 ટકા થઈ શકે છે
- બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 11.5 ટકાથી ઘટીને 9.1 ટકા થઈ શકે છે.
- જાહેર વહીવટ, સંરક્ષણ અને અન્ય સેવાઓનો વિકાસ દર ઘટીને 7.9% થઈ શકે છે.