કોર્પોરેશનની હદમાં ભળી ગયા છતાં દૈનિક 20 મીનીટ પાણી મળતું નથી: વોર્ડ નં.1ના નગરસેવકોને સાથે રાખી મેયરને પણ રજુઆત
શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારનો હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.1માં સમાવેશ થઇ ગયો છે.શહેરના અન્ય વિસ્તારની માફક નાગેશ્વરમાં પણ નિયમિત અને પૂરતું પાણી આપવાની માંગ સાથે આજે એક મોટું ટોળુ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યુ હતું. તેઓએ મ્યુનિ.કમિશનરને સંબોધીને એક આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. સાથોસાથ નાગેશ્ર્વરને નિયમિત પાણી આપો તેવા બેનરો પણ ફરકાવ્યા હતા.
નાગેશ્વર એરિયા પ્રમુખ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં રૂડાના સમયમાં ચાર ઇંચની પીવીસીની લાઇન નાખવામાં આવી હતી અને દરેક ફ્લેટને અડધા ઇંચનું કલેક્શન અપાયું હતું અને ત્યારે પણ પૂરતા ફોર્સથી પાણી આવતું ન હતું. હવે આ વિસ્તાર કોર્પોરેશનની હદમાં ભળી ગયો છે છતાં અહીં બે દિવસ છોડીને એક દિવસ 40 મિનિટ પાણી આપવામાં આવે છે
પરંતુ તે પૂરા ફોર્સથી આવતું નથી. ત્રણ-ચાર બિલ્ડીંગોમાં પાણી પહોંચે છે અને છેલ્લી શેરીઓ સુધી પાણી પહોંચતુ નથી. અપૂરતા પાણીના કારણે ટેન્કરો દ્વારા વેંચાતો પાણી લેવાની ફરજ પડે છે. નાગેશ્ર્વરનો સમાવેશ શહેરના વોર્ડ નં.1માં કરવામાં આવ્યો હોય સીટીના અન્ય વિસ્તારોની માફક અહીં પણ રોજ પાણી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.