સુરેન્દ્રનગર, દૂધરેજ સામે ભેળવવામાં વાંધો
…તો ૨૫૦૦ વર્ષ જૂના નગરની ઓળખ ખોવાઈ જશે, વિકાસ રૂંધાઈ જશે
વઢવાણ મહાપાલિકા ચળવળ સમિતિનું કલેકટરને આવેદન
વઢવાણને સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકામાં ભેળવાશે તો ૨૫૦૦ વર્ષ પ્રાચીન અને ગૌરવપૂર્ણ ઈતિહાસ ભૂંસાઈ જશે તેમ જણાવી વઢવાણને અલગ મહાપાલિકાનો દરજજો આપવા વઢવાણના પૂર્વ મ્યુ. પ્રમુખ સહિતના આગેવાનોએ માંગ કરી છે.
તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દ્વારા સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકાને સંયુક્ત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૃપે બંન્ને નગરપાલિકાઓના સત્તાધિશો સહિત હોદ્દેદારો અને આગેવાનોમાં અનેક ચર્ચાઓ થવાં લાગી છે. ત્યારે વર્ધમાન મહાનગરપાલિકા ચળવળ સમિતિ દ્વારા આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને સંબોધીને પાલિકાના વહિવટદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આ અંગે આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં સરકારના વટહુકમથી સુરેન્દ્રનગર-દુધેરજ નગરપાલિકા અને વઢવાણ નગરપાલિકાને સંયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ખરેખર જો આ નિર્ણય વિકાસલક્ષી હોય તો વઢવાણની પ્રજાના હિતને ધ્યાને લઈ સંયુક્ત નગરપાલિકાને બદલે વર્ધમાન મહાનગરપાલિકા અથવા વઢવાણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ. જ્યારે સંયુક્ત નગરપાલિકા બનવાથી અંદાજે ૨૫૦૦ વર્ષ પ્રાચીન અને ગૌરવપૂર્ણ ઈતિહાસ ધરાવતું વર્ધમાનપુરી શહેર (વઢવાણસીટી)ના અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે. હાલ સુરેન્દ્રનગર ગામ પણ વઢવાણના રેવન્યુ સર્વે નંબરો ઉપર ઉભું છે અને આઝાદી પહેલા બ્રીટીશ કેમ્પમાંથી બનાવેલ નવું શહેર છે. જ્યારે સંયુક્ત નગરપાલિકા બનાવવાથી વઢવાણ જીઆઈડીસી તથા ૮૦ ફુટ રોડ સહિતના વિસ્તારોનો વિકાસ રૃંધાઈ જશે અને વઢવાણની અંદાજે ૧ લાખની જનતાને બી ગ્રેડમાંથી એ ગ્રેડની નગરપાલિકાનો ટેક્ષ ભરવો પડશે.
આમ હાલ તકેદારી રાખવામાં નહિં આવે તો સુરેન્દ્રનગરમાં ભળેલ અન્ય ગામો જેવી દશા વઢવાણની થશે. આથી વઢવાણ-સુરેન્દ્રનગર તથા દુધરેજ ગામનાં સંયુક્ત વિકાસને ધ્યાને લઈ વર્ધમાન (વઢવાણ) મહાનગરપાલિકા બનાવવા નવો વટહુકમ કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકાના વહિવટદાર અનિલકુમાર ગોસ્વામીને કરી હતી. તેમજ જવાબદાર તંત્ર દ્વારા વઢવાણના હિતને નજરઅંદાજ કરવમાં આવશે તો આગામી દિવસોમાં વઢવાણપ્રેમીઓ ધરણા, રેલી સહિતના ઉગ્ર આંદોલનો અને કાર્યક્રમો આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે વઢવાણ પાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે, પ્રફુલભાઈ શુક્લ, મહાદેવભાઈ દલવાડી, દિલીપભાઈ ડગળા, સતીષ ગમારા, અમીતભાઈ કંસારા, મહેન્દ્રભાઈ પરમાર, દિપકભાઈ ઠાકર, સુધીરસિંહ રાઠોડ, હરપાલસિંહ ચુડાસમા, પન્નાબેન શુક્લા, ઉષાબેન ઠાકર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં