હાલો… નિયત સમયે ગીરનાર લીલી પરિક્રમા શરૂ કરીને મહાતમ્ય જાળવવા સંતોની ભાવિકોને અપીલ
જૂનાગઢના ગરવા ગિરનાર લીલી પરિક્રમા આગામી તા. 23-11-2023 થી તા. 27-11-2023 દરમિયાન યોજનાર છે. પરંતુ ઘણાં ભાવિકો નિયત સમય પહેલા પરિક્રમા શરૂ કરતા હોય છે. ત્યારે વહેલી પરિક્રમા દરમિયાન કોઈ અઘિટિત બનાવ ન બને તે ધ્યાનમાં રાખી અને અભયારણ્ય વિસ્તારમાં કોઈ વ્યવસ્થા ન હોય, જેથી દુર્ઘટનાઓ ટાળવા વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ભાવિકોને અનુરોધ કર્યો છે. તે સાથે અનેક પ્રતિબંધો અને જાહેરનામા પ્રસિદ્ધ થઈ રહ્યા છે, વન અભિયારણ્ય ના કાયદાઓનું ચુસ્ત પાલન અને કડક કાર્યવાહી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.
આમ તો, ગરવા ગિરનારની લગભગ 35 કિમી પગપાળા અને થોડી સાહસિક એવી લીલી પરિક્રમા ગિરનારના અભયારણ્ય વિસ્તારમાં દર વર્ષે કાર્તિકી અગિયારસથી પ્રારંભ થાય છે ત્યારે આ વર્ષે આગામી તા. 23-11-2023 થી લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે.આ પરિક્રમા દરમિયાન પરિક્રમાના રૂટ અને વિવિધ સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. તો અનેક ઉતારા મંડળો, અન્નશ્રેત્રો, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાતભાતના ભોજન, પ્રસાદ, ચા, પાણી, સરબત સહિતની સેવા પૂરી પડાય છે.
જ્યારે વન વિભાગ તથા પોલીસ તંત્ર પરિક્રમાના દિવસો દરમિયાન એરાઉન્ડ ધી કલોક ભાવિકોની સુરક્ષા અને સલામતી માટે ખડે પગે ફરજ નિભાવે છે, આ સાથે જૂનાગઢ મનપા, આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ – મકાન વિભાગ, પી.જી.વી.સી. એલ. એસ. ટી. રેલવે સહિતના વિભાગોને ભાવિકોની સુવિધા માટે કામે લગાડવામાં આવે છે.આમ જિલ્લા કલેકટરની દેખરેખ અને માર્ગદર્શન મુજબ લીલી પરિક્રમામાં આવતા લાખો ભાવિકો ને પરિક્રમા દરમિયાન લગી રેક પણ તકલીફ કે મુસીબતોનો સામનો કરવો પડતો નથી. અને નિયત સમયના દિવસોમાં પરિક્રમા કરવી હિતાવહ બને છે. સાથો સાથ નિયમ સમયે પરિક્રમા કરવાથી લીલી પરિક્રમાનુ મહાત્મ્ય પણ જળવાય છે.
જો કે, પરિક્રમા વિસ્તારમાં હિંસક પ્રાણીઓ જેવા કે, સિંહ દીપડા વગેરે વસવાટ કરતા હોય તેથી યાત્રિકોએ પરિક્રમા દરમિયાન નિયત કરેલા રસ્તા કે, કેડીઓ છોડી જંગલમાં અંદર જવું નહીં. પરિક્રમા દરમિયાન કોઈ વન્ય પ્રાણીઓ પક્ષીઓને છંછેડવા નહીં, તેમજ ઝાડની ડાળીઓ વાસ વગેરેનું કટીંગ કરવું નહીં તથા કોઈપણ જાતના ફટાકડા કે સ્ફોટક પદાર્થ, લાઉડ સ્પીકર, પ્લાસ્ટિકની થેલી, પાન માવા, ગુટકા, બીડી સિગારેટ વગેરે પર પ્રતિબંધ હોય જેથી સાથે રાખવા નહીં, તેમ વન વિભાગ દ્વારા જણાવાયું છે. તથા પરિક્રમા દરમિયાન વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે સ્ટોલ રાખવાની મનાઈ કરાઈ છે.
આ સાથે પરિક્રમા વિસ્તારમાં આગના બનાવો ન બને તે માટે ચૂલાઓ, તાપણાઓ સળગાવવા નહીં. ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્ય હોવાથી દરેકે તમામ પ્રવર્તમાન કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને તેનું ભંગ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પરિક્રમા દરમિયાન સરકારી ફરજ પર રોકાયેલા અને આ ખાતાની પરવાનગી મેળવેલ હશે તે સિવાયના તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. જે કોઈપણ અન્નક્ષેત્ર કે અન્ય સંસ્થા વાહન લઈ જવા માંગતા હોય તો, નાયબ વન સંરક્ષકની કચેરી-જૂનાગઢ, વન વિભાગ સરદાર બાગ-જૂનાગઢ (ફોન નંબર-0285263118) ની કચેરીએથી નિયમોનુસાર પરવાનગી મેળવવાની રહેશે. બીજી કોઈ સૂચના માટે નોડલ અધિકારી (પરિક્રમા) અને મદદનીશ વન સંરક્ષક જૂનાગઢનો સંપર્ક (મો.7567306164) કરવાનો રહેશે.