કોરોનાના વેક્સિનની આડઅસરથી જનસમુદાય ફફડી રહ્યો છે ત્યારે પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીની કાબિલેદાદ હિંમત
દેશમાં આગામી ઉતરાયણના પર્વથી કોરોનાની રસીકરણનો શુભ આરંભ થવા જઇ રહ્યો છે. કોરોનાની વેકસીન લીધા બાદ કોઇ આડઅસર તો નહીં થાય ને એવી શંકાથી જનસમુદાય ફફડી રહ્યો છે.ત્યારે રાજકોટના પૂર્વ સાંસદ રામજીભાઈ માવાણીએ કાબિલદાદ હિંમત દેખાડી છે અને શહેરમાં પ્રથમ કોરોના વેક્સિન તેઓને લગાવવામાં આવે તેવી માગણી સાથેનો પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો છે.
માજી સાંસદ રામજીભાઈ માવાણીએ વડાપ્રધાન, કેન્દ્રીય આરોગ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી વિશ્વમાં શોધાય ચૂકી છે. રસીની અંગે સફળતા શંકા ઉપજી રહી છે. તેઓની ઉંમર ૭૮ વર્ષની છે અને ઓપન હાર્ટ સર્જરી પણ કરાવી ચૂક્યા છે. તેઓ દૈનિક ૧૫ થી વધુ કલાક કામ કરે છે અને અગાઉ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.હિંમત રાખી કોરોનાની મહાત પણ કર્યો છે. તેઓ રાજકોટના પ્રથમ કોરોના રસીધારક બનવા માગે છે તેવું તેમનું સપનું છે. આ માટે તંત્રને આદેશ આપવામાં આવે કે કોરોનાની પ્રથમ વેકસીન તેમને મુકવામાં આવે તેવી માગણી આ પત્રમાં કરવામાં આવી છે.