એશિયાટિક સિંહ એ ગુજરાતનું ગૌરવ છે. સામાન્ય રીતે આ સિંહ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીર અભયારણ્યમાં જોવા મળતા હોય છે ત્યારે ગુજરાત માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે જેમાં એક 143 વર્ષ પછી એશિયા આર્ટિક સિંહ બરડા અભયારણ્યમાં ફરી દેખાયો છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે.
એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયો
બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો
પ્રથમ વખત ક્યારે જોવા મળ્યો હતો નર સિંહ ??
આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ઓક્ટોબર 29, 2022ના રોજ તેને રેડિયો કૉલર લગાવવામાં આવ્યો હતો.
‘પ્રોજેક્ટ લાયનઃ લાયન@47 વિઝન ફોર અમૃતકાલ’ દસ્તાવેજ અનુસાર, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના બરડા વન્યજીવ અભયારણ્યની એવા સંભવિત સ્થાન તરીકે ઓળખ કરીને ચકાસણી કરવામાં આવી છે જ્યાં 40 વયસ્ક અને સબ-વયસ્ક સિંહો કુદરતી ક્રમમાં છૂટા પડીને બરડા-આલેચ ટેકરીઓ અને દરીયાકાંઠાના જંગલોમાં
રહી શકે.
પીએમ મોદીએ ગિરના સિંહોના મહત્વને જાણ્યું હતું અને આ કિમતી વન્યજીવની સમૃધ્ધિ માટેનો રોડમેપ તૈયાર કર્યો હતો. સિંહ અને વન્યજીવ પ્રેમી તરીકે હું ખૂબ જ ખુશ છું કે એશિયાટીક સિંહો કુદરતી રીતે ગુજરાતમાં જ અલગ થઈ રહ્યા છે અને તેમાંથી એક પોતાની મેળે જ કુદરતી રીતે બરડા વન્યજીવ અભયારણ્યમાં પહોંચ્યો. મને આશા છે કે ગુજરાતના વન વિભાગ અને સ્થાનિક સમુદાયોની સંયુક્ત દેખરેખ હેઠળ થયેલા સિંહના કુદરતી અને આપમેળે જ થયેલાં સ્થળાંતરને પ્રોજેક્ટ લાયન હેઠળ ભારત સરકાર અને પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વધારે પ્રોત્સાહન આપવામાં અને મજબૂત બનાવવામાં આવશે,” એમ સાંસદ (રાજ્યસભા) અને ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.