ઘનશ્યામપુરની અન્નકોટ સહકારી ખેતી મંડળી મામલે આમરણાંત ઉપવાસ પર બેઠેલા વૃધ્ધને ગણતરીના કલાકોમાં તંત્રે કરાવ્યાં પારણાં.

હળવદ તાલુકાના ધનશ્યામપુર ગામની સીમમાં સહકારી ખેતી મંડળીની જમીન પર માથાભારે શખ્સોએ અડીંગો જમાવતા આખરે વૃધ્ધે ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં આજે ગુરૂવારના રોજ આમરણાંત ઉપવાસ આંદોલન ત્યારબાદ તા.૩૦ના આત્મવિલોપન કરવાની તંત્રને ચિમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને ગણતરીના કલાકોમાં હળવદ મામલતદારે વૃધ્ધને પારણાં કરાવ્યાં હતા.

હળવદ તાલુકાના મુળ ધનશ્યામપુર ગામના હાલ હળવદમાં રહેતા ૬૫ વર્ષના વૃધ્ધ છગનભાઈ  ગલાભાઈ મકવાણાના જણાવ્યા મુજબ વર્ષો પહેલાં સરકાર દ્વારા ધનશ્યામપુર ગામની સીમમાં સરકાર દ્વારા અન્નકોટ સામુદાયિક સહકારી ખેતી મંડળીને જમીન ફાળવવામાં આવી છે અને અમે મંડળીના કાયદેસર કાયમી સભ્યો છીએ જ્યારે અમુક શખ્સોએ મંડળીના કાગળો સાથે ચેડાં કરીને અમને બરતરફ અને જમીન પચાવવાનો કારશો રચી રહ્યા છે.

તદ્ઉપરાંત ઘણા વર્ષોથી માથાભારે શખ્સ દ્વારા અન્નકોટ સામુદાયિક સહકારી ખેતી મંડળીની જમીન ખાલી કરવામાં નહી આવતાં છગનભાઇ મકવાણાએ મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર તેમજ મામલતદારને અનેકવાર લેખિતમાં રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહી આવતા નાછુટકે આજે ૨૬/૪ થી ૩૦/૪/૧૮ સુધી મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસી આંદોલનની શરૂઆત કરી હતી અને આ બાબતે તા.૩૦ સુધી કોઈ કાર્યવાહી કરી ન્યાય આપવામાં નહીં આવે તો મામલતદાર કચેરી સામે આત્મવિલોપન કરવાની ચિમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આ બાબતે તંત્ર હરકતમાં આવતા મોરબી જિલ્લા ડેપ્યુટી કલેકટર, મામલતદાર પી.એમ. મકવાણા, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનગ્રા તેમજ સમાજના અગ્રણી વાલજીભાઈ સોલંકી સહિતનાઓની સમજાવટ અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતાં મામલતદારના હસ્તે ગણતરીના કલાકોમાં પારણા કરવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.