રહેણાંક મકાનો તથા ઉદ્યોગોની જેમ ખેડૂતોને પણ પડતર જમીન મળશે તો નાના ટુકડામાં ફેરવાઈ ગયેલી જમીનોનો વિસ્તાર વધશે
ગુજરાતમાં સરકારી લાખો હેક્ટર જમીન પડતર પડી છે. આ જમીન રહેણાંક મકાનો બનાવવા તથા ઉદ્યોગોને જંત્રીના ભાવે આપવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે ત્યારે ખંભાળિયા-ભાણવડ મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ખેડૂતોને પણ તેમની જમીનને લગત જમીન જંત્રીના ભાવે આપવા રજૂઆત કરી છે.
સરકારી પડતર જમીન રહેણાંક મકાનો અને ઉદ્યોગોને જંત્રીના ભાવે આપવાથી રહેણાંક મકાનોની તંગી દૂર થશે, ઉદ્યોગો સ્થપાવાથી ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ થશે, રોગારી વધશે, સરકારની તિજોરીમાં પણ આવક થશે, તેથી આ પ્રક્રિયા સામે કોઈપણ પ્રકારનો વાંધો કે વિરોધ નથી, પણ જો સરકારી ૫ડતર જમીન જે ખેડૂતોની જમીનને લગત હોય તે જમીન ખેડૂતોને પણ જંત્રીના ભાવે આપવામાં આવે તો વારસાઈ ભાગલાથી નાના નાના ટૂકડામાં ફેરવાઈ ગયેલી ખેતીની જમીનનો વિસ્તાર વધશે, ખેતીનું ઉત્પાદન વધશે અને ખેડૂતોને પણ જંત્રીના ભાવે, સસ્તા ભાવે જમીન મળવાનો લાભ મળી શકે. આ બાબતે યોગ્ય વિચારણા કરી જંત્રીના ભાવે જમીન આપવાનો નિર્ણય કરવા તેમણે માંગણી કરી છે.