ગીરસોમનાથ સમાચાર
ગીરસોમનાથના સુત્રાપાડામાં પોલીસે 1400 લીટર ડીઝલ સાથે 63.31 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને 5 શખસોની ધરપકડ કરી હતી .
ગીર સોમનાથ સુત્રાપાડા પોલીસે બાતમી આધારે કોડીનાર રોડ પર અમરાપુર ફાટક નજીક દરોડો પાડતા 3 ઈસમો ચોરાઉ ડીઝલના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઇ આવતા આગવી ઢબે પૂછપરછ કરતા ચોરાઉ ડીઝલ ચોરીના તાર રાજુલા સુધી પહોંચ્યા હતા. પોલીસે રાજુલા નજીક કાંધલી કૃપા હોટલ પર દરોડો પડી વધુ બે ઈસમોની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પીપાવાવથી ભારત પેટ્રોલિયમ(BPCL)ના ડીઝલ ટેન્કરોમાંથી ચોરી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સુત્રાપાડા કોર્ટે પાંચેય આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે વધુ તપાસનો ધમધમાટ આદર્યો છે.
ચોરાઉ ડીઝલના ગેરકાયદેસર વેપલાના રેકેટ અંગેની વિગતો આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમો ધરાવતા સુત્રાપાડા પંથકમાં ગેરકાયદેસર ડીઝલવેચાણનું એક રેકેટ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સુત્રાપાડા પોલીસે અમરાપુર ફાટક પાસે આવેલા એસ્સાર કંપનીના બંધ પેટ્રોલ પંપ પર ઓચિંતો દરોડો પાડતા પંપના કમ્પાઉન્ડમાં અંડરગ્રાઉન્ડ ટેન્કમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા ડીઝલ ટ્રકોમાં સપ્લાય કરતા ત્રણ ઈસમો રંગેહાથ ઝડપાયા હતા.
પોલીસે પ્રથમ બારસો લીટર જેટલો ડીઝલનો શંકાસ્પદ જથ્થા સાથે ત્રણ ટેન્કરને સીઝ કર્યા હતા. બાદમાં રાઉન્ડ અપ કરાયેલ ત્રણેય ઈસમોની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોરીના ડીઝલના ગેરકાયદેસરવેચાણનો રેકેટનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલ ત્રણેય ઈસમોએ પોલીસની પૂછપરછમાં પોપટ બની સમગ્ર કૌભાંડની કેફિયત કબુલાતા જણાવેલું કે, પીપાવાવ પોર્ટ પરથી સરકારના ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા ડીઝલનું રાજ્યના અલગ અલગ જિલ્લામાં ટેન્કર મારફતે પરિવહન થતું.
આ ટેન્કરો રાજુલા નજીક કાંધલીકૃપા હોટલ પર રોકાણ કરતા તેના ડ્રાઇવરો સાથે મિલાપીપણું કરી ટેન્કરોમાંથી ડીઝલ ચોરી સુત્રાપાડા પંથકમાં ગેરકાયદે વેચાણ કરતાં.સમગ્ર રેકેટમાં સંડોવાયેલા આરોપીઓ1. સાગર લખમણભાઇ કડેગીયા, 2.રાહુલ વિનોદભાઇ પીઠીયા, 3.રાહુલ રાજદેભાઇ ડેર, 4.પ્રદિપ રામદેભાઇ ડેર, 5.મેહુલ બોધાભાઇ ચૌહાણ
આ પાંચેય આરોપીઓને પોલીસે પ્રાથમિક વિગતો સાથે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ આરોપીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.