સિંચાઈ વિહોણા માળીયાના  બાવન ગામ દ્વારા ચાલતા આંદોલનમાં વડાપ્રધાન મોદી ને પત્ર લખી રજુઆત

મોરબી:માળીયાના સિંચાઈ વિહોણા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન અન્વયે નર્મદા ડેમ રાષ્ટ્રને લોકાર્પણ કરનાર વડા પ્રધાન મોદીને પત્ર લખી આંદોલન સમિતિએ માંગ કરી હતી કે તમે પાણી આપો કેનાલ અમારા ખર્ચે બનાવશું! વધુમાં વડાપ્રધાનને કરાયેલ રજુઆતમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય ઉપર પણ ખેડૂતોએ બેફામ આક્ષેપો કર્યા છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ સરદાર વલ્લભભાઈ પટેલે જોયેલું સ્વપ્ન અને શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા જેનું ખાત મૂહર્ત થયેલું તેવી નર્મદા યોજનાને લોકાર્પણ કરતા જણાવેલ છે કે નર્મદાના નીર પારસ છે જે ધરતીને સ્પર્શે તે સ્વર્ણિમ બની જાય. આપના આ શબ્દો સાંભળીને અમો આપને એક વિનંતી કરવા માંગીએ છીએ. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અમારા ૫૨(બાવન) ગામના ખેડૂતોનો અવાજ સંભળાતો નથી અને અમારા વિસ્તારના ધારાસભ્ય કે સંસદસભ્ય આ બાબતમાં કઈ કરે તેમ નથી, તેથી અમો આપને રજૂઆત કરીએ છીએ કદાચ અમારા ૫૨(બાવન) ગામના ખેડૂતોના નસીબ ખુલી જાય.

મોરબી જીલ્લાના માળિયા તેમજ મોરબી તાલુકામાં ૫૨(બાવન) ગામો એવા છે જેમાં કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી. આ ગામના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી નર્મદાની સૌની યોજનાની કેનાલ દ્વારા સિંચાઈની સુવિધાની માંગણી કરી રહ્યા છે. સૌની યોજનાના મધરડેમ તરીકે મોરબીનો મચ્છુ  ૨ ડેમ છે અને આ ડેમ દ્વારા જ અન્ય દુરના વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોચાડવાનું છે તો મોરબીના જ મોરબી અને માળિયા તાલુકાના આ ૫૨(બાવન) ગામોને નર્મદા નું નીર આપવા માટેની અમારા ૫૨(બાવન) ગામના ખેડૂતોની માંગણી છે. આ વિસ્તારના ધારાસભ્ય કે સંસદસભ્ય એમને આ વિસ્તારની જરૂરના હોય તેવી રીતે આ પ્રશ્ન માટે કઈ જ કરતા નથી. મુખ્યમંત્રીશ્રીને પણ આ ખેડૂતોને સંભાળવાનો સમય નથી.

અમારી આપ સાહેબને વિનંતી છે કે એકાદ મોટો રોડ શો કે લોકાર્પણના કાર્યક્રમ કરતા પણ ઓછા ખર્ચમાં ૫૨(બાવન) ગામના ખેડૂતોને નર્મદાના નીર સિંચાઈ માટે આપી શકાય તેમ છે તો અમોને નર્મદાના પાણી આપો. જો આપને ઉત્સવો જ પ્રિય હોય તો અમોને અમારા ખર્ચે નર્મદાના પાણી આપો. અમો ખેડૂતો અમારા ખર્ચે કેનાલ બનાવી લેશું પરંતુ અમોને પાણી આપો. અમોને નર્મદાના પારસ નીરના દર્શન કેનાલ દ્વારા કરવો. અમારી ધરતીને પણ સ્વર્ણિમ બનાવો. આપ શ્રી દ્વારા સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાતો છાશવારે થતી હોય છે પરંતુ અમારી આપને વિનંતી છે કે અમારા ૫૨(બાવન) ગામોને માટે બીજું કઈ ના કરો તો કઈ નહિ પણ આ ગામો જેવા છે તેવા રહી શકે તે માટે અમારી આ યોગ્ય માંગણી પૂર્ણ કરો. સિંચાઈના પાણીના અભાવે અમારા ગામડાઓ ભાંગી રહ્યા છે. અમારા ખેડુતો પાયમાલ થઇ રહ્યા છે અને ના છૂટકે તેઓને હિજરત કરવી પડે છે. અમોને સિંચાઈની કેનાલ આપી ગામડા ભાંગતા અટકાવવા રજૂઆતના અંતે માંગણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.