દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સના સુપ્રીમો મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ બદલામાં અજાણ્યા વ્યક્તિઓએ રૂ.20 કરોડની ખંડણી પણ માંગી છે. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુકેશ અંબાણીને ધમકી ભર્યો ઇમેઇલ ગઈકાલે સાંજે મળ્યો હતો. ઈમેલમાં લખ્યું હતું, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ઈમેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે આઈપીસીની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે.
દેશના ટોચના ઉદ્યોગપતિને ઇમેઇલ મારફત ધમકી મળતા તપાસનો ધમધમાટ, અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ 29 સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. તેમને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સિક્યોરિટીનો ખર્ચ મુકેશ અંબાણી આપી રહ્યા છે. આ ખર્ચ 40 થી 45 લાખ રૂપિયા પ્રતિ માસ થાય છે. અગાઉ તેને ઝેડ કેટેગરીની સુરક્ષા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, આઈબીની ભલામણ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો હતો. આઈબીએ મુકેશ અંબાણી પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
અગાઉ અનેક વખત મુકેશ અંબાણી અને રિલાયન્સને નુકસાન પહોચાડવાની ધમકી મળી ચુકી છે
15 ઓગસ્ટ 2022ના રોજ પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતા. ફોન કરનારે ધમકી આપી હતી કે ત્રણ કલાકમાં તેનો આખો પરિવારને ખતમ કરી દેવાશે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.આ પછી 5 ઓક્ટોબર 2022ના રોજ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણ્યા વ્યક્તિનો બે વખત કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.10 જાન્યુઆરી, 2023ના રોજ, મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી.