૧૯૫૭માં બનેલા આજી ડેમનો કબ્જો રાજકોટ મહાપાલિકાને સોંપવા તા.૨૦/૫/૨૦૦૮ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરી રાજય સરકારને મોકલાયો છે
રાજકોટવાસીઓના દિલ અને દિમાગમાં અનેરૂ સ્થાન ધરાવતો અને શહેરની જીવાદોરી સમાન ‘આજી’ ડેમનો કબ્જો હાલ સિંચાઇ વિભાગ હસ્તક છે આજીમાંથી દાયકાઓથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવતું નથી. માત્ર રાજકોટને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. આજી ડેમનો કબ્જો રાજકોટ મહાનગરપાલિકાને સોંપવા માટે આજથી ૧ર વર્ષ પૂર્ણ જનરલ બોર્ડમાં ઠરાવ કરી રાજય સરકારમાં મોકલવામાં આવ્યો હતો. જે મંજુરી માટે છેલ્લા ૧ર વર્ષથી ગોથા ખાઇ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી મુખ્યમંત્રી પણ રાજકોટના હોવા છતાં કોઇ કારણોસર આજીનો કબ્જે મહાપાલિકાને સોંપાતો નથી. જો કે થોડા સમય પહેલા સરકાર દ્વારા લાલપરી તળાવનો કબ્જો કોર્પોરેશનને સોંપાતા હવે ‘આજી’ પ્રશ્ર્ને પણ સરકાર ‘રાજી’ કરે તેવી આશા ઉભી થવા પામી છે.
રાજકોટની પાણીની તથા સિંચાઇની જરૂરિયાત સંતોષવા માટે વર્ષ ૧૯૫૭માં આજી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અગાઉ ડેમમાંથી સિંચાઇ માટે પાણી પણ છોડવામાં આવતું હતું. આજે પણ ડેમ નજીક બે સ્થળે કેનાલનું અસ્તિત્વના પુરાવા ઉપલ્બધ છે. આજી ડેમનું નિર્માણ કામ માત્ર રૂ. ૬૮.૪૫ લાખમાં પૂર્ણ થઇ ગયું હતું. રાજકોટ મહાનગરપાલિકાએ રૂા ૧૨૬.૯૫ લાખ સિંચાઇ વિભાગને ચુકવી દીધા હતા. દરમિયાન તત્કાલીન મેયર ધનસુખભાઇ ભંડેરીના કાર્યકાળમાં તા. ૨૦-૫-૨૦૦૮ના રોજ જનરલ બોર્ડમાં નં.૧૮ નો ઠરાવ પાસ કરવામાં આવ્યો કે રાજકોટ મહાનગરપાલિકાને આજી ડેમનો કબ્જો સોંપવામાં આવે તે સમયે રાજકોટ-રના ધારાસભ્ય વજુભાઇ વાળા રાજય સરકારમાં નાણામંત્રી તરીકે સત્તારૂઢ હતા એવું લાગતું હતું કે ખુબ જ ટુંક સમયમાં કોર્પોરેશનને આજી ડેમનો કબજો મળી જશે પરંતુ આવું ન થયું આજે ૧ર વર્ષથી વધુ સમયગાળો વિતી ગયો હોવા છતાં રાજય સરકારમાં આજીનો કબ્જો કોર્પોરેશનને સોંપવાનો ઠરાવ ગોથા ખાય રહ્યો છે. સિંચાઇ વિભાગ દ્વારા કોર્પોરેશન પાસે રૂ. ૫૧.૨૫ કરોડ પાણી ચાર્જ, ૧૮ કરોડની પેનલ્ટી, રૂ. ૩૧.૭૨ કરોડ પાણી ચાર્જ પરંતુ વ્યાજ અને રૂ. ૯.૧૬ કરોડ પેનલ્ટી પરનું વ્યાજ સહિત રૂ. ૧૧૦ કરોડની માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજય સરકારની વન ટાઇમ સેટલમેન્ટ યોજના અંતર્ગત માત્ર પાણી દરની રકમના રૂ. ૫૧.૨૫ કરોડ ભરપાઇ કરે તો બાકીની રકમ માફ તેવી જાહેરાત કરવામાં આવી છે.
સામા પક્ષે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે. આજી ડેમ બનાવવા માટે રૂ. ૬૮.૪૫ લાખનો ખર્ચ થયો છે જેની સામે વર્ષ ૨૦૦૫ સુધીમાં કોર્પોરેશને રૂ. ૧૨૬.૬૫ લાખ ચુકવી દીધા છે. અને હજી રૂ. ૧૫૧.૫૫ લાખ ચુકવી દેવાની તૈયારી દર્શાવી છે. આજીનો કબ્જો સોંપવા બાર વર્ષ પૂર્વ ઠરાવ કરાયા બાદ અવાર-નવાર પત્ર વ્યવહાર કરી રજુઆત કરવામાં આવી છે. છતાં સરકાર કોઇ જવાબ આપતી નથી. થોડા સમય પૂર્વ રાજય સરકાર દ્વારા રાજાશાહી સમયના લાલપરી તળાવનો કબ્જો મહાપાલિકાને સોંપવામાં આવ્યો છે તે બાદ હવે આજી માટે પણ નવી આશા ઉભી થવા પામી છે.
‘આજી’ માંથી વર્ષો પહેલા સિંચાઇ માટે પણ પાણી છોડવામાં આવતું હતું
૧૯૫૭માં આજી ડેમનું નિર્માણ રાજકોટને સિંચાઇ તથા પીવાનું પાણી પુરૂ પાડવા માટે કરવામાં આવ્યું હતું. ડેમમાંથી સિંચાઇ માટેની બે કેનાલો હતી એક કેનાલ થોરાળા તરફ જતી હતી. જયારે એક કેનાલ મારફત ડેમમાંથી આજી નદીમાં પાણી છોડવામાં આવતું હતું. જો કે વર્ષોથી સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી. માત્ર રાજકોટ શહેરને પીવા માટે પાણી આપવામાં આવે છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઇ રૂપાણીના અથાગ પ્રયાસથી વર્ષ ૨૦૧૭ થી આજી ડેમમાં સૌથી યોજના અંતર્ગત નર્મદાના નીર પણ છોડવામાં આવી રહ્યું છે. અને ડેમ પાંચ વાર નર્મદા નીરથી ભરાયો છે.
‘ભંડેરીજી આપના મેયર તરીકેના કાર્યકાળમાં ઠરાવ થયો હવે ‘આજી’ અપાવી કરો ‘રાજી
રાજકોટ મહાનગરપાલિકાને મેયર તરીકે જયારે ધનસુખભાઇ ભંડેરી સત્તારૂઢ હતા ત્યારે આજી ડેમનો કબ્જો સોંપવા કોર્પોરેશન દ્વારા તા. ૨૦-૫-૨૦૦૮ ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરાયા બાદ આજે ૧ર વર્ષ બાદ પણ રાજય સરકારે આજી કોર્પોરેશનને સોંપ્યો નથી. હવે ભંડેરી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા પાંચેક વર્ષથી સેવા આપી રહ્યા છે. ત્યારે તેઓએ અંગત રસ લઇ આજી કોર્પોરેશનને અપાવવા મહેનત કરવાની આવશ્યકતા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ રાજકોટનું ભલુ કરવામાં કયારેય પાછી પાની કરતો નથી. જો થોડી મહેનત કરવામાં આવે તો આજી કોર્પોરેશન હસ્તક આવી જાય તેમ છે.