સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં 150 એમસીએફટી પાણી ઠાલવો અથવા હડાળા-કોઠારીયા લાઈન મારફત ઘટ પૂરી કરો: બે વિકલ્પ સાથે મેયરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય જળાશય એવા આજી ડેમમાં 31મી જુલાઈ સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ છે. સંતોષકારક વરસાદ નહીં પડે અને ડેમના પાણીની આવક નહીં થાય તો ઓગષ્ટના આરંભથી જ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી દહેશત ઉભી થવા પામી છે. ત્યારે રાજકોટને સંભવિત જળ કટોકટીમાંથી ઉગારી લેવા માટે વધુ માત્રામાં નર્મદાના નીર ફાળવવાની માંગણી કરતો પત્ર મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખવામાં આવ્યો છે. આ પત્રમાં શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોની હાલની પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટની જળ જરૂરીયાત સંતોષવા માટે આજી ડેમમાંથી દૈનિક 125 એમએલડી, ન્યારી ડેમમાંથી 60 અને ભાદર ડેમમાંથી 45 એમએલડી સહિત સ્થાનિક જળાશયોમાંથી કુલ 230 એમએલડી ઉપાડવામાં આવે છે. 20 મિનિટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂરીયાત 355 એમએલડીની છે જે પૈકી 125 એમએલડી પાણી ગુજરાત વોટર ઈન્ફાસ્ટ્રકચર લી. દ્વારા નર્મદા પાઈપ લાઈન યોજના અંતર્ગત ન્યારી તથા બેડી ઓકટેક ખાતેથી મેળવવામાં આવે છે.
જળાશયોમાં ઉપલબ્ધ જળ જથ્થાની સમીક્ષા કરવામાં આવે તો આજી-1 ડેમમાં 253 એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે જે 31મી જુલાઈ સુધી ચાલે તેમ છે. ત્યારબાદ ડેમમાં પાણીનો 120 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ હશે જેને વિતરણ માટે ઉપાડવામાં આવશે તો ક્રમશ: ઘટાડો થશે અને વિતરણ વ્યવસ્થા પર પણ તેની અસર થશે.
ચોમાસાની સીઝનમાં આજ સુધી નોંધપાત્ર વરસાદ થયો નથી જેના કારણે સ્થાનિક જળાશયોમાં કોઈ જ નવા પાણીની આવક થવા પામી નથી. જે ધ્યાને લેતા આગામી દિવસોમાં અપુરતા વરસાદના કારણે સ્થાનિક જળાશયોમાં મર્યાદિત જળ જથ્થાને લઈ આગોતરુ આયોજન કરવું જરૂરી જણાતા મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે.
જેમાં રાજકોટમાં સંભવિત જળ કટોકટી ખાળવા માટે ઓગષ્ટથી વધારાના નર્મદાના નીર આપવાની માંગણી કરવામાં આવી છે. જેમાં અલગ અલગ બે વિકલ્પો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. સૌની યોજના અંતર્ગત રાજકોટને એકમાસ સુધી ચાલે તેટલો જળ જથ્થો એટલે કે 150 એમસીએફટી પાણી નર્મદામાં ઠાલવી દેવામાં આવે અથવા બીજા વિકલ્પમાં નર્મદા કેનાલ યોજના આધારિત પાઈપ લાઈન પ્રોજેકટની એનસી-12 લાઈન હડાળા-કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ પરથી આજી ડેમ ખાતેથી ઓકટેક મારફતે દૈનિક ક્રમશ: ઘટતા જથ્થાની પૂર્તતા કરવામાં આવે તો વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર થશે નહીં.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શ હેરમાં દૈનિક 20 મિનિટ પાણી પુરવઠો પુરો પાડવા માટે અત્યારથી જ આયોજન કરવું જરૂરી હોવાના કારણે રાજ્ય સરકાર પાસે વધારાના નર્મદા નીરની માંગણી કરવામાં આવી છે.
જો એક પખવાડિયામાં સંતોષકારક વરસાદ નહીં પડે અને જળાશયોમાં માતબર પાણીની આવક નહીં થાય આવા કેસમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટને વધુ માત્રામાં નર્મદા નીરની ફાળવણી કરવા માટે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો સંભવત: ઓગષ્ટ માસમાં શહેરમાં જળ કટોકટી સર્જાય તેવી શકયતા હાલ દેખાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા પણ ગત સપ્તાહે નર્મદા જળ સંપતિ તથા કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી રાજકોટને વધારાના નર્મદાના નીર ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન મેયરે પણ આ અંગે પત્ર લખ્યો છે.
ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-1 ડેમની સ્થિતિ થોડા અંશે સારી છે. ન્યારી-1 ડેમમાં હજુ 15મી ઓગષ્ટ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. જો જુલાઈ અંત સુધીમાં વરસાદ નહીં પડે અને ડેમમાં પાણીની આવક નહીં થાય તો કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ન્યારી ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા માંગણી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરની જળ જરૂરીયાત સંતોષતા અન્ય એક જળાશય ભાદરમાં 31મી ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી હાલ સંગ્રહિત છે. હજુ રાજકોટને 20 દિવસ પાણીની કોઈપણ પ્રકારની મુશિબત ઉભી થાય તેવી સંભાવના દેખાતી નથી. પરંતુ જો વરસાદ ખેંચાશે તો શહેરમાં જળ કટોકટી ઉભી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત એપ્રીલ માસમાં જ આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 600 એમસીએફટી અને ન્યારી ડેમમાં 300 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેના કારણે વરસાદ ખેંચાયો હોવા છતાં રાજકોટવાસીઓને પાણીની કોઈ હાડમારી વેઠવી પડતી નથી પરંતુ હવે ફરી એકવખત ચોમાસાની સીઝનમાં વરસાદ પર્યાપ્ત માત્રામાં ન પડવાના કારણે શહેરમાં સંભવિત જળ કટોકટી ઉભી થવા પામી છે. જેને ખાળવા માટે કોર્પોરેશન દ્વારા અત્યારથી જ આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.