સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટણી પંચે અપક્ષ ઉમેદવારો માટે ૧૬૨ ચૂંટણી ચિહ્નો કર્યા જાહેર
રાજ્યનો છોટા ઉદેપુર જિલ્લો કદાચ ટેકનોલોજીમાં પછાત હશે પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ટેકનોલોજીના સંસાધનો જેવા કે, લેપટોપ, હેડફોન, સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોથી સજ્જ થયા છે. આ તમામ સંસાધનો ખરા અર્થમાં આ જિલ્લામાં ફિઝિકલી જોવા નહીં મળે પરંતુ અપક્ષ ઉમેદવારોના ચૂંટણી ચિન્હ તરીકે આ ઉપકરણો જોવા મળશે.
ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો માટે કુલ ૧૬૨ ચૂંટણી ચિહ્નો બહાર પાડ્યા છે જેમાં ટેકનોલોજીને લગતા ઉપકરણો જેવા કે, પેનડ્રાઈવ, હેડફોન, કમ્પ્યુટર માઉસ, મોબાઈલ ફોન ચાર્જર, લેપટોપ, સીસીટીવી કેમેરા, નૂડલ બાઉલ, વેક્યુમ ક્લીનર સહિતના ઉપકરણોનો સમાવેશ કરાયો છે.
આધુનિક ઉપકરણોના ચિન્હ ચૂંટણી ચિન્હ તરીકે સામે આવતા ઉમેદવારો અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આદિવાસી અને પછાત વિસ્તાર હોવાથી અહીં ટેકનોલોજીનો વ્યાપ અન્ય જિલ્લા જેવો નથી. યુવાનો આધુનિક ઉપકરણોથી વાકેફ હોય છે પરંતુ અન્ય વર્ગ આ પ્રકારના ઉપકરણોથી અજાણ હોવાથી તેની અસર મતદાન પર દેખાય તેવો ભય અપક્ષ ઉમેદવારોને સતાવી રહ્યો છે.
જ્યારે ઘણાં ઉપકરણો ઉમેદવારોના ચૂંટણી ચિહ્નો બનીને જીવનપદ્ધતિ બની ગયા છે ત્યારે કેટલાક મતદારો તેમની સાથે સંબંધ રાખી શકશે નહીં તેવી મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. અગાઉથી નોંધાયેલ પક્ષોના કુલ ૫૩ નિશ્ચિત ૫૩ પ્રતીકો છે ત્યારે અપક્ષો ઉમેદવારો તેમના પ્રતીકો પસંદ કરવા માટે છેલ્લા બે દિવસમાં વહીવટી કચેરી ખાતે દોડધામ કરી રહ્યા છે.
કુકરડા ગામના પૂર્વ સરપંચ અંબાલાલ ડુંગરા ભીલ કે જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે, જો ચૂંટણી ચિન્હમાં મોબાઇલ ફોનનું પ્રતીક હોત તો અમારી પેનલ તરત જ તે પસંદ કરી લેત કેમ કે, દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે. પરંતુ જો મોબાઇલ નહીં હોય તો અમારી પાસે ત્રણ પસંદગીઓમાંથી એક તરીકે ફોન ચાર્જર હશે.
અપક્ષ ઉમેદવારી કરનાર અન્ય એક જયંતિ ભીલે કહ્યું હતું કે, ઘણાં ખરા મતદારો મોટાભાગના ઉપકરણોથી વાકેફ જ નથી જેના કારણે તેઓ આ ચિહ્નો યાદ રાખી શકશે નહીં. પરંતુ સીસીટીવી કેમેરા અથવા લેપટોપ યુવાનોને આકર્ષિત કરી શકે છે જેથી મેં સીસીટીવી કેમેરાને ચૂંટણી ચિન્હ તરીકે પસંદ કર્યું છે.