પોણા ચાર દાયકા પૂર્વે સેવાયેલુ સ્વપ્ન થયુ સાકાર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉજામંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, રાજયકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર, યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા
લોકાર્પણ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ રોપ-વેમાં બેસી અંબાજી મંદિરે કર્યા દર્શન
રોપવેનું ભાડુ રૂ. ૭૦૦: વાર્ષિક રૂ. ૪૦૦ કરોડની આવકનો લક્ષ્યાંક
જુનાગઢના લોકો અને ભારતભરના પ્રવાસીઓની વર્ષોની પ્રતીક્ષા એવા ગિરનાર રોપ-વેનું વડાપ્રધાન મોદીના હસ્તે ઇ લોકાર્પણથી કરાયુ છે. આ સાથે રૂ. ૧૩૦ કરોડના ગિરનાર રોપ-વે યોજનાનો લાભ લઈને ભાવિકો અંબાજી મંદિર સુધી ગણતરીની મિનિટોમાં પહોંચી શકશે.
ગરવા ગિરનારની ટોચ પર ૫ હજાર પગથિયે બિરાજતા જગત જનની મા અંબાજીના દર્શનનો લ્હાવો પગથિયા પર પગ ઘસ્યા વગર માત્ર ગણતરીની મિનિટોમાં રોપ વે દ્વારા પહોંચી શકાય તે માટે સરકાર દ્વારા રૂ. ૧૩૦ કરોડના ખર્ચે ગિરનાર રોપ-વે યોજના કરવામાં આવી હતી, અને જે પરિયોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હસ્તે ઈ લોકાર્પણ થયું રહી છે ત્યારે જૂનાગઢ શહેર વાસીઓમા ખુશીની લહેર પ્રસરી જવા પામી છે, બીજી બાજુ સમગ્ર ભારત સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ સમાચાર ખુશીના મનાઈ રહ્યા છે.
ગિરનાર રોપ-વેનું લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઊર્જામંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડા, રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહિર, રાજ્ય કક્ષાના યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે ખાસ ઉપસ્થિત રહી, આ શુભપ્રસંગના સાક્ષી બન્યા હતા. અને લોકાર્પણ બાદ મુખ્યમંત્રી રૂપાણી રોપવે માં બેસી અંબાજી ટૂંક પર જઈ, મા જગદંબાના મંદિરે માથું ટેકવી આશીર્વાદ મેળવ્યા હતા.
ત્યારે જૂનાગઢ શહેરના પોલીસ તાલીમ મહાવિધાલયના મેદાનમાં આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ પોતાનું પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ ઓનલાઇન પ્રવેશ કરી તેમના ઉદબોધન બાદ ઇ-લોકાર્પણ કર્યુ હતુ.
વડાપ્રધાનના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી રૂપાણી તથા તેમની સાથેના મંત્રીઓ અને અધિકારીઓ તેમજ ભાજપના પદાધિકારીઓ રોપ વે દ્વારા મા અંબાજી ટુંક ઉપર જઇ દર્શન કર્યા હતા.
ખેડૂતોને દિવસે વીજળી પહોંચાડવા કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ થયું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે ખેડુતો માટેની કિસાન સુર્યોદય યોજનાનું ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. સુર્યોદય યોજના લોન્ચ થતા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અને રાજકોટ જિલ્લાના ૭૫ હજાર ૯૯૧ જેટલા ખેડુતોને લાભ થશે. જુનાગઢ જિલ્લાની સાથે આ યોજનાના પ્રથમ તબક્કામાં સૈારાષ્ટ્રના ૪ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાના ૨૨૦ ગામો, ગીર સોમનાથના ૧૪૩ ગામો, અમરેલીના ૫ ગામો, રાજકોટના ૧ ગામનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રથમ તબક્કામાં પર સબ સ્ટેશન હેઠળ ૨૯૬ વિજ ફેડરોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં સાંસદ, મેયર, પ્રભારીના નામ ભૂલાયા
ગીરનાર રોપ-વે લોકાર્પણ પ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવેલ નિમંત્રણ કાર્ડમાં મેયર, સાંસદ અને પ્રભારીના નામો ભુલાઈ ગયા હોવાનો સોશિયલ મીડિયામાં વિવાદોનો મધપૂડો છંછેડાયો હતો. જોકે જેના નામો પ્રસિદ્ધ નથી થયા તે લોકોને આ બાબતે કોઈ જ રંજ ન હોવાનો, પરંતુ જૂનાગઢમાં આજે જે શુભ પ્રસંગ છે અને જુનાગઢને વર્ષોની તપશ્ચર્યાનું ફળ મળ્યું છે તેવા રોપ વેના લોકાર્પણથી તેઓ ખૂબ જ ખુશ હોવાનું જણાવી રહ્યા છે. નિમંત્રણ કાર્ડમાં જૂનાગઢના પ્રથમ નાગરિક એવાં મેયર ધીરુભાઈ ગોહેલ, જૂનાગઢના સંસદ રાજેશભાઇ ચુડાસમા, તેમજ કેબિનેટ મંત્રી અને જૂનાગઢના પ્રભારી જયેશ રાદડિયાના નામોનો ઉલ્લેખ નથી જે અંગેનો ગણગણાટ અને એક વિવાદ જુનાગઢ શહેર ભાજપના અમુક ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ વાઇરલ કરતા આ બાબત જૂનાગઢ શહેરમાં ચર્ચાને ચગડોળે ચઢી હતી.
નગર શેઠ નાનજી કાલિદાસે ૩૬ વર્ષ પહેલા રોપ-વે પ્રોજેટ માટે પ્રથમ અરજી કરી ’તી
વડાપ્રધાન પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વે કાર્યાન્વિત થયું છે. ત્યારે જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાત અને ભારતના પ્રવાસીઓ માટે એક આનંદની બાબત બની છે, પરંતુ આ રોપ વે પ્રોજેક્ટની પ્રથમ અરજી આજથી ૩૬ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને પોણા ચાર દાયકા જેટલા સમયની રજૂઆતો, કાનૂની લડત અને અનેક ચડાવ-ઉતાર વચ્ચે આજે જૂનાગઢનો ગીરનારના રોપ-વે પ્રોજેકટ સાકાર થયો છે. જૂનાગઢના ગરવા ગિરનાર રોપ-વે શરૂ થાય તે માટે જૂનાગઢના નગરશેઠ એવા નાનજી કાલિદાસ દ્વારા આજથી ૩૬ વર્ષ પહેલાં અરજી કરવામાં આવી હતી અને જિલ્લા કલેકટર દ્વારા ૧૯૮૩માં આ દરખાસ્ત પ્રવાસન નિગમને મોકલવામાં આવી હતી. બાદમાં આ ફાઈલની પ્રક્રિયાઓ ચાલુ રહી હતી પરંતુ કોઇ નિરાકરણ ન આવતા જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ એ પ્રથમ વખત ૧૯૯૪ માં ગુજરાતની વિધાનસભામાં ગિરનારની ફાઈલ ક્યાં પહોંચી તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. બાદમાં ૧૯૯૪માં સરકાર દ્વારા જમીનની ફાળવણી થઈ હતી અને પ્રવાસન બોર્ડ ને જમીન ફાળવવામાં આવી હતી અને તેના બદલામાં વનવિભાગને ભાલાળા નજીક જમીન ફાળવવામાં આવી હતી.
તા. ૧૬/૭/૯૪ ના રોજ પ્રવાસન બોર્ડ સાથે હાલની કોન્ટ્રાક્ટર કંપની ઉષા બ્રેકો કંપનીએ એગ્રીમેન્ટ કર્યું હતું અને ઉદ્યોગ અને ખાણ વિભાગે મંજુરી પણ આપી દીધી હતી, પરંતુ ગિરનાર રોપ-વે શરૂ થાય તો ડોલી વાળાની રોજીરોટીનો પ્રશ્ન સામે આવ્યો હતો અને ડોલી વાળા કોર્ટમાં ગયા હતા અને ૧૯૯૮ માં વિધાનસભાની સંસદીય ટીમે જૂનાગઢનાની મુલાકાત લીધી હતી. બાદમાં તા. ૨૪/૫/૯૯ ના રોજ રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ એ મંજૂરી આપી હતી, પરંતુ ડોલીવાડા નો પ્રશ્ન અદાલતમાં પેન્ડિંગ હોવાથી આ કાર્યવાહી શરૂ થવા પામી ન હતી.