મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી અમારી ટોચની પ્રાથમિકતા રહેશે
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના મતે સમગ્ર વર્ષ દરમિયાન ક્રિકેટ રમવાનું સતત ચાલુ છે ત્યારે ભારત માટે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ તૈયાર કરવી અમારી ટોચની પ્રાથમિકતા રહેશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા માટે સ્ટ્રેન્થ તૈયાર કરવી જોઇએ તેમ રોહિતે જણાવ્યું હતું. ગત વર્ષે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં ગ્રુપ તબક્કામાંથી જ આઘાતજનકરીતે બહાર નીકળી ગઇ હતી. ભારત દ્વારા ત્યારબાદ ટીમમાં અનેક અખતરાઓ કરવામાં આવ્યા છે અને હજુ પણ તે યથાવત જ છે.
ખેલાડીઓની ઇજા અને કાર્યભાર સંચાલન પણ આમા મહત્વનો ભાગ ભજવશે છે. અમે નોંધપાત્ર ક્રિકેટ રમતા હોય છે જેથી ઇજાઓ તેનો ભાગ છે અને કાર્યબોજ સંચાલનને લીધે ખેલાડીઓનું રોટેશન ચાલતું હોય છે. રોહિતના મત મુજબ બેન્ચ સ્ટ્રેન્થ ઉભી કરવાથી ક્રિકેટનું ભવિષ્ય સુનિશ્ર્ચિત થશે. અમે આ આયોજન મુજબ ચાલી રહ્યા છીએ. ચાલુ વર્ષે ટી-20 વર્લ્ડકપમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ટી-20 વર્લ્ડકપ અગાઉ ભારત એશિયા કપ રમવા ઉતરશે તેના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે બે વખત આમને સામને થવાની તક પ્રાપ્ત થશે.
રોહિતે વધુમાં જણાવ્યું હતું કે દરેક વખતે ટીમ તરીકે વધુ શ્રેષ્ઠ બનવાનો અમારો ઉદ્ેશ્ય છે. આગળ શું અપેક્ષા રાખવી તે કહી શકાય નહીં પરંતુ એક ટીમ તરીકે શ્રેષ્ઠ કરવાનું અમારૂં લક્ષ્ય રહેશે. તમે શ્રેણી જીતો છો કે હારો છો તે ગૌણ બાબત છે. તે ક્યારેય ટોચની પ્રાથમિકતા હોય ન શકે. ટીમનું લક્ષ્ય સર્વોપરી હોવું જોઇએ અને ત્યારબાદ તેમાં વ્યક્તિગત ભૂમિકામાં આવે છે જે ટીમની સફળતામાં ચાવીરૂપ બનવી હોય છે પરંતુ ટીમ શું કરવા ઇચ્છે છે તે મુજબ વ્યક્તિગત ખેલાડીઓએ તે દિશામાં પોતાનું શ્રેષ્ઠ આપવું પડે છે.
રોહિત શર્મા વિરાટ કોહલીનો અનુગામી બન્યો છે. ગત વર્ષના ટી-20 વર્લ્ડકપ બાદ દ્રવિડના સ્વરૂપમાં ભારતીય ટીમને નવા હેડ કોચ પણ મળ્યા છે. રોહિતે વધુમાં જણાવ્યું હતું કે અમે ક્રિકેટ રમવાની સ્ટાઇલમાં પણ બદલાવ લાવવા પણ વિચારી રહ્યા છીએ. ત્રણેય ફોર્મેટમાં અમે ચોક્કસ રીતે રમવા ઇચ્છીએ છીએ અને કોચે પણ આ વાત સ્વિકારી.