નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીને પત્ર પાઠવી માંગ ઉઠાવી: સર્વિસ રોડના અભાવે ઉપલેટા અને ધોરાજી તાલુકા વચ્ચેનું અંતર વધી જતા લોકોને ભારે મુશ્કેલી
જૂનાગઢના તલીયાધર, વધાવી ગામોને સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. પરિણામે તે વિસ્તારના લોકોને લાંબુ અંતર કાપવું પડે છે. ત્યારે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધિકારીને પત્ર પાઠવી સર્વિસ રોડ આપવા માંગ ઊઠાવી છે. ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધિકારીને પત્ર પાઠવી જણાવાયું હતું કે, હાલ જેતપુર – સોમનાથ બાયપાસનું કામ પ્રગતિમાં છે. પરંતુ આ રોડમાં તલીયાધર, વધાવી સહિતના ગામોને સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી. પરિણામે સ્થાનિક લોકોને તેમજ ખેડૂતોને લાંબુ અંતર કાપવું પડે છે. ખાસ કરીને આ ગામો ઉપરાંત ઉપલેટા, ધોરાજી તરફનો ટ્રાફિક કે જે વાયા મજેવડી, પત્રાપસર કે વધાવી થઇને પસાર થાય છે જ્યાં સર્વિસ રોડના અભાવે બે તાલુકા વચ્ચેનું અંતર પણ વધી જાય છે. માત્ર સર્વિસ રોડના અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે બાયપાસ રોડ પરના અનેક ગામોના સરપંચો દ્વારા લેખીતમાં રજૂઆત કરાઈ છે. ત્યારે આ બાબતને ધ્યાને રાખી તલીયાધર, વધાવી સહિતના ગામોમાં સર્વિસ રોડ આપવા ધારાસભ્ય ભીખાભાઇ જોશી દ્વારા માંગ ઉઠવા પામી છે.