• ઉત્પાદન સ્થળેથી ‘ઓકિસજન’ સીધો જ કોવિડ સેન્ટરોમાં પહોચે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગ: આ પ્રકારની ચેઈનથી વચેટિયા, કાળાબજારિયાઓ પર રોક લાગશે 

    રાજયમાં ઉત્પાદિત થતો ઓકિસજનનો તમામ પૂરવઠો કોવિડ હોસ્પિટલોને આપવા અમદાવાદ મેડિકલ એસોસિએશનની મુખ્યમંત્રીને રજૂઆત

  • હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો ખુટતા ડોકટરો સામે દર્દીઓનો રોષ વધ્યો, કોરોનાગ્રસ્તોનો મૃત્યુઆંક વધ્યો-એએમએ પ્રમુખ ડો. કીરીટ ગઢવી

કોરોના વાયરસના કારણે ચારેકોર હાહાકાર મચી રહ્યો છે. નાનકડા એવા વાયરસે વિશ્ર્વ આખાને ભરડામાં લઈ હતપ્રત કરી દીધું છે. છેલ્લા એક વર્ષથી ચાલીઆવતી મહામારીમાં માનવજીવન ખૂબ પ્રભાવિત થયું છે. એવામા હાલ કોરોનાએ ફરી ખતરનાક ગતિ પકડતા મોટુ જોખમ ઉભુ થયું છે. ઘણાખરા રાજયોમાં કફર્યું સહિતના કડક નિયમો લાગુ કરાયા છે.કેસ વધતા મૃત્યુઆંક પણ વધ્યો છે. જેને કાબુમાં લેવો જાણે હવે એકલા તંત્રના હાથમાં રહ્યો ન હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કોરોના મહામારીને નાથવાના આ યુધ્ધમાં મોટા અસ્ત્ર સમાન ગણાતા રેમડેસિવિર ઈન્જેકશનો અને ઓકિસજનની ભારે અછત વર્તાઈ રહી છે. ઠેર ઠેર હોસ્પિટલોમાં ગંભીર પરિસ્થિતિ વાળા દર્દીઓનો ભરાવો થતા ઓકિસજનના જથ્થાની હોસ્પિટલોમાં અછત ઉભી થઈ છે. જેને પુરી કરવા હાલની પરિસ્થિતિએ ખૂબ કપરૂ છે. એમાં પણ ઓકિસજનનો પુરવઠો કોવિડ કરે સેન્ટરોમાં લાંબી પ્રક્રિયા બાદ પહોચતો હોવાથી વચેટિયાઓ લાભ ખાટી રહ્યા હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. આવા કાળાબજારીઓને પણ સંપૂર્ણ ચેઈનમાંથી દૂર કરવા ખૂબ જરૂરી છે. હાલ જ ‘અબતક’ દ્વારા રાજકોટમાં આ પ્રકારના કાળાબજારના વેપલાનો પર્દાફાશ કરવામાંઆવ્યો છે. કપરા કાળની પરિસ્થિતિમાં પણ ‘ગીધડાઓ’ સહાયને બદલે કૌભાંડ આચરી પૈસા કમાવવામાંથી બાજ આવતા નથી જો આવા કાળાબજારીયાને અંકુશમાં લાવી ગેરકાયદે ગતિવિધિ પર અંકુશ મેળવાયતો પરિસ્થિતિ અમુક હદે બેલલેન્સ કરી શકાય છે. આ માટે અમદાવાદ મેડિકલ એસોસીએશને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી 100 ટકા ઓકિશજન હોસ્પિટલોને આપવા રજૂઆત કરી છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને રીબાતા બચાવવા ઓકિસજનનો 100 ટકા પૂરવઠો કોવિડ હોસ્પિટલોમાં આપવો અનિવાર્ય બની ગયું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. કીરીટ ગઢવી, સચીવ ડો. ધીરેન મહેતા અને ડો. મોના દેસાઈએ કહ્યું કે, તમામ હોસ્પિટલોમાં ઓકિસજનની અછત વર્તાઈ રહી છે. પરિસ્થિતિ ખૂબ વિકટ બનતી જઈ રહી છે જે દર્દીઓને ઓકિસજનની જરૂર છે. એવા દર્દીઓને તાત્કાલીક મદદે આવી સારવાર કરવામાં ડોકટરો પણ નિષ્ફળ નિવડી રહ્યા છે. કારણ કે ઓકિસજનનો પુરવઠો જ ઉપલબ્ધ નથી હોતો. દર્દીઓએ હોસ્પિટલોમાં વેઈટીંગમાં રહેવાનો વારો આવ્યો છે.

એએમએના ડોકટરોએ વધુમાં જણાવ્યું કે, ઓકિસજનના પૂરતી માત્રામાં જથ્થાના અભાવે દર્દીઓ ડોકટરો તરફ આક્રોશ વ્યકત કરી રહ્યા છે. યોગ્ય સારવાર ન થતા દર્દીઓ અને તેમના પરિવારજનોમાં રોષ વધુ વધ્યો છે. પરંતુ અમે પણ મજબુર છીએ. ઓકિસજનની અછતની મોકાણની આવી પરિસ્થિતિમાં તબીબો પર દર્દીઓનો સંકજો કસાય તેવી ભીતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિના નિવારણ અર્થે અમદાવાદ મેડિકલ એસોસીએશને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી હોસ્પિટલોને ડાયરેકટ જ 100% જથ્થો આપવા અપીલ કરાઈ છે.

જણાવી દઈએ કે, હાલ ઓકિસજન ઉત્પાદન સ્થળેથી પૂરવઠો રી-ફીલર્સને આપવામાં આવે છે. અને ત્યારબાદ વિવિધ સેન્ટરો થકી હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમોને ફાળવવામાં આવે છે. પરંતુ આ સિસ્ટમને બદલે હાલ કોરોના પરિસ્થિતિમાં ઉત્પાદન સ્થળેથી ડાયરેકટર જ કોવિડ હોસ્પિટલોને આપી દેવામાંઆવે તેવી અમદાવાદ મેડીકલ એસોસીએશને માંગ કરી છે. આ પ્રકારની વ્યવસ્થાથી ઓકિસજનનો જથ્થો હોસ્પિટલો સુધી વહેલી તકે પહોચશે અને વચેટિયાઓની બાદબાકી થતા કાળાબજારીયાના વેપલા પર અંકુશ લાગશે તો આ સાથે ઓકિસજનની વહેંચણી પ્રક્રિયામાં આવતા અવરોધો પણ દૂર થશે.

કોરોનાથી થતા મૃત્યુનો આંક ઘટાડવા ઓક્સિજનનો જથ્થો અને ઉત્પાદન વધારવું ખૂબ જરૂરી બની ગયું છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ તરફ ધ્યાન દોરી ઓક્સિજનની વહેંચણી, ઉત્પાદન વધારવા જાહેરાત કરી હતી. ઓક્સિજનના પુરવઠાની ઉભી થયેલી અછતને પુરવા તાત્કાલિક પગલાં લેવા આવશ્યક બન્યા છે. આ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે આરોગ્ય વિભાગને જ સીધા ઓક્સિજનના ટેન્ક મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને નાની હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો છે.  અમદાવાદ મેડિકલ એસોસિએશનના એક સભ્યએ જણાવ્યું કે ઓક્સિજનના પુરવઠાની વહેંચણીમાં આવતા અવરોધો પણ દૂર થવા જ જોઈએ તો જ સમયસરની જરૂરિયાત સંતોષાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.