“લોકશાહી એટલે કાયદા (બંધારણ)નું શાસન એમ કહેવાય છે, તેના અમલીકરણને કારણે જ સમાજ વ્યવસ્થા અને તમામ વ્યવહાર સુપેરે ચાલતો હોય છે”
લોકશાહીના પ્રહરીની અવદશા
સનાતન સત્ય એટલે મૃત્યુ !
કોઈ વ્યકિત મૃત્યુથી બચવા ચાહે કોઈ પણ લોખંડી કોઠીમાં સંતાઈ જાય તો પણ મૃત્યુ તેનો પીછો છોડતુ નથી, આ સનાતન સત્ય છે. કુદરતની પ્રકૃતિ જેમ ચિત્ર વિચિત્ર છે તેમ મૃત્યુમાં પણ વિવિધતા જોવા મળે છે. તેજ પ્રમાણે પોલીસ કસ્ટડી (કબ્જા)માં આરોપીઓ, સાક્ષીઓના મૃત્યુ વિવિધતા ભર્યા હોય છે. પોલીસ કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય એટલે સૌ પ્રથમ અંગ્રેજોના જમનાની પોલીસની છાપ જ પ્રથમ ઉપસી આવે છે. પરંતુ આ ભૂતકાળની છાપને કારણે અમુક તકસાધુઓ ઘણી વખત પોલીસ નિદોર્ષ હોવા છતાં સમાજના રક્ષક (અને લોકશાહીના પણ ખરાજ) પોલીસને જ બીનજરૂરી રીતે ખોટી રીતે આરોપીના કઠેડામાં ઉભી કરી દઈ પોલીસ દળનું મનોબળ ઓછુ થઈ જાય તેવા ષડયંત્રો કરતા હોય છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે મૃત્યુ તો અનેક પ્રકારના હોય છે જેમાં સૌ પ્રથમ તો લોકો માને છે તે પોલીસના મારથી પણ મૃત્યુ પામે તે પછી આરોપીઓ કે સાક્ષીઓના કુદરતી મૃત્યુ કેટલાક નબળા મનની વ્યકિતઓ ધરપકડનો હાઉ, ભય અને આધાતને કારણે હાર્ટ એટેક આવતા મૃત્યુ પામે છે. તો કેટલાકને આબરૂ જવા બીક કે હવે આપણુ નામ પોલીસના ચોપડે ચડયુ હવે સમાજમાં શું મોઢુ દેખાડીશું તેની ચિંતા વ્યગ્રતામાં પણ હૃદય રોગનો હુમલો આવી જાય છે. કેટલાક તો બીમાર જ હોય છે. હૃદય નબળા કે ફેફસા નબળા હોવાથી આવો પોલીસ ધરપકડનો આઘાત લાગતા જ ડુકી જાય છે. તો કેટલાક ગંભીર ગુન્હામાં હવે જામીન નહી મળે તો શું થશે તેની બીકથી પણ થંભી જાય છે.
તો કેટલાક આરોપીઓ વિવિધ કારણો અને વિવિધ પધ્ધતિથી પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લે છે જેમકે ઝેરી ડ્રગ્ઝ કે ટીકડીઓ ખાઈને ગળેફાંસો ખાઈને કયારેક પોલીસના કબજામાંથી છટકીને ઉંચી જગ્યા ઉપરથી જાતે છલાંગ મારીને કે જાહેર રસ્તે ચાલતા જતા વાહન નીચે કુદી પડીને કે વાહન ઉપરથી કુદી પડીને મૃત્યુ પામતા હોય છે. મૃત્યુ ગમે તે પ્રકારે થાય. પરંતુ પોલીસ ઉપર આક્ષેપો કરવાની ફેશન થઈ ગઈ છે. જૂની છાપને કારણે હલકુ નામ હવાલદારનું એ ન્યાય !
કેવા સંજોગોમાં ન્યાયિક
અને સાચી તપાસ થાય ?
લોકશાહીની એક પ્રક્રિયા ન્યાય પૂર્વેની તપાસ માટે પોલીસ ફરિયાદી અને સાક્ષીઓએ આપેલા પૂરાવા મુજબની જ કાર્યવાહી કરતી હોય છે. પરંતુ ઉપર જણાવેલ કુદરતી કે અકૂદરતી સંજોગોમાં આરોપી કે સાક્ષી મૃત્યુ પામે તો મરનારના સગાઓ આ મોતનો બળાપો તાત્કાલીક કોની ઉપર કાઢે ? પક્ષકાર એટલે કે ફરિયાદી વિરૂધ્ધ તો શું કરી શકે ? આવા સંજોગોમાં છીંડીએ ચડયો તે ચોર તે ન્યાયે તાત્કાલીક તો પોલીસ ઉપર જ દાઝ કાઢી નાખવાની મોટાભાગે આવું બનતુ હોય છે ઠીક છે. પક્ષકાર લોકો તો વ્યકિતગત ગમા અણગમાને કારણે ગમે તે આક્ષેપો કરે પરંતુ પોલીસ ખાતાના અધિકારીઓ કે તંત્ર કે સરકાર પણ જયારે આવી બાબતમાં હૈસો હૈસો કરરીને સામેલ થાય ત્યારે ન્યાય તંત્રનો એક ભાગ જ ગણી શકાય તેવો ગુન્હાની તપાસ કરનાર પોલીસ અધિકારી ડઘાઈહેબતાઈ જઈને કે આક્ષેપોના ભયને કારણે જો પક્ષપાતી તપાસ કરે તો ફરિયાદીને ન્યાયશું મળવાનો ? બુધ્ધિજીવીઓ એ આ વિચારવા જેવું છે. હા, ચોકકસ પોલીસ ધરપકડ થયેલી વ્યકિત સાથે થર્ડ ડીગ્રી વાપરે તો કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ પરંતુ કુદરતી મોત કે અકસ્માત મોતના બનાવમાં અમુક જ્ઞાતિ કે કોમને મતબેંક સમજીને કે બીજા આર્થિક અને અન્ય લાભો માટે જો રાજકારણીઓ, અમુક એન.જી.ઓ કે સંસ્થાઓ કે સંગઠનો અને ઘણી વખત તો સરકાર પણ તેમાં સામેલ થાય તો પછી પોલીસ અધિકારીઓ તટસ્થ અને ન્યાયીક તપાસ શું કરશે? તો પછી તટસ્થ ન્યાય અને કાયદો કયાં રહેવાનો ?
કાયદાનું શાસન કોને કહેવાય ?
લોકશાહી એટલે કાયદા (બંધારણ)નું શાસન એમ કહેવાય છે અને તેના અમલી કરણને કારણે જ સમાજ વ્યવસ્થા અને તમામ વ્યવહાર સુપેરે ચાલતો હોય છે. પરંતુ જયારે આ રીતે અમુક કોમી તૃષ્ટિગુણ મતબેંકો સાચવવા અથવા કોણ લપમાં પડે અને પરિસ્થિતિ તાત્કાલીક થાળે પાડવા માટે જો નિર્દોષ પોલીસ અધિકારીઓ ને જ પ્રોસીકયુટ કરવામં આવે તો લાંબાગાળે સમાજમાં પેલી કહેવત મુજબ ‘મારે તેની તલવાર’ તેવો વ્યવહાર (કાયદાને બદલે) માહોલ બને તો અમૂક લોકો અમૂક ખાસ જ્ઞાતિના એટલે તેમને બધી છૂટ તેવી છાપ પડે અને આમ સમગ્ર સમાજ જ સરકારી રહેમ દ્રષ્ટિ તળે અમૂક આવા સમાજની જ્ઞાતીથી ડરતો ફરે ટુંકમાં સરકારી ધોરણે અમૂક જ્ઞાતિઓને ગુંડાગીરી કરવાની છૂટ એવું ઉદાહરણ બને તો લોકશાહી અને કાયદાનું શાસન કયાં રહ્યું ? દા.ત. વ્યકિતગત ગેરકાયદેસરમાગણીઓ માટે આંદોલનના નામે જનતાની કરોડો રૂપીયાની સંપત્તિનો નાશ કરવાનો, જનતાને દિવસો સુધી ચકકાજામ કરી બાનમાં લેવા હુલ્લડો કરવા છતા આખરે સરકાર દ્વારા જ આ કેસો પાછા ખેંચવામાં આવે તો તેમાં કાયદાનું શાસન કયાં રહ્યું ? કાયદો આખરે તો જાહેર જનતા માટે છે નહિ કે સમાજનો અમૂક ભાગ તેમાંથી બાદ થાય આ બાબતનો મુળભૂત રીતે ખ્યાલ રાખવો જોઈએ અને પોલીસ દળના કર્મચારીઓ પણ જનતાનો જ એક ભાગ છે તે કાંઈ પર ગ્રહમાંથી આવેલ એલીયન્સ નથી કે પરદેશી કે નથી દુશ્મન, પરંતુ ભારતનાં બંધારણ મૂજબ કાયદાનું શાસન સમાજમાં જળવાય રહે તે માટેનો સમાજમાંથી પસંદ કરેલા અમૂક લોકોનો સરકારનો એક વિભાગ જ છે. ડોકટર જેમ દર્દ દૂર કરવા માટે શરીરના ભાગોની કાપકૂરે છે. તે તેની ફરજનો ભાગ છે. તેમ ભયંકર તોફાનોમા જો પોલીસ માસ્તરની જેમ હાથ જોડયા કરે તો કાંઈ તોફાનીઓ માને કે સમજે નહિ અને સમાજનું રક્ષણ પણ થાય નહિ, કાયદા મુજબ આવા ઝનૂની તોફાનીઓને વિખેરવા સમયાંતરે જરૂરી બળ પરિસ્થિતિ મજબ વાપરવું જ પડે જેમકે પ્રથમ ગેસ છોડવાનો તેની અસર ન થાય તો લાઠી ચાર્જ અને જો પરિસ્થિતિ જીવલેણ બને (જીવલેણ પોલીસ માટે પણ કેમકે તેઓ પણ આ દેશનાજ નાગરીકો છે અને સરકાર વતી સમાજનું રક્ષણ કાર્ય કરી રહ્યાં હોય છે.) તો જાહેર હિતમાં, આમ સમાજ અને સ્વરક્ષણમાં ગોળીબાર પણ કરવો પડે તેવી કાયદામાં જોગવાઈ છેજ જો સંજોગો પ્રમાણે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં ન આવે તો પીંઢારા યુગ જેવી જ પરિસ્થિતિ સર્જાય તે હકિકત નિર્દોષ અને સમજૂ તેમજ તટસ્થ, પ્રબુધ્ધ નાગરીકો જાણે છે પરંતુ તેમનો જાહેરમાં કોઈ અવાજ નથી હોતો તેઓ પ્રેક્ષકની જેમ જોતા હોય છે.જયારે તોફાનીઓ પાછળ તો ષડયંત્ર રૂપી રાજકારણીઓ નેતાઓ દ્વિઅર્થી નિવેદનો ઝીંકતા હોય છે. અને કપટનીતિના ભાગરૂપ કાયદાના નિષ્ણાંતોની સલાહ પણ લઈને ખોટી હકિકત ટવીસ્ટ કરી મીડીયામાં રજૂ કરતા હોય છે. જેથી દોષનો ટોપલો જાય પોલીસ ઉપર. અમુક સમયે પ્રબુધ્ધ નાગરીકો આ હકિકત જાણતા હોવા છતા તેમનું કોઈ ખાસ આ બનાવ સંબંધે સંગઠન નહિ હોય કોઈ સત્ય નહિ જણાવી ફકત સરકાર જાણે ને તેનું કામ જાણે તેમ માનીને બેઠા રહે છે. અમૂક સમયે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર પણ સત્ય હકિકત જાણતી હોય છે. છતા અમૂક કોમના લોકો લાશના ઉપાડે કે ઘેરાબંધી અને ચકકાજામ કરે એટલે રાજકારણી મતબેંક તૂટવાના ભયથી જ ટુંકો રસ્તો એટલે પોલીસ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી દેવો તેવો રસ્તો અપનાવાય છે. પછી ભલે પોલીસ નિર્દોષ હોય હા જો પોલીસે ગુન્હો કર્યો જ હોય તો કાર્યવાહી થાય જ પણ અમૂક જ્ઞાતીનો તૃષ્ટિગુણ સંતોષવા જ જો કાર્યવાહી કરવામાં આવે તો પછી પોલીસ અધિકારીઓ કાયદાનું પાલન કરાવવા મોરચો શું માંડવાના ? અમૂક ને વતાવવા ના જ નહિ પછી સમાજનું ભલે જે થવાનું હોય તે થાય તો સમાજમાં કાયદાનું શાસન કયાંથી રહે ?
મેરી આવાજ સુનો…
અમુક તોફાની ગુનેગાર તત્વો બદલાની ભાવનાથી સરકારને કે ઘણી વખત તો સમાજના અન્ય ભાગોને પણ બતાવી દેવા માટે તોફાની હુમલા કરતા હોય છે. પરંતુ તેનો ભોગ પ્રથમ તો પોલીસ જ બને છે તો વળી અમુક ગુનેગારો તો ધરપકડ પહેલા જ કે ધરપકડ પછી પોલીસ કસ્ટડીમાં ઝેરી ટીકડીઓ ખાઈને હોસ્પિટલમાં દાખલ થઈ મનફાવે તેવા રાજકીય કે કોમી દ્રષ્ટિએ ઉશ્કેરણીજનક નિવેદન દઈને જે તે ગુન્હાની તપાસ કરનાર પોલીસ અધિકારીને દુ:ખી દુ:ખી કરી દેતા હોય છે. તેમાં પણ જો આવા ઈસમનું મૃત્યુ થાય એટલે તપાસ કરનાર પોલીસ અધિકારીની જીંદગીનું તો વગર કારણે પૂર્ણ વિરામ જેવું થઈ જાય ! તે પછી તે નોકરી કરવા જેવો તો ઠીક પણ કુટુંબ કે સમાજનો પણ રહેતો નથી. ટુંકમાં જેમ લશ્કરમાં ભરતી થવું એટલે સરહદ ઉપર લડતા લડતા શહીદ થવાની તૈયારી રાખવાની તેમ પોલીસ દળમાં ભરતી થવું એટલે લોકશાહીકાજે કાયદાની અમલવારી કરતા કરતા આવા સમાજના દુશ્મનોનો ભોગ બની મૃત્યુ કે અર્ધમૃત્યુ પામવા બરાબર જ બનતું હોય છે.
પોલીસ ઉપર આવી ખોટી અને અણધારી આફતનો એક કિસ્સો ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં બનેલો ફોજદર જાડેજા નિષ્ઠાવાન કાયદાના નિષ્ણાંત અને નિયમસર જ ચાલવા વાળા હતા મહુવામાં એક ગુન્હો જમીન કે મિલ્કત સંબંધેના વિવાદ નો દાખલ થયો. ફોજદાર જાડેજાએ કાયદા મુજબ તપાસ ચાલુ કરી તપાસ તો તપાસની રીતે જ ચાલતી હતી પરંતુ પક્ષકારો જેમ પોલીસને હંમેશા હાથો બનાવી ને પોતાનો ઉદેશ સિધ્ધ કરવા માગતા હોય તે તો સમજયા પરંતુ કયારેક પોલીસ દળના જ સુપરવિઝન અધિકારીઓનું પણ કાંઈક લૂંટાઈ જતુ હોય તેમ તપાસમાં બીન જરૂરી રીતે બે નંબરનો ચંચુપાત કર્યા કરતા હોયં છે. પરંતુ ફોજદાર જાડેજા તો કાયદે આઝમ હતા તેમણે જણાવી દીધું કે તો તપાસ અન્ય અધિકારીને સોંપવા હુકમ કરો અથવા જાતે થી સંભાળી લો પરંતુ આ તપાસ વિવાદી હોઈ કોઈ સંભાળવા તૈયાર નહતુ. દરમ્યાન ફોજદાર જાડેજા તપાસ અર્થે બહાર ગામ હતા અને સુપરવિઝન અધિકારીએ આ કેસના એક સાક્ષી ને પોતાનીપાસે પૂછપરછ માટે બોલાવ્યા કાયદેસર રીતે તો ભલે પૂછપરછ કરી લે પણ સાક્ષીને પુછપરછ કરી લીધા પછી ઘેર જવા દેવાને બદલે પોલીસ સ્ટેશને મોકલી દીધા અને કહ્યું કે ફોજદાર જાડેજા તમારૂ વિશેષ નિવેદન લે ત્યાં સુધી પોલીસ સ્ટેશન ખાતે જ હાજર રહેજો.
આ સાક્ષી સુખી સંપન્ન પરિવારના તો હતા જ પરંતુ વયોવૃધ્ધ પણ હતા કદાચ તેમણે જીંદગીમાં આવું કાંઈ જોયેલું નહિ તેમાં પણ પોલીસ સ્ટેશનતો જોયેલું જ નહિ તે દિવસે કમનસીબે ફોજદાર જાડેજા ને ગામડામાંથી તપાસ કરીને પાછા મહુવા આવતા મોડુ થયું રાત્રીના નવ વાગી ગયા અહિ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સજજન સાક્ષી કંટાળ્યા તો ખરાજ પરંતુ ખુબ દુ:ખી થઈ ગયા કે આ શું? ફરિયાદ કરવી એ પણ ગુન્હો? આથી તેમને દિલનો દોરો પડયો હૃદયથંભી ગયું અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું. ખલાસ પોલીસ ઉપર પસ્તાળ પડવાનું ચાલુ થયુ આ પસ્તાળ પાડવાનું કાર્ય કર્યું મૃત્યુ પામનારના કુટુંબીજનો દ્વારા નહિ પરંતુ ખાટ સ્વાદીયા રાજકારણીઓ અને પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા જ, જવાબદારી ફેકવા પોતે હરીચંદ્ર છે તે બતાવવા આવું કરવું પડે !
આમ જુઓ તો ફોજદાર જાડેજાની કસૂર ફકત એટલી જ હતી કે તેઓ આ ગુન્હાની તપાસ કરતા હતા, તેમણે સાક્ષીને બોલાવ્યો પણ નહતો કે જોયો પણ નહતો તેજ પ્રમાણે મૃત્યુ પામનાર સાક્ષીના કુટુંબીજનો ને ફોજદાર જાડેજા પ્રત્યે કોઈ ફરિયાદ પણ નહતી કારણ કે સાચી હકિકત તેઓ જાણતા હતા પોલીસ ખાતામાં જેમ અનેક ચમત્કારો થયા કરતા હોય છે તેજ પ્રમાણે ઈન્કવાયરીનો ચમત્કાર થયો, ઈન્કવાયરીમાં ફોજદાર જાડેજાને કસુરવાન ઠેરવ્યા. આ મામલાનો અહેવાલ અધિકારી પંચને પણ મોકલવામાં આવેલો ટુંકમાં છેલ્લે ફોજદાર જાડેજાને દંડ થયો અને ખૂબજ મોટી રકમનું વળતર ભોગ બનનારના કુટુંબને ચૂકવવા હુકમ થયો જોકે મૃત્યુ પામનાર સાક્ષીના કુટુંબીજનોએ તો લખાણ કરીને અરજી કરીકે પોતાને કોઈની સામે ફરિયાદ નથી અને કાંઈ પણ વળતર જોઈતું નથી છતા ખાતા દ્વારા મસમોટી રકમનું વળતર ફોજદાર જાડેજાને જ ચૂકવવા હુકમ થયો ! જો કે તે સમયની સરકાર તો બીચારી ગરીબ હતી તેશું કરી શકે અને આવડી મોટી રકમ પણ કઈ રીતે ચૂકવી શકે તે વિકટ પ્રશ્ર્ન હતો સરકાર માટે !
ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે !
ટુંકમાં પોલીસ દળમાં આવા અનેક ચમત્કારો; થતા જ હોય છે જેના સમાચારો કોઈ દૈનિક પત્રોમાં પણ આવતા નથી કેમકે શિસ્ત બધ્ધદળના કર્મચારી તરીકે આવી કોઈ માહિતી પ્રેસ કે મીડીયા ને આપતા નથી તેથી સમાજના ધ્યાન ઉપર આવતી નથી વળી પોલીસ દળમાં તો શિસ્તબધ્ધતા ને કારણે કર્મચારીઓ વ્યાજબી રજૂઆતો કરતા પણ અચકાતા હોય છે કે કયાંક કિન્નાખોરીથી બીજી મુશ્કેલીઓ ઉભી ન થાય કેમકે ફીલ્ડમાં કામ કરતા પોલીસ કર્મીઓને તો સાંજ પડયે ઝાળમાં લઈ શકાય તેવા સંજોગો હોય ગમે તે ઘડીએ બદલી ફરજ મોકૂફીના પગલા લઈ શકાય તેવી સ્થિતિ હોય છે.
પીઆઈ જયદેવને પણ ભૂતકાળમાં આવોજ કડવો અનુભવ અમરેલી જીલ્લાનાં બાબરા પોલીસ સ્ટેશનમાં થયેલો જુઓ પ્રકરણ ૧૧૫-૧૧૬ આધૂનિક બહારવટીઆઓ.
હવે તો પોલીસનું કામ એવું તલવારની ધાર ઉપર ચાલવા જેવું થઈ ગયું છે કે આરોપીઓ આક્ષેપો કરે તેતો સમજયા પરંતુ ઉપરોકત બંને કિસ્સા મહુવા ફોજદાર જાડેજા અને બાબરા ખાતેનો ખૂદ જયદેવનો અનુભવ એવો હતો કે સાક્ષીઓ અગમ્ય કારણોસર તકલીફો થતા મુંઝાતા મૃત્યુ પામ્યા ભલે કસ્ટોડિયલડેથ પરંતુ મૃત્યુ પામનારના કુટુંબીજનોતો કોઈ આક્ષેપો કરતા નહતા કારણ કે તપાસ કરનાર ફોજદારો નો કોઈ દોષ જ ન હતો, પણ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ જ કાર્યદક્ષ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના મોરલ ડાઉન થાય તેવા હુકમ કરતા હતા ઉચ્ચ અધિકારીઓની આવી માનસિકતા એ ડરપોક પણૂ અને જવાબદારી ફેંકવાની વૃત્તિ છતી કરે છે. આમ જોઈએ તો આવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી વૃત્તિ એ જનતાની કુસેવા જ ગણાય કેમકે પોલીસ ખાતાના કર્મચારીઓનું મોરલ આવા કારણોસર નીચુ જાય તો પછી અસામાજીક તત્વો સામે આ કર્મચારીઓ શું કડકાઈથી કાર્યવાહી કરવાના ? અને તેમ થતા નિર્દોષ જનતાને શું ન્યાય મળવાનો અને પછી તેમાં બંધારણીય કાયદાઓનું શાસન કઈ રીતે સ્થાપી શકાય ? આ પછી લોકશાહીતો નામની જ રહે કેમકે તે પછી સમાજમાં પોલીસની નબળાઈને કારણે અસામાજીક તત્વો સજજન લોકો ઉપર હાવી થઈ જાય પછી સજજન અને શાંતિપ્રિય લોકોએ શોષાવાનું દબાવાનું અને ભોગવવાનું જ રહે. આથી આવા કસ્ટડીયલ ડેથ (મૃત્યુ)ના બનાવોમાં આ સંવેદનશીલતાથી ન્યાયીક રીતે તપાસો, ઈન્કવાયરીઓ થાય તે જરૂરી છે નહી કે અમૂક જ્ઞાતીની મતબેંકો સાચવવા તેમને ખુશ કરવા કે પોતાના ઉપર જવાબદારી આવી પડશે તો? તેવી માનસિકતાથી પોલીસ વિરૂધ્ધ ખોટી કાર્યવાહી કે હુકમ કરીને મામલો તાત્કાલીક તો થાળે પડે પણ લાંબાગાળે તો તેમાં લોકોનું સમાજનું અહિત થાય તે નકકી છે. હા, જરૂર જો પોલીસનો દોષ હોય તો જે કાર્યવાહી થતી હોય તે કરવી જોઈએ પણ બંધારણીય રીતે કાયદાએ જે જાહેરહિતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે અધિકારો સતા આપી છે. તેને પણ અવગણવી જોઈએ નહિ તમામ તંત્રો અને સરકારે પણ ઉજળી લોકશાહી અને આમ જનતા શાંતિથીજીવન જીવી શકે તે માટે ચોકકસ પણે પોલીસના કાયદાકીય અધિકારો જાહેરહિતમાં જે તે સમયનાં સંજોગો પ્રમાણે પગલા લીધા હોય અને કાર્યવાહી કરી હોય તેને પણ ધ્યાને લેવા જોઈએ આખરે સમાજ સજજન, શાંતિ પ્રિય અને કાયદાને માન આપનાર લોકો માટેનો જ છે. આવા લોકોનો માનવ અધિકાર પહેલો હોવો જોઈએ કે નહિ બીજાના માનવ અધિકારો પર તરાપ મારનારા અસામાજીક્ ગુન્હેગારોનો. ફકત બીજાના માનવ અધિકારો ઝુંટવતા ગુનેગારો નાજ માનવ અધિકારો માટે કયાંક સમગ્ર સમાજનો અને દેશના કાનૂનની અમલવારી કરતા રક્ષકો જવાનોના માનવ અધિકારોનું હનન ન થાય તે પણ જોવું જોઈએ પ્રબુધ્ધ નાગરીકો, અમલદારો અને શાસકોએ પણ આ ધ્યાન રાખવાની જરૂરત છે.
આ દેશના પ્રબુધ્ધ નાગરીકોએ, તમામ અધિકારીઓએ, તમામ તંત્રોએ દેશની લોકશાહીના ઉજળા ભવિષ્ય માટે ભવિષ્યની પેઢીઓ, શાંતિથી પોતાના પુરૂષાર્થના ફળો ભોગવી શકે તે માટે આ મુદે ગહન રીતે વિચારવાની જરૂરત છે. જેથી રાજકીય રીતે કે વ્યકિતગત રીતે જે મનસ્વી હુકમો કે કાર્યવાહી પોતાના લાભ સારૂ, અમુક લોકોનો તૃષ્ટિગુણ સંતોષવા માટે કરવામાં આવે છે તે બંધ થાય તો જ દેશમાં ખરેખર ‘દિસે અરૂણુ પ્રભાત’ની કલ્પના સાકાર થશે.
પીઆઈ જયદેવને આવા વધુ કડવા અનુભવો ભૂજમાં થયા તે જુઓ.