મધ્યમ વર્ગ અને તેમાં પણ ખાસ કરીને નોકરિયાત લોકોને બજેટ 2022થી ઘણી અપેક્ષા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ દ્વારા કોરોનાથી પીડિત સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે.
સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન દ્વારા નોકરિયાત લોકો અને પેન્શનધારકોને ટેક્સમાં થોડી રાહત આપવાનો પ્રયાસ કરે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ ટેક્સ પેયરના કુલ પગારમાંથી બાદ કરવામાં આવે છે અને આ તેની કરપાત્ર આવક ઘટાડે છે. જેના કારણે તેના કર બોજમાં પણ ઘટાડો થાય છે. તેને ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. ધારો કે કરદાતાનો કુલ પગાર વાર્ષિક રૂ. 6,00,000 છે. આ વ્યક્તિની કરપાત્ર આવક પર પહોંચવા માટે રૂ.6,00,000 માંથી રૂ.50,000 ઘટાડવામાં આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરી શકે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000 છે. તેને વધારીને ઓછામાં ઓછા 75,000 રૂપિયા કરવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2005-2006માં સ્ટાન્ડર્ડ ડિડક્શન નાબૂદ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ નાણાકીય વર્ષ 2018-19માં તેને ફરીથી લાગુ કરવામાં આવ્યું અને 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું હતું. તેના બદલામાં, પરિવહન ભથ્થું અને તબીબી વળતર નાબૂદ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2019-20માં તેને વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું હતું.
વર્ષોથી ફુગાવાની અસર અને નોકરિયાત લોકોના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રૂ. 50,000નું પ્રમાણભૂત કપાત અપૂરતું છે. કોરોના મહામારીના કારણે લોકોનો મેડિકલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમને કારણે, ફર્નિચર, વીજળી અને ઇન્ટરનેટ જેવા ખર્ચમાં અગાઉની સરખામણીમાં વધારો થયો છે. તેથી, નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ વધારવાની તાતી જરૂર છે, તેનાથી નોકરીયાત લોકોને ઘણી રાહત મળશે.
વિશ્વના ઘણા દેશોની સરકારોએ કોરોનાના કારણે સ્વાસ્થ્ય ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અલગથી ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ સહિત ઘણા દેશો સામેલ છે. કેટલાક દેશોની સરકારોએ વર્ક ફ્રોમ હોમને ધ્યાનમાં રાખીને પણ લોકોને ટેક્સમાં થોડી રાહત આપી છે. પરંતુ ભારતમાં હજુ સુધી આ બાબતને લઈને કોઈ રાહત આપવામાં આવી નથી. જો આ વખતે નાણામંત્રી બજેટમાં અલગથી કેટલીક ટેક્સ છૂટની જાહેરાત કરે તેવી શકાયતા છે. જો આવું થાય તો તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.