ગરવા ગિરનારની ધન્ય ધરા પર ગૂંજી રહેશે

નવ નિર્મિત પારસધામ ધર્મ સંકુલમાં તા.25મી જુને ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે અનેક રાજકીય મહાનુભાવો, શ્રેષ્ઠીવર્યો અને દેશ-વિદેશના હજારો ભાવિકો પધારીને શુભેચ્છા આપશે

જૈનોના 22માં તીર્થંકર પ્રભુ નેમનાથની સ્પર્શના એ પાવન બનેલાં સૌરાષ્ટ્રના ગિરનાર ક્ષેત્રની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ ભવ્ય જીવોને તારવા માટે ચાતુર્માસ વ્યતીત કરવા પધારી રહ્યા છે ત્યારે 25વિંજૂન 2023 રવિવારના દિવસે સવારે 8:30 કલાકે એમના ચાતુર્માસ મંગલ પ્રવેશના વધામણા લેવા સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દેશના ખૂણે-ખૂણેથી એવમ વિદેશના હજારો ભાવિકો ગિરનાર આવવા માટે આતુર બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પરમ ગુરુદેવની પ્રેરણાથી ગિરનાર ભૂમિ પર 51,000 સ્ક્વેર ફીટના વિશાળ સંકુલમાં પરમ ગુરુદેવ આદિ છ સંતો અને પૂજ્ય પ્રબોધિકાબાઈ મહાસતીજી આદિ સાધ્વીવૃંદ “ગિરનાર વંદનમ્ વર્ષાવાસ” વ્યતીત કરીને સૌરાષ્ટ્રના ભાવિકોને ધન્ય કરશે.

પરમ ગુરુદેવ આદિ સંત- સતીજીઓના ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રા તેમજ ચાતુર્માસ શુભેચ્છા કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અવસરે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘ પદાધિકારીઓ, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારતના સંઘ પદાધિકારીઓની સાથે અનેક રાજકીય મહાનુભાવો શ્રેષ્ઠીવર્યો, મહિલા મંડળ, યુવા મંડળના સભ્યો ઉપરાંત દેશ-વિદેશના હજારો ભાવિકો ગિરનાર પધારીને પરમ ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશના ભક્તિ ભાવથી સ્વાગત વધામણા કરવા થનગની રહ્યા છે.

વિશેષમાં, ચાતુર્માસ મંગલ પ્રવેશ શુભેચ્છા અવસર બાદ 26મી જૂન સોમવારના દિવસે “પરમ ગુરુપૂર્ણિમા” અવસર – હું અને મારા ગુરુ, સવારે 9 કલાકે યોજાશે. આ અવસરે નૃત્ય-ગીત-સંગીત નાટિકા-વક્તવ્ય આદિના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો હૃદયના શ્રદ્ધાપાત્ર એવા પરમ ગુરુદેવના ચરણમાં શ્રદ્ધા-ભક્તિભાવની અર્પણતા કરીને ધન્ય બનશે. ગિરનાર વંદનમ્ વર્ષાવાસ ચાતુર્માસનો સમગ્ર લાભ કોલકત્તા નિવાસી ધર્મવત્સલ અવંતિભાઈ કાંકરિયા પરિવાર લઈને ધન્ય બન્યા છે. ગુરુ ભગવંતના સ્વાગત વધામણા કરવા તેમજ ગુરુભક્તિની અર્પણતા કરવાના આ પાવન અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

સમગ્ર ચાતુર્માસમાં આત્મોથાન કરાવનાર અનેક શિબિર આદિનું આયોજન કરવામાં આવ્યું છે. ચાતુર્માસ સંબંધી કોઈપણ પ્રશ્ર્ન પૂછવા માટે સંપર્ક +91 73030 00666. દરેક કાર્યક્રમ પારસધામ, રૂપાયતન રોડ, ભવનાથ, જુનાગઢ, ગુજરાત ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.