રાજકોટમાં રૂડાએ બનાવેલા આવાસોની ફાળવણી અને આવાસોની કિમત ઘટાડ્યા પછી પરત આપવાના થતાં રૂ. 6 લાખની વાતમાં સંબંધીતોની સંતાકૂકડીથી નારાજ ફ્લેટધારકો સોમવારે કાલે રૂડા ના ચેરમેન કમ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ યોગ્ય કરવાની માંગ સાથે ખોળો પાથર્યો હતો. ‘રૂડા’ દ્વારા ટીપી-9 (મુંજકા મોટામવા) ફાઈનલ પ્લોટ નં.20/એ, ઈસ્કોન મંદિર પાછળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ પાસે 13 માળની 192 એમ.આઈ.જી પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 2020માં આ આવાસો માટેનો પ્રથમ ડો યોજાયો હતો, તા.31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આવાસોનો લાભાર્થીઓને કબજો આપવાની વાત હતી. કોઈ લેવાલ ન મળતા બીજી વખત પણ આ આવાસ યોજનાનો ડ્રો થયો અને કુલ 54 લાભાર્થીને ફ્લેટ લાગ્યાં જો કે, બે વર્ષ સુધી તેનો કબજો ‘રૂડા’ આપી શક્યું ન હતું. હવે આ વિસ્તારમાં કોર્પોરેશનની હદમાં ભળી ગયો છે.
પૈસા ભરી દીધાને મહિનાઓ વીતી ગયા હવે ફ્લેટનો કબ્જો સોંપો: રૂડાના ચેરમને સમક્ષ રજૂઆત
ફ્લેટધારકો કહે છે કે આ આવાસ યોજનાને શિવશક્તિ કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી’ નામ આપવામાં આવ્યું છે, અહીના આવાસધારકો કહે છે કે, બે વર્ષથી તેઓ પોતાના ફ્લેટ મેળવવા આમથી તેમ રઝળી રહ્યા છે પણ બધાને સત્તાધીશો જવાબદારી બાબતે “સંતાકૂકડી અને ખોખો” રમતા હોવાનો અનુભવ થાય છે. ઉલ્લેખનીય છે કે, 12 – એપ્રિલ- 2023માં જનરલ બોર્ડ બેઠક્માં આ આવાસ યોજનાનો કબજો ફ્લેટધારકોને સોંપી દેવા 6 લાખ પરત માટે ની વાત થઇ હતી પરંતુ હજુ સુધી તેની સોંપણી કરવામાં આવી નથી. સત્વરે આવાસના કબજાની સાથોસાથ લેણા નિક્ળતાં રૂ.6 લાખ પરત આપવા લાભાર્થી ફ્લેટધારકોની માગણી છે. જો કે આ બાબતે કોઈ નિરાકરણ આવતું ન હોવાથી આવતીકાલે સોમવારે ફ્લેટઘારકોએ રૂડાના ચેરમેન કમ મ્યુનિસિપલ કમિશનરને મળી વ્યથા ઠાલવી હતી.
ફાયર સેફટીના સાધનો બે મહિનાથી લાગી ગયેલ છે છતાં કોઈ એ સાધનો ટેસ્ટ કરવા તેમજ ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ માટે કોઈ ઇન્સ્પેક્શનમાં આવતું નથી. વીજ તંત્ર દ્વારા દરેક ફ્લેટ ધારકોને મીટર પણ ફાળવી દેવામાં આવ્યા છે અને તેમાં પાવર સપ્લાય પણ આપીને લાઈટની વ્યવસ્થા પણ થઈ ગયેલી છે. ફાયરસેફ્ટીના સાધનો લાગી ગયાં છે પરંતુ કોઈ ટેસ્ટ કરવા આવતું નથી જેના કારણે બિલ્ડીંગ યુઝ ની પરમીશન સર્ટીફિકેટ મળતું નથી. સોલાર ઉર્જા સિસ્ટમની કોઈ વ્યવસ્થા રૂડા દ્વારા આ ફ્લેટ ધારકોને આપવામાં આવી નથી. આ રા.મ્યુ.કો.માં કોણ, કોનું સાંભળે છે ? તે નક્કી કરવામાં રાજ્યના સંબંધિત પ્રધાનો પણ ટૂંકા પડે તેવી લાભાર્થીઓની માર્મિક ટકોર ધ્યાને લેવા જેવી છે.
ફ્લેટઘારકોને બેવડો માર
ફ્લેટઘારકો કહે છે કે આ પ્રોજેક્ટને પૂર્ણ થવામાં વધુ સમય લાગતાં એક તરફ મકાન ભાડુ અને બીજી તરફ ફ્લેટધારકોને બેન્કમાં વધારાનું વ્યાજ ભરવું પડી રહ્યું છે. હવે આ પ્રકારના આવાસોની કિંમત સરકારે રૂ.24 લાખમાંથી ઘટાડીને રૂ.18 લાખ કરી નાખી છે. ત્યારે ભરાયેલી રક્મમાંથી રૂ.6 લાખ પરત આપવામાં પણ રૂડાના સત્તાધીશો યોગ્ય જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનો ફ્લેટઘારકોનો આક્ષેપ છે. લાભાર્થીઓ બીજી પણ અન્ય પણ વિગતો આપે છે કે, 6 લાખ પરત કરવા બાબત તા.14-2-2023ના રોજ રૂડાનો ઠરાવ થઈ ગયો છે.
30મી એપ્રિલ 2022 ના રોજ 54 લાભાર્થીઓએ 24 લાખ રૂપિયા રૂડાને ફ્લેટ પેટે ભરપાઈ કરી આપી હતી. 31 મી મે 2022ના રોજ લાભાર્થીઓ ને ઉપરોક્ત ફ્લેટ કબજો આપવાની વાત હતી પણ હજુ સુધી કોઈ તારીખ જાહેર કરાઇ નથી એટલે સો મણ જેવડો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે લાભાર્થીઓ ક્યારે ફ્લેટ ફાળવાશે/ લોકાર્પણ કરાશે ?