આવતી કાલે ગીતા જયંતી છે. દર વર્ષે માગસર સુદ અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવાય છે. કહેવાય છે ને કે જીવનમાં બધા જ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ભગવદ ગીતા અસ્તિત્વમાં આવી. આ કારણે ગીતા જયંતી લોકો મનાવે છે ગીતા જયંતીની સાથે કાલે મોક્ષદા એકાદશી પણ છે.
ગીતાની ઉત્પતિ ક્યારે થઈ હતી ??
5159 વર્ષ પહેલા ગીતાની ઉત્પતિ થઈ હતી અને ત્યારથી હિન્દુ લોકોએ ભગવદ ગીતાને ધાર્મિક ગ્રંથના રૂપમાં સ્વીકાર કર્યો હતો. સૌપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પરમ મિત્ર અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.શ્રીમદ્ ભગવત ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. જેમાં માનવ જીવનના દરેક વિષયમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવદ ગીતાના દરેક શ્લોક માનવ જીવન માટે રસ્તો બતાવનારા છે.
ગાંધીજી પોતાની સમસ્યાના માટે લેતા ગીતાજીનો સહારો
મહાત્મા ગાંધીજી કહેતા કે જયારે હું કોઈ પણ ધર્મ સંકટમાં હોઉં ત્યારે માત્ર ગીતા ગ્રંથનો જ સહારો લઉ છું. ગાંધીજીએ જણાવ્યું હતું કે આત્માર્થીને આત્મદર્શન કરવાનો એક અદ્વિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિંદુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઇ જોવામાં આવે છે તેની ગીતાએ અનેકરૂપે, અનેક શબ્દોમાં, પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે.
ભગવાન શ્રી કૃષ્ણએ ૭ હજાર વર્ષ પહેલા અર્જુનને આપ્યું’તું ગીતાનું જ્ઞાન
ભગવાન શ્રીકૃષ્ણએ આજથી લગભગ 7 હજાર વર્ષ પહેલા કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. ગીતામાં કુલ 18 અધ્યાય છે અને 700 શ્ર્લોક કહેવામાં આવ્યા છે. ગીતાએ આપણી સંસ્કૃતિ છે અને જીવન જીવવાની રીત શિખવવામાં આવી છે. હિન્દુ ધર્મમાં જે સ્થાન ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ધર્મસૂત્ર નું છે, તે જ સ્થાન ગીતાનું છે. ચારેય વેદોનો સાર શ્રીમદ ભગવદ ગીતામાં છે.
ગુજરાતની સરકારી સ્કુલોમાં પણ ધો.6 થી 8માં ગીતાજીના પાઠ ભણાવવાનું મહત્વપૂર્ણ નિર્ણય
આજની પેઢી આપણી સંસ્કૃતિનું સિંચન કરતી રહે એ માટે સરકાર દ્વારા ધો.6 થી 8માં ગીતાજીના પાઠ ભણાવવાનું મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે સોમવારથી શરૂ થયેલા શૈક્ષણિક સત્રથી સરકારી સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે એવી જાહેરાત ગુજરાત સરકારે કરી હતી.
ગીતા જયંતીના દિવસે શું કરવું ??
ગીતા જયંતીના દિવસે સહ પરિવાર સાથે ભેગા મળી અને ગીતાગ્રંથનું પૂજન કરી અને ગીતાનો મહાત્મ્ય અને ઓછા માં ઓછો એક અધ્યાય નો પાઠ કરવો જોઈએ આજે મોબાઇલની દુનિયામાં જીવનમાં ગ્રંથો નું મૂલ્ય બહુ ઓછું થતું જાય અને ગીતા એટલે આપણો શ્રેષ્ઠ અને પવિત્ર ગ્રંથ તો આ ગીતા જયંતીના દિવસે સંકલ્પ કરીએ કે અમે સહ પરિવાર બાળકો સાથે ગીતા ગ્રંથનું પૂજન કરીશું અને તેનું પઠન પણ કરીશું અને બાળકોને પણ તેના વિશે માહિતી આપીશુ.
ગીતાનો પ્રખ્યાત શ્લોક
યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે
ગીતા પુસ્તકનુ આ રીતે પૂજન કરવું:
એક બાજોઠ અથવા પાટલા ઉપર શુદ્ધ વસ્ત્ર પાથરી ગીતા પુસ્તકને રાખી તેને ચાંદલો ચોખા કરી અને ત્યારબાદ ગીતાનું મહાત્મય તથા કોઈપણ એક અધ્યાય નો પાઠ જરૂર કરવો.