મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને રજુઆત: શનિવારી બજારમાં ન્યુસન્સ વધશે તો બંધ કરી દેવાની પણ ચીમકી
શહેરનાં નાનામવા વિસ્તારમાં આંબેડકર ચોકમાં ભરાતી શનિવારી બજાર બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન આજે ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને શનિવારી બજાર ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવે તેવા મતલબની રજુઆત કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નાનામવા પાસે આંબેડકરનગરની સામેના પ્લોટમાં તેઓ દર શનિવારે બજાર ભરે છે અને સવારના ૬ વાગ્યાથી લઈ બપોરે ૨ વાગ્યા સુધી અઠવાડિયામાં માત્ર અડધો દિવસ જ અહીં બેસે છે. ગત ૨૭મી એપ્રીલથી અહીં બજાર બંધ કરી દેવામાં આવી છે અને બેસવા દેવામાં આવતા નથી જેના કારણે ૫૦૦ લોકોની રોજીરોટી પર અસર પડી છે. અહીં પલંગ રાખવા સહિતનો તમામ ચાર્જ મહાપાલિકામાં નિયમિત ભરવામાં આવે છે.
તેઓની પાસે રોજીરોટીનો અન્ય કોઈ સાધન ન હોય શનિવારી બજાર ભરવાની છુટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને તેઓને શનિવારી બજાર ભરવા માટે છુટછાટ આપી હતી. સાથો સાથ એ વાતની પણ તાકીદ કરી હતી કે, જીવરાજ પાર્ક સહિતનાં વિસ્તારોમાં એવા મતલબની ફરિયાદ મળી છે કે, શનિવારી બજારમાં દેશી દા‚નું પણ વેચાણ થાય છે જેના કારણે બજાર બંધ કરવામાં આવી છે. હવે પોલીસને સાથે રાખી નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવશે જો કોઈપણ પ્રકારનું ન્યુસન્સ માલુમ પડશે તો શનિવારી બજાર બંધ કરી દેવામાં આવશે.