નિકાલ ન થઇ શકે તેવા કામમાં અરજદારોને સિધો ઇન્કાર કરવાનું રાખો કમિશનર સુધી મોકલવાની ખોટી ટેવ ન પાડો
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એવી સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે અરજદારને મારા સુધી મોકલવાની ખોટી ટેવ ન પાડો વોર્ડ લેવલથી જ કામગીરીનો નિકાલ કરવાની સિસ્ટમ ઉભી કરો.
તાજેતરમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા તમામ શાખાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એવી સૂચના આપવામાં આવી હતી કે અરજદારોને સામાન્ય કામ માટે પણ મને મળવા આવવું પડે તેવી ખોટી પ્રથમ સદ્તરપણે બંધ કરી દ્યો. જો કોઇ કામ ન થઇ શકે તેમ હોય તો અરજદારને ઇન્કાર કરવાની ટેવ પાડતા જાવ. કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા નાના-મોટા કામ માટે અરજદારને કમિશનર સુધી મોકલી દેવામાં આવે છે. જેના કારણે તેઓની કામગીરીમાં વારંવાર વિક્ષેપ ઉભો થાય છે.
તાજેતરમાં બેઠકમાં આનંદ પટેલે નાયબ કાર્યપાલક ઇજનેર ઉપરાંત વોર્ડના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતનાને સૂચના આપી દીધી હતી. અરજદારને મારી પાસે મોકલવાની ટેવ પાડતા નહિં. ઉકેલ ન આવી શકે તેવા કિસ્સામાં પણ કોઇ સંજોગોમાં અરજદારને કમિશનર સુધી મોકલવાની આદત ન રાખવી. બોટમ લેવલથી જ ન થઇ શકે તેવા કામમાં ઘસીને ના પાડી દેવાની આદત પાડો. જો નિયમ પ્રમાણે કામ ન કરી શકાય તેમ હોય તો ના પાડી દેવી અને અરજદાર લેખિતમાં જવાબ માંગવાનો આગ્રહ રાખે તો તેને લેખિતમાં જવાબ આપો. જો એક જ અરજદાર વારંવાર એક જ કામના ફોલોઅપ માટે મ્યુનિ.કમિશનર પાસે આવશે તો અધિકારીઓને નોટિસ પણ આપવામાં આવશે. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જણાવી દેવામાં આવ્યું છે. ભારે વરસાદમાં પાણી ભરાવવાની ફરિયાદ મળે તો તેનો પણ ઝડપી નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી.
રોગચાળાને નાથવા માટે પણ જવાબદારી ફિક્સ કરી દેવામાં આવી છે. કોઇ અરજદાર એક ફરિયાદ વારંવાર કરતું હોય તો ફરજિયાતપણે તેની સાઇટ વિઝિટ કરી અને સાત દિવસમાં તેની ફરિયાદનો નિકાલ આવી જાય તે રીતની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.