એકતરફ હાલ સમાજ વ્યવસ્થા તૂટતી જઈ રહી છે. પરિવારો વિખુટા થઇ રહ્યા છે. જે માતા પિતા પોતાના બાળકને એવુ વિચારીને ભણાવે ગણાવે છે કે, આ મારો દીકરો કે દીકરી મારી ઘડપણની લાઠી બનશે પણ એક સમયે એ જ દીકરો – દીકરી માતા પિતાને તરછોડી ડેટા હોય તેવા દાખલા પણ સમાજે જોયા છે. આવા સમ્યમાં સદભાવના વૃદ્ધાશ્રમ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. નિસહાય, નિઃસંતાન અને નિરાધાર વૃદ્ધોએ ક્યાંય ઠોકર ન ખાવી પડે, કોઈની સામે હાથ ન લંબાવો પડે તેવા ઉદેશ્ય સાથે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધોને સધીયારો પૂરો પાડવામાં આવે છે.
હાલ સુધી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ‘પીપળીયા ભવન’ તરીકે ભગીરથ કાર્ય કરી રહ્યું હતું પણ હવે સદભાવના વૃદ્ધાશ્રમ દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે. રાજકોટ – જામનગર હાઇવે પર મોટા રામાપર નજીક સદભાવના વૃદ્ધાશ્રમનું અંદાજિત 20 એકરની વિશાળ જગ્યામાં કુલ 7 ટાવર સ્વરૂપે સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વૃદ્ધાશ્રમનું ભુમીપુજન પૂ. સંત મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના ભગીરથ કાર્યમાં ફકત રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાતના જ નહીં પણ દેશભરમાંથી દાતાઓએ પોતાનું અનુદાન આપી ધન્યતા અનુભવી હતી. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા દાતાની કે જેણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.
હંસાબેન પટેલ નામની મહિલાએ ગોંડલ રોડ સ્થિત ‘પીપળીયા ભવન’ની મુલાકાત લીધી હતી. જ્યાં નિસહાય, નિરાધાર વૃદ્ધોની થતી માવજતને નિહાળી હંસાબેન ખુબ જ પ્રભાવિત થયાં હતા અને તેમણે તેમના પતિને ફકત એટલું જ કહ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમને ‘થોડું આપજો’.
આ ઘટના બન્યાના ફકત 15 જ દિવસમાં હંસાબેન પટેલનું નિધન થઇ ગયું પણ તેમના પતિ કે જેઓ વ્યવસાયે સામાન્ય એક બીએએમએસ તબીબ તરીકે ભાયાવદર ખાતે કાર્યરત છે તેમને પત્ની હંસાબેનના શબ્દો યાદ હતા કે, સદભાવના વૃદ્ધાશ્રમને ‘થોડું આપજો’. પરીવાર સાવ સામાન્ય હતો, દાન આપવા માટે કોઈ રોકડ ન હતી પણ હંસાબેનના પતિએ દાન આપવા માટે પોતાની જમીન વેંચીને એક રકમ એકત્ર કરી પણ ‘થોડું આપજો’ એની વ્યાખ્યા શું? એ પ્રશ્ન પતિ લને સતાવતો હતો. જે બાદ પતીએ અન્ય 4 દુકાનો પણ વેંચી નાખી અને તેમાંથી એકત્ર થનારી રૂ. 2 કરોડની માતબર રકમ સદભાવના વૃદ્ધાશ્રમને અર્પણ કરી દીધી.
સૌરાષ્ટ્રની ધરાની આ ઘટનાથી સૌ કોઈએ ચોક્કસ બોધપાઠ લેવાની જરૂર છે કે, થોડું છે તો થોડું આપીએ.